તંત્ર નિદ્રાંધિન:સમિતિની બેદરકારીથી મહિના બાદ પણ 20 હજાર છાત્રને બેગ મળી નથી - Alviramir

તંત્ર નિદ્રાંધિન:સમિતિની બેદરકારીથી મહિના બાદ પણ 20 હજાર છાત્રને બેગ મળી નથી

સુરતએક કલાક પહેલાલેખક: મોઈન શેખ

  • કૉપી લિંક
  • શિક્ષણ સમિતિના સ્કૂલબેગના ટેન્ડરિંગમાં ગોબાચારીના પાપે
  • એજન્સી સામે FIR છતાં હજુ સુધી કોઇની ધરપકડ નહીં

13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાને એક મહિનાથી વધુ સમય થવા છતાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 300થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતાં 1,65,000 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને બુટમોજા તેમજ ધો.1 અને આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગની ફાળવણી થઇ નથી. આ સ્કૂલ બેગ 23મી જુન સુધીમાં ફાળવી દેવાનો દાવો કરાયો હતો. જોકે 10મી જૂને ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી થવાના કારણે ટેન્ડર દફતરે કરવું પડ્યું હતું.

20 હજાર સ્કૂલ બેગ માટે 45 લાખના અંદાજ સાથે તા. 11મી જૂનથી રિ-ટેન્ડરિંગ કરાયું છે. આ પ્રક્રિયામાં ટેક્નિકલ ઇવોલ્યૂએશન સ્ટેજ પૂર્ણ થયું છે. હવે પ્રાઇસ બિડ ખોલાશે પછી ક્વોટેશનની સરખામણીએ ટેન્ડર એજન્સી જાહેર કરાશે. ટેન્ડર સોંપાયા બાદ સ્કૂલ બેગ સપ્લાઇ મંગાવાશે. પાલિકાના ઉચ્ચ અધિકારીએ જુલાઇ અંતે બેગ સહિતની ચીજો વિદ્યાર્થીઓને મળી જશે તેવું ઉમેર્યું હતું. સ્કૂલ બેગ ફાળવણીમાં વિલંબ માટે જવાબદાર એજન્સીના બિડર સામે FIR થયાં બાદ પણ ધરપકડ થઇ નથી.

એક્સપર્ટ છતાં ટેન્ડર બિડનું વેરિફાઇ થતું નથી
સમિતિ દ્વારા 20મી મે-2022ના રોજ બેગના ટેન્ડરમાં બિડ ભરનાર એજન્સી એ ટુ ઝેડ સોલ્યૂશન દ્વારા બોગસ લેટર રજૂ કર્યા હતાં. જેની જાણ મુંબઇની કંપનીના મેઇલ બાદ ઉજાગર થઇ હતી. સમિતિ ચેરમેન ધનેશ શાહએ કહ્યું કે, હવે તમામ દસ્તાવેજી પુરાવાઓનું ફરજીયાત વેરિફિકેશન કરવા સુચના અપાઇ છે.

1.65 લાખ છાત્ર યુનિફોર્મની રાહ જોઇ રહ્યાં છે
સ્કૂલ બેગ ખરીદી ટેન્ડરમાં થયેલી પોલીસ ફરિયાદને પગલે હવેથી શિક્ષણ સમિતિના તમામ ટેન્ડરો ઉપર પ્રોગ્રેસ વધારી દેવાઇ છે. ટેન્ડર નિયોમાં કેટલીક કડક શરતો પણ ઉમેરાઇ છે. સમિતિના ક્લાર્કના જણાવ્યા મુજબ રિ-ટેન્ડરિંગના લીધે હજુ બેગ મળી શકી નથી. ત્યાં આ ભૂલ બાદ 1.65 લાખ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૂઝ અને મોજા આપવાની પ્રક્રિયા પણ અટવાઇ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

ગ્રાન્ટમાંથી તૈયારી છતાં ટેન્ડરિંગ કરવાની જીદ
શિક્ષણ સમિતિ સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું કે, સ્કૂલ બેગ માટે આપના કોર્પોરેટરોએ ગ્રાન્ટ આપવા તૈયારી દર્શાવી હતી. જોકે લેખિત મંજુરી પહેલાં જ બેગ માટે ટેન્ડર જાહેર કરાયું હતું. આપના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી બેગ લેવા પડે તે પહેલાં કરાયેલી પ્રક્રિયામાં ગોબાચારી થઇ હતી. ટેન્ડર માટે શાસકોની જીદના લીધે બાળકો બેગથી હજુ વંચિત છે.

ઓગષ્ટ સુધી બેગ મળવાની શક્યતા
રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા 11મી જૂને શરૂ થયાં બાદ હજુ પણ ટેન્ડરનું ટેક્નિકલ ઇવોલ્યુએશન થયા બાદ બિડરમાં લોએસ્ટ એજન્સીની સ્ક્રૂટીની પછી ઇજારો સોપાશે. આ પ્રક્રિયામાં વધુ 10 દિવસ લાગશે. છેવટે સપ્લાઇ મેળવવા એજન્સીને વર્ક ઓર્ડર આપવા પછી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળતા વધુ 20 દિવસ એટલે હજુ એક મહિનો લાગી શકે છે.

જરૂરી પ્રક્રિયા બાદ સ્કૂલબેગ-યુનિફોર્મ મળી જશે – વિમલ દેસાઇ, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

સવાલ: હજુ પણ વિદ્યાર્થીઓ બેગથી વંચિત છે, તમારું સંચાલન કેટલું જવાબદાર? જવાબ: ટેન્ડર દફતરે કરાયું.ઇજારદારની ભુલના લીધે આવું થયું છે. સવાલ: ટેન્ડર પ્રક્રિયામાં એકસ્પર્ટ સ્ટાફ છતાં કૌભાંડની જાણ કેમ ન થઇ? જવાબ: વર્ક ઓર્ડર અપાયું હોત તો આ કૌભાંડ ગણાય. ડોક્યુમેન્ટ સાચા રજૂ કરવા માટે એફિડેવિટ લેવાય છે એટલે સ્ટાફ જવાબદાર નથી. સવાલ​​​​​​​: વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલબેગ તેમજ બુટ-મોજા સમયસર મળતાં ન હોય તો ટેન્ડરિંગ પ્રક્રિયા ખાનગી એજન્સીને કેમ ન સોંપી દેવી જોઇએ? ચૂંટાયેલી પાંખની બોર્ડ અને તેની પેટા કમિટી આ અંગે નિર્ણય લેતી હોય છે એટલે તે બાબત તેમના પર નિર્ભર રહે છે. સવાલ​​​​​​​: તમારા બાળકને જો સ્કૂલ બેગ વગર જવું પડે તો? જવાબ: શિક્ષણ સમિતિના બાળકો શિક્ષણ તરફ આકર્ષાય અને તેઓ શાળાએ આવે તે માટે સ્કૂલ બેગ અને યુનિફોર્મ-બુટમોજા વગેરેના લાભ અપાતા હોય છે. જોકે આ બધી વસ્તુઓ નિયમાનુસારની જરૂરી પ્રક્રિયાઓ બાદ વિદ્યાર્થીઓને મળી જશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment