કૃત્રિમ તેજી:તહેવાર નજીક આવતા જ કૃત્રિમ તેજી, સિંગતેલમાં ડબ્બાએ 2800ની સપાટી કુદાવી - Alviramir

કૃત્રિમ તેજી:તહેવાર નજીક આવતા જ કૃત્રિમ તેજી, સિંગતેલમાં ડબ્બાએ 2800ની સપાટી કુદાવી

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મગફળીની રેકોર્ડબ્રેક રૂ.1531 ના ભાવે ખરીદી થઈ

જન્માષ્ટમીના તહેવાર નજીક આવતા જ તેલમાં ડિમાન્ડ નીકળતી હોય છે. આ તકનો સંગ્રહખોરો લાભ લેવાના મૂડમાં હોય બજારમાં કૃત્રિમ તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહે સિંગતેલનો ડબ્બો રૂ.2800 નો થયા બાદ સોમવારે ખૂલતી બજારે સિંગતેલના ડબ્બામાં રૂ.10 નો ભાવવધારો થયો હતો અને સિંગતેલના ડબ્બાએ રૂ. 2800ની સપાટી કુદાવીને રૂ.2810 નો થયો હતો. હજુ ભાવ વધાવની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક રૂ. 1531ના ભાવે ખરીદી થઇ હતી.

બજારમાંથી મળતી વિગત મુજબ આયાતી સાઈડ તેલમાં તેજી-મંદીની ઊથલપાથલ વચ્ચે સિંગતેલમાં ભાવવધારાનો નવો દોર શરૂ થશે. જોકે હાલમાં મગફળીની અછત છે. જ્યારે બીજી તરફ તહેવારો નજીક આવી રહ્યા છે. જેને કારણે ઓઈલમિલ અને દાણા બન્નેમાં ખરીદી જોવા મળી રહી છે. તહેવારની ઘરાકી હોવાને કારણે હજુ ખરીદી વધવાની સંભાવના છે.

સોમવારે યાર્ડમાં ખૂલતી બજારે જાડી મગફળીની 1050 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની 750 ક્વિન્ટલ આવક થઇ હતી. યાર્ડમાં ભાવ વધારે મળવાને કારણે ખેડૂતો પણ પોતાની પાસે રહેલી મગફળી વેચવા માટે આવે તો આવક વધવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે કપાસ રૂ.2100 ની સપાટી કુદાવીને રૂ.2147 સુધી પહોંચ્યો હતો. કપાસની આવક માત્ર 100 ક્વિન્ટલે પહોંચી હતી. કપાસિયા તેલમાં પણ રૂ.10નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ. 2510નો થયો હતો. અત્યાર સુધી સૌથી સસ્તું પામોલીન તેલ રૂ.1920 નો હતો. જેનો ભાવ સોમવારે રૂ.1950નો થયો હતો. આયાતી અને સાઇડ તેલના ભાવમાં વધારો થતા મુખ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. ભાવ ઊંચકાતા જ ખરીદી નીકળી છે અને હજુ ખરીદી વધે તેવી આશા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment