કમલેશ્વર ડેમ નવા નીરથી છલકાયો:ગીર જંગલની મધ્યમાં આવેલ વન્યપ્રાણીઓ, લોકો અને ખેતી માટે આશીર્વાદ સમાન ડેમમાં 11.50 ફુટ પાણીની આવક થઈ - Alviramir

કમલેશ્વર ડેમ નવા નીરથી છલકાયો:ગીર જંગલની મધ્યમાં આવેલ વન્યપ્રાણીઓ, લોકો અને ખેતી માટે આશીર્વાદ સમાન ડેમમાં 11.50 ફુટ પાણીની આવક થઈ

ગીર સોમનાથ (વેરાવળ)એક કલાક પહેલા

  • પાંચ દિવસમાં ડેમની ક્ષમતાનું 43 ટકા પાણી આવતા ડેમ ભરાઈ ગયો
  • ગીચો ગીચ જંગલની લીલોતરી વચ્ચે આવેલ હિરણ-1 કમલેશ્વર ડેમ અનેક વિશેષતાઓ

ગીર જંગલની મધ્યે આવેલ એવો વન્યપ્રાણીઓ, લોકો અને ખેતી માટે જીવાદોરી સમાન હિરણ-1 કમલેશ્વર ડેમ ઉપર પાંચ દિવસમાં 12 ઈંચ વરસાદ વરસતા 11.50 ફુટ જેટલું માતબર પાણીની આવક થઈ હતી. જેના પગલે ડેમમાં 43 ટકા પાણી આવી જતા ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ ડેમ ગીરના ગીચ જંગલ વચ્ચે માત્ર રૂ.91 લાખના ખર્ચે 1959માં બંધાયેલ કમલેશ્વર ડેમ તાલાલા પંથકની જીવાદોરી સમાન છે.

63 વર્ષમાં 23 વખત ડેમ ઓવરફ્લો થયો છે
તાલાલા ગીર પંથકની સમૃદ્ધિ, આબાદી અને વનયજીવોમાં ડેમનું અગત્યનું યોગદાન છે, તે સાસણગીરથી દસ કિમી દૂર ગીરના ગીચ જંગલ વચ્ચે 63 વર્ષ પહેલા 91 લાખના બંધાયેલ હિરણ-1 કમલેશ્વર ડેમમાં પાંચ દિવસમાં 43 ટકા જેટલું માતબર પાણી આવી જતા ઓવરફ્લો છે. તાલાલા પંથકના કેનાલની સુવિધા વાળા નવ ગામ તથા તાલાલા પંથકના 15 લાખ કેસર કેરીના આંબાને સિંચાઈ માટે પાણી ઉપરાંત ગીરના ખુલ્લા જંગલમાં વિહરતા સિહો સહિતના વન્ય પ્રાણીઓને ઉનાળાના કપરા દિવસોમાં પીવાના પાણીની સવલત અને ગીરના જંગલના વિકાસ માટે આશીર્વાદરૂપ કમલેશ્વર ડેમ 63 વર્ષમાં 23 વખત ઓવરફ્લો થયો છે.

પંથકના 30 ગામોને ફાયદો થશે
તાલાલા પંથકની પ્રજામાં નવા પ્રાણ પૂરનાર કમલેશ્વર ડેમના પાણીથી સાસણગીરથી તાલાલા ગીર સુધીના હિરણ નદીના કાંઠા ઉપર આવેલ 30 જેટલા ગામોના પાણીના તળ આખું વર્ષ જીવંત રાખે છે. જેથી શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી તથા સિંચાઈ માટે અમૂલ્ય લાભકારક હોય, કમલેશ્વર ડેમ તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતો માટે આશીવાદરૂપ છે. તાલાલા સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર નરેન્દ્રભાઇ પિઠીયાએ આપેલ વિગત પ્રમાણે ડેમમાં કુલ 700 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહ શક્તિ છે, જેમાંથી 100 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સિંહો તથા ગીરના જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ અનામત રાખવામાં આવે છે. બાકી રહેતું પાણી હિરણ નદી ઉપરની કેનાલની સુવિધા વાળા નવ ગામને ઉનાળુ સિંચાઈ માટે આપવામાં આવે છે, તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં છલકાતા તાલાલા પંથકમાં સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે.

ડેમ આસપાસ લીલોતરી સોળે કળાએ ખીલી ઉઠી
હિરણ-1 કમલેશ્વર ડેમ સાસણના ગીર જંગલની મધ્યમાં અસંખ્ય વૃક્ષોની વચ્ચો વચ્ચ આવેલ છે. હાલ છેલ્લા પંદરેક દિવસથી ગીર જંગલમાં પડેલ ભારે અવિરત વરસાદના પગલે ડેમ તો છલકાય ગયો છે. તેની સાથે સાથે આસપાસના વૃક્ષોની લીલોતરી પણ સોળે કળાએ ખીલી ઉઠયાનો અદભુત કુદરતી નજારો જોવા મળી રહ્યો છે. આ ડેમ જંગલ વિસ્તારમાં હોવાથી ત્યાં સામાન્ય લોકોના જવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે અમે ખાસ આપના માટે ડેમ તથા તેની આસપાસનો નજારો દિવ્ય ભાસ્કર ન્યુઝ એપ પરના વિડીયો મારફત દેખાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment