કડીયા ધ્રોની વિશેષતા:કચ્છનું વિશ્વ વિખ્યાત પ્રાકૃતિક સ્થળ કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક ઈતિહાસ પણ ધરાવે છે, જુઓ નયનરમ્ય તસવીરો - Alviramir

કડીયા ધ્રોની વિશેષતા:કચ્છનું વિશ્વ વિખ્યાત પ્રાકૃતિક સ્થળ કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક ઈતિહાસ પણ ધરાવે છે, જુઓ નયનરમ્ય તસવીરો

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહેશ સંપ્રદાયના ‘મામૈદેવ કડીયા ધ્રો” તરીકે જાણીતા સ્થળે વરસાદ સિવાય પણ નયનરમ્ય દૃશ્યો જોવા મળે છે
  • કડીયા ધ્રો, અલ્લાવાય અને સીધાંસર ગુનો(પાણીનો ઝરો) એમ આ સ્થળ ત્રણ વિભાગમાં આવેલો છે

જિલ્લા મથક ભુજથી અંદાજિત 33 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલું પ્રાકૃતિક સૌંદય ધરાવતું સ્થળ મામૈદેવ કડીયા ધ્રો વરસાદની ઋતુમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. પરંતુ અહીંની કુદરતી આકાર પામેલી ખડકોની કોતરો વચ્ચે કાયમ રહેતા પાણીથી આ સ્થળ કાયમ નયનરમ્ય ભાશે છે. જેનો અનેરો ઇતિહાસ તેને વિશિષ્ટ બનાવે છે. મુખત્વે અહીં કડીયા ધ્રો, અલ્લાવાય અને સીધાંસર ગુનો(પાણીનો ઝરો) એમ આ સ્થળ ત્રણ વિભાગમાં આવેલુ છે. જ્યાં 800 વર્ષ પૂર્વે મહેશ સંપ્રદાયના ઇષ્ટદેવ મામૈ દેવ દ્વારા પોતાનું સિદ્ધ કડું ખડકો વચ્ચેની કુદરતી કોતરોમાં રહેલા ગુના(કુંવા) માં ગુપ્તરૂપે પધરાવી દીધું હતું અને ત્યારથી આ સ્થળ મામૈ દેવ કડીયા ધ્રો તરીકે બોલાતું હોવાની લોકવાયકા પંથકમા પ્રચલિત છે.

800 વર્ષ પૂર્વે પાણીના ગુના (ઝરા)માં સિદ્ધકડાને સાચવવા માટે પધરાયા હોવાની લોકવાયકા
સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા આ સ્થળને અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સની યાદીમાં મોકલવામાં આવ્યા બાદ 2021ના કડીયા ધ્રોને વિશ્વના 52 ફરવાલાયક સ્થળોની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભૌગોલિક રીતે કડીયા ધ્રોએ સેંકડો વર્ષો દરમિયાન ખડકોમાં લાગેલા ભારે પવનનના થપેડાઓ, તેજ ગરમી અને પાણીના પ્રવાહના કારણે આકાર પામ્યો છે. જેમાં તળ વગર ઝરામાં કાયમ રહેતા કુદરતી પાણી તેના નજારાને અદભુત બનાવી દે છે. આ વિશે મહેશ સંપ્રદાયના ધર્મગુરુ વેરશી માતંગ જરૂવાળા કડીયા ધ્રોને વિરકડા તરીકે ઓળખાવે છે. તેમણે આ અંગે આગળ છણાવટ કરતા કહ્યું કે હિન્દૂ શાસ્ત્રો અને માતંગ શાસ્ત્રમાં 52 વિરોનો ઉલ્લેખ છે. કડીયા ધ્રોમાં અનેક પાણીના ઊંડા ગુના (કુંવા)ઓ આવેલા છે. જે કાયમ પાણીથી ભરાયેલા રહે છે. જેને અલ્લાવાય (પાણીના ઝરા) તરીકે પણ ઓળખવવામાં આવે છે. અહીં અંદાજિત 800 વર્ષે પૂર્વે સાધનાની સિદ્ધિ વિરકડાને સંચવવા માટે આ સ્થળ અનુકૂળ હોઈ મામૈ દેવના ચાર વિરોની સાધનાથી સિદ્ધ કરાયેલા વિરકડાને કોઈ સંત, મહંત, સતી કે યતી દ્વારા પોતાના મૃત્યુ પહેલા ગુનામાં પધરાવવામાં આવી હોવાની લોક વાયકા છે.

કડીયા ધ્રોના વિકાસ માટે વિકાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે
મહેશ સંપ્રદાયમાં શિયાળાની કડકડતી ઠંડીમાં નદી તળાવમાં સ્નાન કરવાનો મહિમા છે તેમાં સહભાગી થનાર માઘ સનનીઓ તરીકે ઓળખાય છે. ચાર માસ પૂર્વે ગત ફેબ્રુઆરીમાં કડીયા ધ્રો ખાતે પ્રથમ વખત માઘ સ્નાન યોજાયું હતું અને એક માસ સુધી ચાલેલા માઘ સ્નાન સાથે બારમતી પંથના અહીં મંડાણ કરવામાં આવ્યું હતું. સમાપને કડીયા ધ્રોના વિકાસ માટે નવી વિકાસ સમિતિની રચના કરવામાં આવી હતી જેના પ્રમુખ પદે નરેશ કરશન ફુલૈયાની વરણી કરવામાં આવી હોવાનું નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું.

સમેજા કુળના લોકો પ્રથમ વરસાદ બાદ અહીં ધાર્મિક વિધિ કરીને ધ્રો જોવા જાય છે
ઐતિહાસિક સ્થળ કડીયા ધ્રો આસપાસ વસતા અને મુખત્વે ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરતા સમેજા કૂળના પરિવારો સેંકડો વર્ષોથી અહીં પ્રથમ વરસાદે પંજોરા પીરની દરગાહે ધૂપ અગરબત્તી સહિતની ધાર્મિક વિધિ કર્યા બાદ કડીયા ધ્રોનો નજારો જોવા જાય છે. આ નિયમ પહેલા સર્વે માટે લાગુ પડતો જે સમય સાથે હવે સ્થાનિક લોકો પૂરતો સીમિત રહ્યો છે એવું સમેજા પરિવારની આઠમી પેઢીના ઈદ્રિશ સમેજાએ કહ્યું હતું. તેમણે આગળ વાત કરતા ડીબી ડિજિટલને જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે સિંઘ પ્રાંતમાંથી જાડેજા વંશજો સાથે અહીં આવ્યા બાદ રાજાશાહી દરમ્યાન સમેજા પરિવારને બતાસર ગામનો ગરાસ સોંપવામાં આવ્યો હતો. પીરની દરગાહ વિશે માહિતી આપતા કહ્યું કે લાગભગ વર્ષ 1865 વેળાએ ભારે દુષ્કાળ પડ્યો હતો, કુવા તળાવોના પાણી સુકાઈ ગયા હતા, ત્યારે સ્થનિક લોકો ગામ છોડીને હિજરત કરવા મજબૂર બન્યા હતા ત્યારે પિંજોરા પીરે તેમને રોકી રાખ્યા હતા અને પાણી પુરા પાડ્યા હતા તે સ્થળ એટલે અલ્લાવાય જે કડીયા ધ્રો સાથે આવેલું છે. અહીં સહેલગાહે આવતા પર્યટકોને અમો સહાયભૂત થતા રહીએ છીએ, પહેલા મર્યાદિત સંખ્યમાં આવતા જન સમૂહને રહેવા જમવાની સગવડ પણ આપતા હતા હજુ પણ કડીયા ધ્રો સુધી પહોંચતા કરવા મદદરૂપ થતા રહીએ છીએ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment