કબૂતરબાજી પ્રકરણ:ગાંધીનગર પોલીસની ઘોસ વધતાં કબૂતરબાજ એજન્ટોએ સરગાસણનાં અપહૃત યુવાનને છોડી મૂક્યો, પાંચ આરોપીઓની ધરપકડ - Alviramir

કબૂતરબાજી પ્રકરણ:ગાંધીનગર પોલીસની ઘોસ વધતાં કબૂતરબાજ એજન્ટોએ સરગાસણનાં અપહૃત યુવાનને છોડી મૂક્યો, પાંચ આરોપીઓની ધરપકડ

ગાંધીનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દુબઈ, મુંબઈનાં મુખ્ય એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા
  • ઈન્ફોસિટી, સેકટર 7 પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શરૂઆતમાં જ બે આરોપીઓને ઝડપી લીધા હતા

ગાંધીનગર સરગાસણનાં યુવાનને અમેરિકા મોકલી આપવાની લાલચ આપી લેભાગુ એજન્ટોએ કોલકતામાં ગોંધી રાખી પરિવાર પાસે બાકીના રૂ. 22 લાખ એઠવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેનાં પગલે ઈન્ફોસિટી અને સેકટર – 7 પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂપિયા લેવા આવેલા જુહાપુરાનાં બે ઈસમોને ઉઠાવી લેવાયા હતા. તેમ છતાં અપહૃત યુવાનનો છુટકારો નહીં થતાં યુવાનના બનેવીની ફરીયાદના આધારે માણસા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કર્યો હતો. એમાંય લોકલ ક્રાઇમ બ્રાંચ પણ સક્રિય થતાં ગાંધીનગર પોલીસની ઘોસ વધવાથી કબૂતરબાઝ એજન્ટોએ અપહૃત યુવાનને કોલકતાથી ફ્લાઇટમાં બેસાડીને છોડી મૂક્યો છે.

કેનેડા થઈ અમેરિકા મોકલી આપવાની ડીલ થઈ હતી
માણસાના પરબતપુરામાં રહેતા અને ઈલેક્ટ્રિકનો વ્યવસાય કરતા પરેશભાઈ પટેલે ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા પોતાના સાળા અંકિતને અમેરિકા મોકલવા માટે પરબતપુરા ગામના રમણભાઈ અમથારામ પટેલ સાથે બે મહિના પહેલાં વાતચીત કરી હતી. એ વખતે રમણભાઈએ અમદાવાદના એજન્ટ દિપક ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રકુમાર શાહનો સંપર્ક કરાવ્યો હતો. આ બંને એજન્ટોએ તેમને એવી ખાતરી આપી હતી કે તેઓ અંકિતને કાયદેસરના અમેરિકાના વીઝા અપાવી કેનેડા થઈ અમેરિકા મોકલી દેશે. અંકિત જ્યારે કેનેડા પહોંચે ત્યારે અડધી રકમ આપવાનું નક્કી થયું હતું.

માણસાથી આંગડિયા દ્વારા કોલકત્તા ખાતે અંકિતને એક લાખ મોકલ્યા
અમેરિકા મોકલવાની ડીલ ફાઈનલ થયા બાદ ગઈ 6 જુલાઈના રોજ સાંજે પરિવારે 3000 કેનેડિયન ડૉલર સાથે અંકિતને અમદાવાદ એરપોર્ટ પરથી કોલકત્તા મોકલી આપ્યો હતો. કોલકત્તા પહોંચ્યા પછી અંકિતે પરિવારને ફોન કર્યો હતો અને સાગરભાઈ તથા વિજયભાઈ તેને લેવા માટે આવ્યા હોવાની જાણ કરી હતી. બીજા દિવસે અમદાવાદના એજન્ટે પરેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, અમેરિકન ડૉલર લેવા પડશે. જેથી માણસાથી આંગડિયા દ્વારા કોલકત્તા ખાતે અંકિતને એક લાખ રુપિયા મોકલ્યા હતા.

અંકિત કેનેડા પણ પહોંચ્યો ન હતો
એ સાંજે અંકિતે ફોન કરીને કહ્યું કે, રાત્રે દિલ્હીની ફ્લાઈટ છે અને ત્યાંથી કેનેડા જવાનું છે. બાદમાં મોડી રાત્રે તેણે કેનેડા જવા નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું.પરિવારજનોએ ખાતરી કરાવવા માટે અંકિતને વિડીયો કોલ કરવાનું કહેતા તેનો ફોન બંધ થઈ ગયો હતો. જેથી પરેશભાઈએ કેનેડાના ટોરેન્ટોમાં રહેતા પરિચિતને આ વાતની જાણ કરી હતી.બાદમાં પરિચિતે એરપોર્ટ પર અંકિતની લાંબો સમય સુધી રાહ જોઈ હતી, પણ અંકિત ત્યાં પહોંચ્યો ન હતો.

અમદાવાદના એજન્ટો 22 લાખની ઉઘરાણી કરવા લાગ્યા હતા
બીજા દિવસે અંકિતે વિડીયો કોલ કરીને કહ્યું કે તે કેનેડા પહોંચી ગયો છે. જેથી તેને કેનેડાનો નજારો બતાવવા માટે પરિવારે કહ્યું હતું. પણ ફોન કાપી દેવામાં આવ્યો હતો.. એટલે પરિવારને પણ દાળમાં કંઈ કાળુ લાગ્યું હતું. બીજી તરફ નક્કી થયા મુજબ અમદાવાદના એજન્ટો રુપિયા 22 લાખની ઉઘરાણી કરવા લાગ્યા હતા. એટલે પરેશ ભાઈએ માણસા પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અને બંને એજન્ટોને સરગાસણ આવી પૈસા લઈ જવા કહેવાયું હતું.

ઈન્ફોસિટી, સેકટર 7 પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બેને દબોચી લીધા
જો કે એ વખતે સમય ઓછો હોવાથી સેકટર – 7 પોલીસ અને ઈન્ફોસિટી પોલીસને સમગ્ર કાવતરાથી વાકેફ કરવામાં આવ્યા હતા. એ સમયે પીઆઈ ડી એસ ચોધરી સત્યાગ્રહ છાવણી અને ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ કમલમ બંદોબસ્તમાં હતા. આમ સેકટર – 7 માંથી બે જવાનો અને ઈન્ફોસિટી ડી સ્ટાફના ચાર જવાનોને અપહૃત યુવાનના સરગાસણનાં ઘરે ગયા હતા. જ્યાં બે જવાનો ઘરમાં સગા વ્હાલા બનીને બેસી ગયા હતા. જ્યારે બે જવાનો ફ્લેટમાં રહેતા હોય એમ સીડીમાં, જ્યારે અન્ય ત્રણ જવાનો ફ્લેટની બહારના તરફ ગોઠવાઈ ગયા હતા. એટલામાં બંદોબસ્ત પૂર્ણ થતાં જ પીઆઈ વી જી રાઠોડ પણ પહોંચી જઈ ફ્લેટથી થોડા દૂર એલર્ટ મોડ પર રહ્યા હતા. એવામાં અમદાવાદના જમાલપુરથી સરફરાજ અહેમદ હુસેન કકુવાલા અને ગુલવાલા નામના બે ઈસમો આવી પહોંચતા જ પોલીસ ટીમે દબોચી લઈ તેમની પાસે હથિયાર છે કે નહીં તેની ખાત્રી કરી હતી. બાદમાં બંનેને માણસા પોલીસને સોંપી દેવાયા હતા.

છેલ્લા 80 કલાકથી પીઆઈ પરમારની કબૂતર બાઝ એજન્ટો પર ધોંસ વધવા માંડી હતી
બીજી તરફ ગુન્હાની ગંભીરતા જાણીને ડીવાયએસપી પી ડી મનવરના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર આર પરમારે અલગ અલગ ટીમો એક્ટિવ કરીને અપહૃત યુવાનનું લોકેશન જાણવા કવાયત હાથ ધરી એક ટીમને કોલકત્તા અને સુરત મોકલી આપી હતી. તો અમદાવાદના એજન્ટ દિપક ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રકુમાર શાહ તેમજ રમણભાઈ અમથારામ પટેલને પણ ઉઠાવી લીધા હતા. આમ છેલ્લા 80 કલાકથી પીઆઈ પરમારની કબૂતર બાઝ એજન્ટો પર ધોંસ વધવા માંડી હતી. એમાંય લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ એચ પી ઝાલા પણ એક્ટિવ થયા હતા. આમ ગાંધીનગર પોલીસની ઘોસ વધતા જ મુંબઈ અને દુબઈ ના એજન્ટોએ યુવાનને કોલકતાથી ફ્લાઇટમાં બેસાડી દીધો હતો. જેને ફોન પણ દિલ્હી પહોંચ્યા પછી પરત આપ્યો હતો. જ્યાં પહોંચીને યુવાને જાણ કરતા જ માણસા પોલીસની ટીમ દિલ્હી પહોંચી જઈને અંકિતને પરત લઈ આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment