કચ્છના ડેમ છલકાયા:કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ 20માંથી 14 ડેમ ઓવરફલો થયા, 9 હજારથી વધુ હેકટરમાં ખેતીને ફાયદો થશે - Alviramir

કચ્છના ડેમ છલકાયા:કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ 20માંથી 14 ડેમ ઓવરફલો થયા, 9 હજારથી વધુ હેકટરમાં ખેતીને ફાયદો થશે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • 14 Out Of Total 20 Dams Of Madhyamsinchai Yojana Overflowed In Kutch, More Than 9 Thousand Hectares Of Agriculture Will Benefit

કચ્છ (ભુજ )17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રવિ સીઝનની ચિંતા ટળતા કિસાનોમાં ખુશી, મધ્યમકક્ષાના અન્ય પાંચ ડેમમાં 10થી 70 ટકા પાણીની આવક થઈ
  • નાની સિંચાઇની 170 યોજનાઓ પૈકી 95 યોજનાઓ પૂર્ણ ભરાઇ ગઇ

કચ્છમાં મેઘરાજા મહેરબાન થતાં દસે તાલુકામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજનાના કુલ 20 ડેમમાંથી અત્યારસુધીના સીઝનના વરસાદના કારણે 14 ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. બાકી રહેતા છ પૈકી પાંચ ડેમમાં 10 થી 70 ટકા પાણીની આવક થઇ છે જયારે બાકી એક ડેમમાં ચાલુ સીઝનમાં નોંધપાત્ર આવક થવાની સંભાવના છે. મેઘરાજાની મહેરબાનીથી જિલ્લામાં ડેમની સારી સ્થિતી બનતા 14 ડેમના કમાન્ડ હેઠળ 9 હજાર હેકટરથી વધુ ખેતીને સિંચાઇનો લાભ મળશે. આમ કચ્છમાં ખરીફ પાક સાથે રવિ સીઝનની ચિંતા ટળતા કિસાનોમાં ખુશીની લહેર ફેલાઇ છે.

જિલ્લાના 10 તાલુકામાં 14 ડેમ ઓવરફલો થઇ ચુક્યા
અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં અત્યારસુધીના કુલ 55 મિમી વરસાદના કારણે 33.98 મિલીયન કયુબીક મીટર( એમ.સી.એમ) જળનો સંગ્રહ થઇ શકયો છે જેના થકી 69 ટકા ભરાઇ ગયો છે. જયારે લખપતનો ગોધાતડ ડેમ કુલ 210 મિમી., સાનન્ધ્રો ડેમ કુલ 347 મિમી વરસાદ થકી 100 ટકા ભરાઇ ગયો છે. જયારે નરા ડેમ 42 ટકા ભરાયો છે. તો ગજણસર ડેમ પણ કુલ 262 મિમી વરસાદ થકી ઓવરફલો થઇ જતાં તાલુકાના લોકોમાં ખુશીની લહેર છવાઇ છે. આમ, સરહદી તાલુકાના ચારમાંથી ત્રણ ડેમ 100 ટકા ભરાઇ જતાં અહીંના વિસ્તારની ખેતીને મોટો ફાયદો થશે.

અબડાસાનો કંકાવટી ડેમ કુલ 862 મિમી વરસાદના કારણે ઓગની ગયો
અબડાસા તાલુકાની વાત કરીએ તો, કંકાવટી ડેમ કુલ 862 મિમી વરસાદના કારણે ઓગની ગયો છે. તેમજ તાલુકાનો જંગડીયા ડેમ કુલ 674 મિમી ,મીટ્ટી ડેમ કુલ 521 મિમી, અને બેરાચીયા ડેમ કુલ 488 મિમી કુલ વરસાદના કારણે ઓવરફલો થઇ ગયો છે.
તે જ રીતે ભુજ તાલુકાના રૂદ્રમાતા ડેમમાં કુલ 213 મિમી વરસાદ થકી 12 ટકા પાણી આવ્યું છે જયારે કાયલા ડેમ કુલ 372 મિમી વરસાદના કારણે 100 ટકા ભરાઇ ગયો છે. જયારે કાસવતી ડેમમાં સામાન્ય પાણીની આવક થઇ છે.

નખત્રાણા
નખત્રાણા તાલુકામાં નિરોણા ડેમ કુલ 364 મિમી વરસાદ થકી , જયારે મથલ ડેમ 441 મિમી તથા ભુખી ડેમ કુલ 474 મિમી વરસાદના કારણે ઓગની ગયા છે.

