કચ્છ-જાલોર બાદ બનાસકાંઠામાં હાહાકાર:બનાસકાંઠાના 6 તાલુકા લમ્પીની ઝપેટમાં - Alviramir

કચ્છ-જાલોર બાદ બનાસકાંઠામાં હાહાકાર:બનાસકાંઠાના 6 તાલુકા લમ્પીની ઝપેટમાં

પાલનપુરએક કલાક પહેલા

 • કૉપી લિંક
 • 402 કેસોમાં ધાનેરા 207, દિયોદર 66,વાવ 56,થરાદ 37,સુઈગામ 31 અને ભાભર 5
 • અધિકૃત મોત 9,રાજસ્થાનને અડીને આવેલા ધાનેરાના મગરાવામાંથી લમ્પી વાયરસનો પ્રવેશ,બનાસડેરીના ચેરમેન અને ડીડીઓ એ તાકીદ બેઠક યોજી, ●ચેપગ્રસ્ત પશુનું દૂધ ખાવું નહીં અને દૂધ મંડળીમાં ભરાવવું નહી

ગુજરાતમાં કચ્છ અને રાજસ્થાનના જાલોરમાં પશુઓના લમ્પી રોગચાળાના હાહાકાર બાદ બનાસકાંઠના 5 તાલુકા ઝપેટમાં આવ્યા છે. જેમાં હાલ ધાનેરા તાલુકો સહુથી વધુ પ્રભાવિત થયો છે. રાજસ્થાનને અડીને આવેલા ધાનેરાના મગરાવામાંથી લમ્પી વાયરસનો પ્રવેશ થયો હતો. હાલમાં કેસોની કુલ સંખ્યા 402 પહોંચી છે. જ્યારે અધિકૃત મોત 9 જાહેર કરાયા છે. 5 તાલુકાઓમાં પશુપાલન વિભાગ એ 10 ટીમો બનાવી સર્વે કામગીરી હાથ ધરી છે.શનિવારે ડીડીઓ અધિકારીઓ સાથે જ્યારે બનાસડેરીના ચેરમેને સ્ટાફ સાથે તાકીદ બેઠક યોજી પરિસ્થિતિ અંગે ગંભીરતા લઈ જરૂરી સૂચનો કર્યા છે.

ધાનેરા તાલુકાના મગરાવા જાડી સહિતના ગામોમા લમ્પી વાઇરસ કારણે નાના મોટા પશુઓ મોતને ભેટવાની ખેડૂતોમાં દહેશત છે. 2 લાખ જેવો પશુધન એકલા ધાનેરા તાલુકામા છે. છેલ્લા 15 દિવસથી અહીંના સરહદી ગામોમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. મગરાવા ગામથી રાજસ્થાન રાજ્યનાં દુગાવા ગામ તરફ જતા વિસ્તારમા લમ્પી વાઇરસ તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યો છે. કોઈ પશુપાલકના 2 પશુ તો કોઈના 5 કરતા પણ વધારે પશુઓ મરણ થઈ રહ્યા હોવાનું લક્ષમણ ભાઈ પશુપાલકે જણાવ્યું હતું.

તો મફાભાઈ રબારીએ જણાવ્યું કે અહીંના જાડી લવારા ગામમાં પણ પશુપાલકોનાં પશુઓના મોત થયા છે.વાઇરસનો ભોગ બનેલ પશુઓમાંથી અત્યંત ખરાબ દુર્ગંધ આવી રહી છે. નાગલા ગૌશાળામાં નાનામોટા 12 પશુઓના મોત 10 પશુઓનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. થરાદ વેટરનરી ઓફિસર ડોક્ટર હીરજી પટેલ અને તેમની ટીમે પણ બે ત્રણ વખત નાગલા ગામની ગૌશાળાની મુલાકાત લીધી હતી. ટીમ દ્વારા નાગલા ખાનપુર, નાનીપાવડ અને જાંદલા જેવા આજુબાજુના ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ ડેરી અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે “રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરી સર્વે અને સારવાર શરુ કરવાની કવાયત હાથ ધરાઈ છે.આ વાઇરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. અત્યારે પશુઓને દૂષિત પાણી અને ખોરાક ન આપવા તથા નાના બચ્ચાઓ અને ગાભણ પશુઓની ખાસ કાળજી રાખવી જરૂરી છે.

જો પશુમાં સામાન્ય તાવ આવે, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે,પશુ ખાવાનું બંધ કરે જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક 1962 નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો.જ્યારે વહીવટી તંત્રે પશુપાલન વિભાગ સાથે બેઠક યોજી હતી. સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, શુક્રવાર સુધી જિલ્લાના 5 તાલુકાઓના 19 ગામમાં 223 પશુઓમાં આ વાઇરસ જોવા મળ્યો હતો. આ વાઇરસમાં મરણનું પ્રમાણ 1 થી 2 ટકા જ છે.

જે પણ પશુમાં આ વાઇરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઇએ. લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે. રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને પ્રસરતો અટકાવી શકાય.
બનાસકાંઠામાં વાયરસ વકરવાની શક્યતા ઓછી
આપણા જિલ્લામાં પશુઓ ધણના સ્વરૂપે છુટા ચરવા જવાના બદલે પશુપાલકોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેથી આ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતા ઓછી છે.:ડો.મજીઠીયા (પશુપાલન અધિકારી બનાસકાંઠા)

પશુઓમાં આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે

 • પશુને પ્રથમ બે થી ત્રણ દિવસ તાવ આવે છે
 • પશુના શરીર પર કઠણ ગોળ આકારની ગાંઠો ઉપસી આવે છે જે ચામડીમાં તેમજ સન્યાયું સુધી ઊંડી ફેલાય છે
 • અસરગ્રસ્ત પશુના મોઢાના ગળામાં (શ્વસનતંત્ર) લસીકાગ્રંથિમાં અને પશુના પગમાં સોજો આવે છે
 • અસરગ્રસ્ત પશુના નાક આંખમાંથી પાણી પડે છે મોઢામાંથી લાળ પડે છે અને એક આંખ સફેદ થઈ જાય છે
 • રોગ વાળા પશુનું દૂધ ઉત્પાદક એકદમ ઘટી જાય છે

લમ્પી વાયરસ રોગ કેવી રીતે ફેલાય છે
ગઠેદાર ચામડીનો રોગ નાના મોટા તેમજ દુધાળા પશુઓમાં વાયરસથી થતો ચેપી રોગ છે. જે મચ્છર માખી ઇતરડી દ્વારા એક પશુથી બીજા પશુમાં ફેલાતો રોગ છે. અસરગ્રસ્ત દુધાળા પશુનું દુધ ઉત્પાદક અચાનક ઘટી જાય છે

વેટરનરી તબીબો દ્વારા 65 ગામોમાં ટ્રીટમેન્ટ
હાલ 65 ગામોમાં 1000 પશુઓમાં આ રોગની શક્યતાનો સર્વે છે જે વધી શકે છે જેના માટે બનાસ ડેરીના 257 વેટરનરી ડોક્ટર પૈકી 155 ડોક્ટર ટ્રીટમેન્ટમાં લાગેલા છે ગત વર્ષે 20 ગામોમાં આ રોગચાળો જોવા મળ્યો હતો આ વર્ષે વધે તેવી શક્યતા છે. જોકે ભેજવાળું વાતાવરણ બંધ થયા બાદ અને રોગપ્રતિકારક શક્તિ વધ્યા બાદ પર નિયંત્રણ આવી શકે છે.
ડો. હરીભાઈ ચૌધરી (પશુપાલન વિભાગ બનાસ ડેરી)

બનાસડેરી દ્વારા પશુપાલકો માટે પરિપત્ર જાહેર કરાયો
બનાસ ડેરી દ્વારા પશુઓની સાવચેતી રાખવા તેમજ વાયરસના લક્ષણો વિશે પરિપત્ર જાહેર કરી પશુપાલકોને જણાવ્યું છે કે” આ રોગનો ફેલાવો દશથી પંદર ટકા ત્યારે તેની સામે મૃત્યુ દર એકથી પાંચ ટકા છે. જેથી આ રોગ દુધાળા પશુમાં ફેલાય નહી તેના માટે પશુપાલકોએ ઉપાય રાખવો જોઈએ.
પશુને રોગથી બચાવવા પશુપાલકે સાવચેતી રાખવાનો થતો ઉપાય

 • અસરગ્રસ્ત પશુને અન્ય પશુઓથી અલગ જગ્યાએ રાખવું જોઇએ
 • બાંધવાની જગ્યા ચોખી રાખવી જેથી મચ્છર માખી કે ઇતરડી ના હોય
 • રોગથી સંક્રમિત પામેલ પશુને ખોરાક ઘાસચારો અલગ રાખવો
 • પશુપાલકે અસરગ્રસ્ત પશુને અડયા પછી તેના હાથ સાબુથી ધોવા જેથી અન્ય પશુઓમાં વાયરસ ફેલાય નહિ.
 • અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરાવવા મોકલવું નહિ
 • પશુઓને રાખવાની જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જેથી જીવાણુઓ રોગ ફેલાવે નહિ
 • પશુઓને બાંધવાની જગ્યાએ લીમડાના પાન કપૂર તેમજ ગુગળનો ધુમાડો કરવો
 • પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા મિનરલ મિશ્ચર ખવરાવવું
 • તબેલાઓમાં સાફ સફાઈ તેમજ હવા ઉજાસ અને આજુબાજુમાં પાણીનો ભરાવો રાખવો નહિ
 • અસરગ્રસ્ત પશુને પશુ ચિકિત્સા પાસે તરત તપાસ કરાવવી
 • ચેપ ગ્રસ્ત પશુનું દૂધ ખાવું નહિ અને દૂધ મંડળીમાં ભરાવવું નહી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment