ગીર સોમનાથમાં લમ્પી વાયરસે દેખા દીધી:સીંગસર - પ્રાસલી ગામના 10 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીસની અસર જોવા મળતા તંત્રએ સારવાર હાથ ધરી - Alviramir

ગીર સોમનાથમાં લમ્પી વાયરસે દેખા દીધી:સીંગસર – પ્રાસલી ગામના 10 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીસની અસર જોવા મળતા તંત્રએ સારવાર હાથ ધરી

ગીર સોમનાથ (વેરાવળ)15 મિનિટ પહેલા

  • પશુઓમાં લમ્પી વાઈરસનાં લક્ષણ દેખાય તો તરત જ પશુ હેલ્પલાઇન નંબર 1962 પર અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા વહીવટી તંત્રની અપીલ

ગીર સોમનાથ જિલ્લાના બે ગામના દસેક પશુઓમાં લમ્પી વાયરસ રોગે દેખા દેતા તંત્ર દોડતુ થઈ સારવાર આપવા તથા રોગને પ્રસરતો અટકાવવા પગલા ભરવામાં આવી રહ્યા છે. જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સીંગસર અને પ્રાસલી બંન્ને ગામના પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર હોવાનું જોવા મળ્યુ છે. જેમાં સીંગસર ગામના 8 અને પ્રાસલી ગામના 2 મળી તાલુકામાં 10 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જેના પગલે પશુ ચિકિત્સકની ટીમ અસરગ્રસ્ત ગામમાં દોડી જઈ બીમાર પશુઓની સારવાર હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે સર્વે કરીને પૂરતી તકેદારી પણ રાખવા પસુચના આપી છે.

લિમ્પી વાયરલ ફેલાય નહીં તે માટે 6 ટીમો કાર્યરત કરાઈ
આ રોગે દેખા દેતા જુનાગઢથી દોડી આવેલ નાયબ પશુપાલન નિયામક એપીડેમીયોલોજી ચિકિત્સકની ટીમ દ્વારા બીમાર અને ચેપગ્રસ્ત પશુઓમાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. તેમજ અન્ય પશુઓમાં આ વાયરસજન્ય રોગ ઝડપથી ન ફેલાય તે માટે 6 ટીમો કાર્યરત કરી જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા અને તાલાલા એમ તમામ તાલુકાઓમાં નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

લક્ષણો દેખાય તો તંત્રનો સંપર્ક કરવો
નોંધનીય છે કે, પશુઓમાં જ્યારે આ રોગ થવાની શરુઆત હોય ત્યારે તેમને તાવ આવે છે. આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. જેમાં પશુઓની ચામડી પર બેથી પાંચ સેન્ટીમીટરની ગાંઠ જોવા મળે છે. પશુના દૂધ ઉત્પાદનમાં પણ એકાએક ઘટાડો જોવા મળે છે અને પશુઓમાં વાંઝિયાપણું પણ જોવા મળે છે. પશુઓમાં ઉપરોક્ત કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ પશુ હેલ્પલાઇન નંબર 1962 પર અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા તંત્રએ પશુપાલકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment