છરી બતાવી રોફ જમાવવાનો પ્રયાસ:સલાયામાં ‘તારે જીવવું હોય તો 50 હજાર આપવા પડશે’કહી એક શખ્સે આસામી પાસેથી રૂપિયા પડાવ્યાં - Alviramir

છરી બતાવી રોફ જમાવવાનો પ્રયાસ:સલાયામાં ‘તારે જીવવું હોય તો 50 હજાર આપવા પડશે’કહી એક શખ્સે આસામી પાસેથી રૂપિયા પડાવ્યાં

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • છરીની અણીએ દબાવી, ધમકાવી અને રોકડ રકમ વસૂલતા હોવાનો વીડિયો પણ બનાવ્યો
  • ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો, બે શખ્સોની અટકાયત

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક શખ્સે છરી બતાવી પૈસા એક આસામી પાસેથી રોકડ રકમ પડાવી લીધી હતી. શખ્સ દ્વારા સ્થાનિકોને ભયમાં મુકવા છરી બતાવીને અને ઉઘરાણી કરતો વીડિયો બનાવી અન્ય બે શખ્સોની મદદગારીથી એક આસામી પાસેથી બળજબરીપૂર્વક રોકડ રકમ પડાવી લેવા મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે વાયરલ વીડિયોની ખરાઈ કરી
આ સમગ્ર પ્રકરણની સલાયા મરીન પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત મુજબ સલાયામાં કોઈ શખ્સો સ્થાનિકોને છરીની અણીએ દબાવી, ધમકાવી અને રોકડ રકમ વસૂલતા હોવા અંગેનો વીડિયો પોલીસના ધ્યાને આવ્યો હતો. જેથી સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં વાયરલ થયેલા વીડિયોની ખરાઈ કરતા સલાયાનો રિઝવાન રજાક સંઘાર નામનો શખ્સ હાથમાં છરી લઈ અને કોઈ વ્યક્તિને ધમકાવતો હતો. તેની સાથે બે અજાણ્યા શખ્સો હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું હતું.
છરી બતાવી ધમકાવીને રૂપિયા પડાવતો હતો
આ અંગે પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં આ વીડિયો સલાયાના આબિદ અનવર ગજ્જણ અને તાલબ આમીન ભગાડ નામના બે શખ્સો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ બંને શખ્સોને બોલાવી અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં રિઝવાન રજાક સંઘાર દ્વારા આ બંનેને છરી બતાવી, ડરાવી-ધમકાવી અને સ્થાનિક લોકો તેનાથી ડરે અને ભયભીત થઈ પૈસા આપી દે તે માટે બનાવવામાં આવ્યો હતો. આરોપી રજાકને સલાયાના શાબીર અલીમામદ ભોકલ અને યાસીન અજીજ સંઘાર નામના બે શખ્સો મદદગારી કરતા હતા.
આ માટે રિઝવાન રજાક સંઘારની સૂચના મુજબ સ્થાનિક રહીશ રજાક ભંગારીયો નામના એક આસામીને છરી બતાવી હતી. તેમજ‘તારે જીવવું હોય તો રૂપિયા 50,000 આપવા પડશે’- તેમ કહેતા રજાક ભંગારીયો જિંદગીની ભીખ માંગતો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. આ પ્રકારે ઉપરોક્ત આરોપીઓ દ્વારા અન્ય એક ભોગ બનનાર આસામી રજાક હાજી મુસાભાઈ મોખાને પણ આ રીતે છરી બતાડી અને વારંવાર મારવા માટે ઉગામી, મોતનો ભય દેખાડી રૂા. 25,000 બળજબરીપૂર્વક કઢાવી લીધા હોવાનું પણ ખુલ્યું છે.
ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
આ સમગ્ર બનાવ અંગે સાલાયા મરીન પોલીસે સ્થાનિક હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ પોપટભાઈ ચૌહાણની ફરિયાદ પરથી રિઝવાન રજાક સંઘાર, શાબીર અલીમહમદ ભોકલ અને યાસીન અજીજ સંઘાર નામના ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 386, 448, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં પોલીસે શાબીર અલીમામદ અને યાસીન અજીજની અટકાયત કરી લીધી છે. જ્યારે રિઝવાન રજાક સંઘારને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment