ખેતીની વાત:પાટણ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 67 હજાર હેકટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું - Alviramir

ખેતીની વાત:પાટણ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 67 હજાર હેકટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું

પાટણ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જૂનમાં વરસાદ ખેંચાયો અને જુલાઇમાં અઠવાડીયું સતત વરસતા ખેડૂતો વાવેતર કરી ન શક્યા

પાટણ જિલ્લામાં ખરીફ સિઝનની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ હવે સતત વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે જમીનમાં વરાપ ન થતા વાવેતર વિલંબમાં પડ્યું છે. જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ હાલમાં 67 હજાર હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિ જણાવ્યું હતું.

ગયા વર્ષે 21 જૂને વરસાદની શરૂઆત થઈ ગઈ હતી
પાટણ જિલ્લામાં ખરીફ પાકોના વાવેતરમાં 15 દિવસ જેટલું મોડું થવાના કારણે કઠોળ, બાજરી જેવા પાકનું વાવેતર ઘટવાની શક્યતા છે. ત્યારે મેઘરાજા થોડો વિરામ લે તો ખેડૂતો વાવેતર કરી શકે તેવી શકયતા છે. જુલાઈ મહિનો અડધો વીતી જવા છતાં પાટણ જિલ્લામાં ખેડૂતો ખરીફ વાવેતરમાં ખાસ કરીને બીટી કપાસનું વાવેતર કરી શક્યા છે. બાકીના બાજરી, મગ, મઠ, અડદ, ગવાર, તુવેર, તલ,ઘાસચારો સહિતના પાકની વાવણી વિલંબમાં પડી છે. જુજ ક્યાંક વાવેતર થયું છે, મોટાભાગનું વાવેતર બાકી છે. કારણ કે ગયા વર્ષે 21 જૂનએ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને બેથી ત્રણ દિવસમાં 15 ટકા વરસાદ થઈ ગયો હતો એટલે કે વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા હતા પરંતુ ચાલુ વર્ષે શરૂઆતમાં વરસાદ ખેંચાતાં 21 જૂને માત્ર ચાર ટકા વરસાદ થયો હતો. 2 જુલાઈએ સારા વરસાદની શરૂઆત થઈ હતી અને 6 જુલાઈ સુધીમાં 15 ટકા વરસાદ થયો હતો તેમાં પણ કેટલાક તાલુકામાં વાવણીલાયક વરસાદ થયો ન હતો. જોકે, હાલમાં એકધારા વરસાદને લીધે જમીન ભેજવાળી બનતા ખેડૂતો વાવેતર કરવા બાબતે મૂંઝાયા છે.

વરાપ ન થતા ખેડૂતો મૂંઝવણમાં
જિલ્લામાં હાલમાં સરેરાશ 28 ટકા વરસાદ થયો છે. જેમાં પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વાવણીલાયક વરસાદ થયો છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદ વરસતો હોવાથી અને વાદળછાયું વાતાવરણ રહેતાં વાવણી કરવા માટે વરાપ ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. વરસાદ વિરામ લેતો ખેડૂતો વાવેતર કરી શકે તેમ છે.

આ વર્ષે 51 હજાર 919 હેક્ટરમાં વાવેતર થયું
ગયા વર્ષે 15 જુલાઈ 2021 સુધીમાં 1 લાખ 19 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ ચોમાસુ સિઝનમાં હાલમાં માત્ર 51 હજાર 919 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે ગયા વર્ષની તુલનાએ 67 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે અને 15 દિવસ જેટલું મોડું પણ થયું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment