અનોખો પ્રયોગ:બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા કૃત્રિમ તરાપા બનાવવાનો અનોખો પ્રયોગ કરાયો - Alviramir

અનોખો પ્રયોગ:બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા કૃત્રિમ તરાપા બનાવવાનો અનોખો પ્રયોગ કરાયો

બનાસકાંઠા (પાલનપુર)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લોકોના જીવ બચાવવા કૃત્રિમ તરાપા બનાવવા અપીલ કરાઇ

ચોમાસાની ઋતુમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને યોગ્ય રીતે સંચાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને તથા તમામ વિભાગોની ટીમોને બનાસકાંઠા કલેક્ટર દ્વારા સતર્ક રાખવામાં આવ્યાં છે. જિલ્લામાં ભારે અથવા અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય અને જો કોઈપણ પ્રકારનું સ્થળાંતર કરવાનું થાય કે રાહત બચાવની કામગીરી કરવાની થાય તેવા સંજોગોમાં હાલ જિલ્લામાં 1 બટાલીયન એન.ડી.આર.એફ, 1 બટાલીયન એસ.ડી.આર.એફ અને જિલ્લાની અલગ-અલગ ટીમો જેવી કે પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, આપદા મિત્ર GSDMA ને પણ તંત્ર દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં 14 તાલુકામાં 748 નિષ્ણાંત તરવૈયાની યાદી તૈયાર કરાઇ
બનાસકાંઠા જિલ્લામાં અગાઉ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ તે સમયના સલામત આશ્રય સ્થાનની વિગતો પણ હાથવગી રાખવામાં આવી છે. આ ઉપરાંત ડુબવાના બનાવોમાં નિષ્ણાંત તરવૈયાની પણ વિશેષ જરૂરીયાત રહેતી હોય છે. જેમાં જિલ્લામાં 14 તાલુકામાં 748 નિષ્ણાંત તરવૈયાની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. ભારે વરસાદની સ્થિતિમાં જો સ્થળાંતર કરવાની જરૂર પડે અને માલસામાન હટાવવાની જરૂર પડે તેવા કિસ્સામાં ક્રેઈન, જે.સી.બી, ટ્રક, ટ્રેકટર જેવા ઈમરજન્સી વાહનોની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. આ અનુસંધાને ભારે વરસાદથી કોઈ નુકશાની થાય ત્યારે વહીવટીતંત્ર તો 24 કલાક ખડેપગે રહીને રાહત બચાવની કામગીરી કરે જ છે પણ આવા સમયે જિલ્લામાં આવેલ સ્વૈચ્છીક સંસ્થાઓનો પણ વિશેષ ફાળો રહેતો હોય છે અને આ સંસ્થાઓ વહીવટીતંત્રના સંકલનમાં રહી તમામ પ્રકારની કામગીરી કરે તે મુજબની અગાઉથી જ તાલીમ આપી તાલીમબધ્ધ કરવામાં આવેલ છે.

પૂર નિયંત્રણ કક્ષ 24 કલાક માટે કાર્યરત કરાયા
જિલ્લાના તમામ વિભાગોને ચોમાસા ૠતુની કામગીરી દરમ્યાન પોતાનું હેડ કવાર્ટર ન છોડવા કલેકટર દ્વારા કડક આદેશ કરવામાં આવેલા છે. આ ઉપરાંત જિલ્લાના 14 તાલુકા હેડ કવાર્ટર ખાતે પૂર નિયંત્રણ કક્ષ પણ 24 કલાક માટે કાર્યરત કરવામાં આવેલ છે. તમામ તાલુકામાં વર્ગ 1 કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવી છે. તે તમામ લાઈઝન અધિકારીઓ સંપુર્ણ ચોમાસા ઋતુ દરમ્યાન બધી જ બાબતોની દેખરેખ રાખી જાહેર પ્રજાની સલામતી અને સુરક્ષા સંદર્ભે કામગીરી કરશે.

બચાવ કામગીરીને લગતા તમામ પ્રકાર સાધનો ઉપલબ્ધ
બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર પાસે પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીને લગતા તમામ પ્રકારની સાધન સામગ્રી ઉપલબ્ધ છે. જેવા કે લાઈફ બોયા, લાઈફ ઝેકેટ, દોરડા, રસ્સા, ડી વોટરીંગ પંપ, ઈમરજન્સી લાઈટ આ ઉપરાંત ગુજરાતમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં કલેકટર કચેરી, પાલનપુરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી ડીઝાસ્ટર દ્વારા કૃત્રિમ તરાપા વાંસ, દોરી, અને પાણીના જુના કેરબા પણ બનાવવામાં આવ્યા છે. આ તરાપો સમગ્ર ગુજરાતમાં ફક્ત બનાસકાંઠાની આ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે જ જોવા મળેલ છે. આ તરાપો બનાવવા માટે સંજય કુમાર ચૌહાણ ડી.પી.ઓ- ડીઝાસ્ટર અને તેમની ટીમના આપદા મિત્ર ટીમ લીડર હિતેશભાઈ મેવાડા અને હિતેશભાઈ બારોટ દ્વારા વાંસ, દોરો અને પાણીના જુના 20 લીટરના કેરબાથી પોતાની સમજ શકિતનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. જુની પીવાના પાણીની બોટલોમાંથી પણ પૂરની સ્થિતિમાં પોતાનો જીવ કેવી રીતે બચાવવો તેનું પણ એક અદભુત મોડેલ બનાવવામાં આવ્યું છે .

તરાપાની તાલીમ પણ શાળા અને કોલેજોમાં આપવામાં આવે છે
જિલ્લાની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, આવા કૃત્રિમ તરાપા ગામે ગામ બનાવવામાં આવે જેથી ઈમરજન્સીની સ્થિતીમાં નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોના જીવ બચાવી શકાય. આ નવતર પ્રયોગ કરનાર બનાસકાંઠા જિલ્લો પુરા ગુજરાતમાં એક માત્ર છે. આ તરાપાની તાલીમ પણ શાળા અને કોલેજોમાં આપવામાં આવે છે. જેથી લોકો તેને બનાવી પોતાનો જીવ બચાવી શકે અને પોતાના પરિવારની રક્ષા કરી શકે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment