કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન:ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે લલિત કગથરાની વરણી, આગેવાનો સાથે ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યુ - Alviramir

કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન:ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે લલિત કગથરાની વરણી, આગેવાનો સાથે ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યુ

મોરબી17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું સંમેલન યોજીને ભાજપને જડબાતોડ જવાબ આપવામાં આવશે – લલિત કગથરા
  • રેલીમાં પરેશ ધાનાણી, પ્રભાત દૂધતા, ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ મુદ્દે કોંગી કાર્યકરો દ્વારા આજે મંગળવારના રોજ મોરબીમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસે 2022ની ચૂંટણીનું રણશીંગુ ફૂંક્યું
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે 2022ની ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થઈ છે. તેને પગલે સમસ્ત મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતમાં સવારે 10 વાગ્યાથી મહેન્દ્રનગર ઉમિયા મંદિર ખાતેથી રવાપર રોડ પર આવેલા દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી.

કોંગ્રેસનું સંમેલન યોજીને ભાજપને જડબાતોડ જવાબ આપવામાં આવશે – લલિત કગથરા
આ અંગે લલિત કગથરાએ જણાવ્યું હતું કે, તેમની વરણી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે થતાં મોરબી જિલ્લા કોંગ્રેસની ઈચ્છા હતી કે મોરબીમાં એક બાઇક રેલીનું આયોજન થાય. તેના ભાગ રૂપે આજે રેલી યોજાઈ હતી અને આગામી સમયે આ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું સંમેલન યોજીને ભાજપને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ બાઇક રેલીમાં પરેશ ધાનાણી, પ્રભાત દૂધતા, ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment