અમદાવાદ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રાણી અત્યાચાર નિવારણ અધિનિયમ મુજબ પક્ષીઓને પાંજરામાં પુરી રાખવા અને તેનું વેચાણ કરવું ગેરકાયદેસર છે. આવું કૃત્ય કરનાર સામે સજાપાત્ર ગુનો પણ બને છે તેમ છતાં અમદાવાદમાં બિનઅધિકૃત રીતે કેટલાક શખ્સો દ્વારા પશુ-પક્ષીઓનું ગેરકાયદે વેચાણ કરવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર રવિવારે ભરાતા ગુજરી બજારમાં આવી રીતે રંગબેરંગી નાના પક્ષીઓ અને પશુઓ વેચાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરી બજારમાં કેટલાક લોકો મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓ જેને પાંજરામાં પુરેલા છે તેનું વેચાણ કરવા માટે લઈને બેઠા છે એવું વીડિયોમાં જણાય છે. આ રીતે ગેરકાયદેસર પક્ષીઓને પુરી અને વેચાણ કરવા બદલ વનવિભાગ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી છે છતાં પણ વનવિભાગ અને પોલીસ નિષ્ક્રિય છે.
પશુ-પક્ષીઓનું વેતાણ કરતા લોકો અમારા સભ્યો નથી: ગુજરી બજારના પ્રમુખ
સાબરમતી રીવરફ્રન્ટ ગુજરી બજાર એસોસિએશનના પ્રમુખ નફિસભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી આ રીતે પશુ-પક્ષીઓ વેચવાવાળા આવે છે અને અમારા મુખ્ય બજારમાં આ વેચાણ કરવાવાળા લોકો બેઠા નથી. બજારના છેડા ઉપરની જગ્યાએ તેઓ આ વેચાણ કરે છે. આવી રીતે પશુ-પક્ષીઓનું વેચાણ કરતા લોકો અમારા સભ્યો નથી. પશુ-પક્ષીઓનું વેચાણ થતું હોય તો વનવિભાગ અને પોલીસને કાર્યવાહી કરવાની હોય છે.
17 દિવસ પહેલા ગાંધીનગરમાં પક્ષીઓ વેચતા શખસ ઝડપાયો હતો
સોશિયલ મીડિયામાં સાબરમતી રીવરફ્રન્ટ પર દર રવિવારે ભરાતા ગુજરી બજારનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નાના રંગબેરંગી પક્ષીઓને પાંજરામાં પુરી અને તેનું વેચાણ કરવા માટે રાખવામાં આવ્યા છે. પોપટ, ચકલીઓથી લઇ અને બીજા અન્ય પક્ષીઓ તેમજ સસલાઓ પણ પાંજરામાં પુરાયેલા જણાય છે. ગુજરી બજારમાં છેલ્લા કેટલાય સમયથી આ રીતે પક્ષીઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. 17 દિવસ પહેલા ગાંધીનગરમાં પણ એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે જ્યારે પક્ષીઓ વેચતા ઝડપાયો હતો ત્યારે તે અમદાવાદ ગુજરી બજારમાંથી આ પક્ષીઓ લાવ્યો હોવાનું તેણે વનવિભાગ અને પોલીસને જણાવ્યું હતું.