ભાવનગરએક કલાક પહેલા
- આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે લઈ જઈ રિ-ક્ન્સ્ટ્રકશન કર્યું
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મહેક એપાર્ટમેન્ટમાં ગત તા.13-7ના રોજ મહારાષ્ટ્રથી સીજીએસટીની ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે લઈ સર્ચ માટે પહોંચી હતી. એ દરમિયાન ફલેટમાં રહેલા આરોપીઓએ અધિકારીઓને ધમકાવી ગેરવર્તણુંક કરી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં રેન્જ આઈજીએ સીટની રચના કરી આરોપીઓને તત્કાળ ઝબ્બે કરવા આદેશો કરતાં લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ચાર આરોપીઓની શહેરમાંથી ધડપકડ કરી છે.
મહારાષ્ટ્રથી સીજીએસટીની એક ટીમ બોગસ બિલીંગ માટે તપાસ અર્થે આવી હતી
ગત તા.13 જુલાઈના રોજ મહારાષ્ટ્ર થી સીજીએસટી ની એક ટીમ બોગસ બિલીંગ અંગે મળેલી માહિતી આધારે સ્થાનિક જીએસટીના અધિકારીઓ ને સાથે રાખી શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મહેક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં-321માં પહોંચી હતી જયાં ફલેટને બહારથી તાળું મારેલું હોય આથી અધિકારીઓએ આસપાસના પડોશીઓને પુછતાં કોઈ વ્યક્તિ એ ઉત્તર આપ્યો ન હતો આથી અધિકારીઓ એ ફલેટ ધારકને મોબાઈલ કોલ કરી સ્થળ પર બોલાવ્યો હતો.
ચારેય શખ્સોએ અધિકારીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યું વર્તન કર્યું
માલિક ન આવતા અધિકારીઓ અગાસી ઉપર તપાસ માટે જતાં કેટલાક શખ્સો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં નઝરે ચડ્યાં હતાં આ શખ્સોને સીજીએસટીના અધિકારીઓ હોવાની ઓળખ આપી પુછતાછ કરતાં ચારેય શખ્સોએ અધિકારીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને તૌફિક હાલારી નામના શખ્સે અધિકારીઓ ને કહ્યું કે ફલેટ માલિકને ઓળખો છો ? ત્યારબાદ તૌસીફ પરમાર ઉસ્માન ખોખર એ અધિકારીઓ ને ગાળો આપી “આ અમારા બાપની અગાશી છે તમે કોને પુછી અહીં રેડ કરવા આવ્યાં તેમ કહી હુમલો કરી માર માર્યો હતો અને હવે પછી અહીં આવશો તો જીવથી જશો એવી ગર્ભિત ધમકી આપી હતી
સ્થળે લઈ આવી આરોપીઓ પાસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું
આ અંગે અધિકારીઓએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સીટની રચના કરી હુમલાખોરોને તત્કાળ ઝડપી લેવા આદેશ કરતાં આજરોજ લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તૌસીફ રફીક પરમાર, જુહુર ઉર્ફે ડોન નિસાર કાઝી, ઉસ્માન અબ્દુલ કરીમ ખોખર અને હારૂન ગફાર વારૈયાની આઈપીસી ધડપકડ કરી હતી અને આ આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે હુમલો કરેલો તે સ્થળે લઈ આવી આરોપીઓ પાસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ અંગે પોલીસે મુખ્ય સૂત્રધ્ધાર સહિત ફરાર આરોપીઓને ઝડપી લેવા કાયદાનો ગાળીયો કસ્યો છે.