ભુજ21 મિનિટ પહેલા
- કૉપી લિંક

- વરસાદી કહેર વચ્ચે પશ્ચિમ કચ્છમાં વધુ 3 માનવજિંદગી પર પૂર્ણવિરામ
- ધ્રબુડી અને રાવળપીર વચ્ચે ઝાડીમાંથી વૃદ્ધની કોહવાયેલી લાશ મળી,5 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો: ઇજાના કોઇ નિશાન નહીં
વરસાદી આફત વચ્ચે પશ્ચિમ કચ્છમાં વધુ 3 માનવજિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે,જેમાં અબડાસાના ભાંચુડાની નદીમાં તણાઈ જવાથી આધેડવયની મહિલાનું મોત થયું છે હતભાગીની લાશ બે દિવસ પછી મળી હતી જ્યારે માંડવીમાં ધ્રબુડી અને રાવળપીર વચ્ચે ઝાડીમાંથી વૃદ્ધની કોહવાયેલી લાશ મળી આવી હતી.
કોઠારા પોલીસના પીએસઆઈ વાય.પી.જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે,ભાંચુડા ગામે રહેતા 48 વર્ષીય દેવલબેન કેશવજી મહેશ્વરી શુક્રવારે બપોરે ઘરેથી વાડીએ જતા હતા ત્યારે ઘર પાસે પાણીનું વહેણ હોઈ તેમનો પગ અકસ્માતે સ્લીપ થઈ જવાથી તણાઈ ગયા હતા.શોધખોળ છતાં કોઇ ભાળ ન મળતા ગુમનોધ દાખલ કરાઈ હતી.
દરમિયાન રવિવારે બપોરે તેઓની લાશ નદીના પટમાંથી મળી આવી છે.જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન માંડવી તાલુકાના ધ્રબુડી અને રાવળપીર વચ્ચે વીજ કંપનીના સબ સ્ટેશન પાસે રોડ પરથી એક કીમી અંદર બાવળની ગીચજાડીઓની અંદર કોહવાઈ ગયેલી બીનવારશુ લાશ મળી આવી હતી.મસ્કા ગામના અલ્તાફ સુમરા પોતાની ગાય બે દિવસથી પરત નહીં આવતા એ વિસ્તારમાં પોતાની ગાયો શોધવા ગયા હતા.
એ દરમિયાન વૃધ્ધની લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ આવી હતી. બાદમાં બાવળની ઝાડી કટીંગ કરવા માણસો બોલાવવામાં આવ્યા હતા, ઘટના સ્થળે પહોંચવા માટે કીચડ અને દલદલમાંથી પસાર થઈને લાશ કાઢવા માટે અંતે જેસીબીની મદદ લેવાઇ હતી.કોહવાઈ ગયેલી લાશ ચારથી પાંચ દિવસ પહેલાની હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ધ્રબુડીનો તળાવ ઓગનતા તેના પાણીમાં અજાણ્યા શખ્સનું મોત થયું હોય તેવું લાગી રહ્યું છે.તેમના શરીર ઉપર કોઈ પણ ઘાના નિશાન જોવા મળ્યા ન હતા.
તેવું બીટ જમાદાર મેહુલ જોશીએ જણાવ્યું હતું.લાશ બહાર કાઢવા માટે પાંચ કલાકની જહેમત ઉઠાવી પડી હતી.માંડવી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર નરેન સોની અને સેનિટેશનની ટીમે યાંત્રિક સાધનો કામે લગાડ્યા હતા. ગીચ ઝાડી ઝાંખરા સુધી પહોંચવા માટે ગુંદીયાળી ગામના સરપંચ વખતસિંહ જાડેજા,ઉપ સરપંચ રાજેશ બોડા અને મસ્કા ગામના પૂર્વ સરપંચ કિર્તી ગોર સહિતના લોકો સહયોગી બન્યા હતા.
ભુજના રેનબસેરામાં રહેતા બીમાર વૃદ્ઘાએ દમ તોડ્યો
શહેરમાં નગરપાલિકા સંચાલીત રેનબસેરામાં રહેતા 80 વર્ષીય ઇન્દુબેનની તબિયત બીમારીના કારણે ખરાબ થઈ જતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થતા એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે.