અમદાવાદ8 કલાક પહેલાલેખક: અર્પિત દરજી
સોશિયલ મીડિયામાં કેવા વીડિયો વાઈરલ થાય એ કહેવું ખૂબ જ અઘરું છે, જેમાં ગુજરાતીઓ પણ કાઠું કાઢી રહ્યા છે. છુટ્ટા હાથે કે સૂતાં-સૂતાં બાઈક ચલાવતા દાદા હોય કે પછી રશિયાના પુતિનને ફોન કરનારા કાકા હોય…હવે ગોઠણ સુધી ભરાયેલા વરસાદી પાણીમાં રિક્ષા બંધ પડતાં ભરૂચનો ડ્રાઈવર બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો છે, જે અત્યારસુધીમાં 5 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. એને લઈને વિદેશથી પણ કોલ આવી રહ્યા હોવાનું ડાન્સર રિક્ષાચાલક નરેશ સોંદરવા કહી રહ્યા છે. જાણીએ… આ રિક્ષાચાલક શા માટે વરસાદી પાણીમાં ડાન્સ કરવા લાગ્યો અને તેના વિશે.
રમૂજી શૈલીમાં ડાન્સ કરતો વીડિયો બનાવ્યો
સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં પોતાની રિક્ષા બાજુએ મૂકી રમૂજી શૈલીમાં ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે વીડિયો બનાવનારી વ્યક્તિ એટલે કે નરેશ સોંદરવા સાથે ખાસ વાતચીત કરી હતી. ટેક્સી અને રિક્ષાચાલક તરીકે કામ કરી ગુજરાત ચલાવતા નરેશભાઈએ વીડિયો અંગે જણાવ્યું હતું કે લોકો અલગ અલગ રીતે તેમની સમસ્યાઓ અને પ્રશ્નોને રજૂ કરતા હોય છે, ત્યારે વરસાદના સમયે રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાને તેમને અનોખી રીતે લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો અને આ વીડિયો બનાવ્યો હતો.