રાપર
રાપર તાલુકામાં સુવઇ ડેમ અત્યારસુધી 38 ટકા ભરાયો છે. તથા ફતેહગઢ ડેમ 26 ટકા ભરાયો છે. જયારે મુંદરાનો ગજોડ ડેમ કુલ 265 મિમી વરસાદ થકી તથા કારાઘોઘા ડેમ કુલ 555 મિમી વરસાદના કારણે 100 ટકા ભરાઇ ગયો છે. તેમજ માંડવી તાલુકામાં ડોણ ડેમ પણ કુલ 508 મિમી વરસાદના કારણે ઓવરફલો થઇ ગયો છે.

ભુજ
આ અંગે કચ્છ સિંચાઇ વર્તુળ ભુજના એકઝીક્યુટીવ એન્જિનીયર હર્ષદ રાઠોડે જણાવ્યું હતું કે, કચ્છના મધ્યમસિંચાઇના મોટાભાગના ડેમ ભરાઇ જતાં રવી સિઝનમાં સિંચાઇ માટે ખેડુતોને ફાયદો થશે. કુલ કમાન્ડ એરીયા 18 હજાર હેકટરથી વધુ છે ત્યારે 14 ડેમ ઓવરફલો થઇ જતાં તેની હસ્તકના કમાન્ડ એરીયાના કુલ 9 હજારથી વધુ હેકટર ખેતીને સીધી સિંચાઇનો લાભ મળશે. મેઘરાજાની મહેર થકી ખરીફ પાક ઉપરાંત રવિ સીઝનમાં પણ સિંચાઇ થઇ શકશે તેટલી જળરાશિનો સંગ્રહ થયો છે. હજુ પણ સીઝન ચાલુ હોવાથી જે ત્રણ ડેમમાં વધુ આવક નથી નોંધાઇ ત્યાં પણ જથ્થો વધશે તેવી સંભાવના છે.

નાની સિંચાઇ યોજના
નાની સિંચાઇ યોજનાની વાત કરીએ તો હાલ કચ્છમાં જિલ્લા પંચાયત હેઠળના સિંચાઇ વિભાગ હસ્તક 170 નાની સિંચાઇ યોજનાઓ કાર્યરત છે . જેમાં ભુજમાં 35માંથી 12 પૂર્ણ ભરાઇ ગઇ છે જ્યારે 13માં નોંધપાત્ર આવક થઇ છે. અંજાર તાલુકામાં કુલ 12 પૈકી 3 યોજના 100 ટકા ભરાઇ ગઇ છે તો 9 અંશત: ભરાઇ છે. માંડવીમાં કુલ 21 યોજનાઓ પૈકી 20 સંપૂર્ણ ભરાઇ છે તો 1 અંશત: ભરાઇ છે. મુંદરા તાલુકામાં કુલ 11 પૈકી 7 ડેમ ઓવરફલો થયા છે જ્યારે 4માં અંશત: પાણી આવ્યું છે. નખત્રાણા તાલુકામાં કુલ 16 યોજના પૈકી 15 છલોછલ ભરાઇ ગયા છે જયારે 1માં અંશત: પાણીની આવક થઇ છે. લખપત તાલુકામાં કુલ 17 ડેમમાંથી 15 ઓવરફલો થઇ ગયા છે જયારે 2માં નોંધપાત્ર આવક થઇ છે. અબડાસા તાલુકામાં કુલ 24 ડેમ છે તે તમામ 100 ટકા ઓવરફલો થઇ જતાં ખેડુતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફેલાઇ છે. રાપર તાલુકાની વાત કરીએ તો કુલ કુલ 16 ડેમમાંથી 5માં નોંધપાત્ર આવક થઇ છે. જયારે ભચાઉ તાલુકાના કુલ 18માંથી 5માં પાણીની આવક થઇ છે.

આ અંગે પંચાયત સિંચાઇ વિભાગના એકઝીક્યુટીવ એન્જિનીયર એ.ડી.પરમારે નાની સિંચાઇ યોજનાઓના ડેમનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અત્યારસુધી થયેલા વરસાદના કારણે કુલ 170 નાની સિંચાઇના ડેમમાંથી 96 ડેમ ઓવરફલો થઇ ગયા છે. જ્યારે 40 નાની સિંચાઇ યોજનાઓમાં 10 ટકા થી 95 ટકા સુધીની પાણીની આવક નોંધાઇ છે. તથા 34 ડેમમાં નહિવત પ્રમાણમાં જથ્થો છે. 170 સિંચાઇ યોજનાની કુલ સંગ્રહ શક્તિ 10537 એમ.સી.એફ.ટી છે જેની સામે હાલ 7678 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો અંદાજે ૭૨ ટકા કચ્છ જિલ્લા માટે ઉપલબ્ધ છે. હજુપણ વરસાદની સીઝન ચાલુ છે ત્યારે બાકીના ડેમમાં જળરાશી આવવાની પુરતી સંભાવના છે. હાલની સ્થિતી જોતા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આગામી ખરીફ અને રવી પાકમાં સિંચાઇનો પૂરતો લાભ થશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment