તપાસમાં ઘટસ્ફોટ:ગુજરાતમાં રાજસ્થાનના પ્રતાપગઢ, સાંચોરમાંથી જ MD સપ્લાય થાય છે - Alviramir

તપાસમાં ઘટસ્ફોટ:ગુજરાતમાં રાજસ્થાનના પ્રતાપગઢ, સાંચોરમાંથી જ MD સપ્લાય થાય છે

અમદાવાદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • 3 મહિનામાં નોંધાયેલા એમડીના 12 કેસની તપાસમાં ઘટસ્ફોટ

શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે ડ્રગ્સના 20 કેસ કર્યા છે, જેમાંથી 12 તો એમડી ડ્રગ્સના છે, જેની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાતમાં એમડી ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ અને સાંચોરના ડ્રગ ડીલરો જ સપ્લાય કરે છે. આ માહિતીના આધારે એસઓજીની ટીમે રાજસ્થાનના 2 ડ્રગ ડીલરના નામ-સરનામાંની માહિતી એકત્ર કરી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આશ્રમ રોડ પર સિટી ગોલ્ડની ગલીમાંથી એસઓજીની ટીમે રૂ.3.12 લાખ (31.200 મિલી) એમડી ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરી હતી. ગુજરાત સહિત દેશભરમાં ચાલતા એમડી ડ્રગ્સના કારોબારનું હેડ ક્વાર્ટર્સ રાજસ્થાનનું પ્રતાપગઢ-સાંચોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગ્રાહક ડ્રગ્સની ડિલિવરી થાય પહેલાં SOGની ટીમે રઈશને ઝડપી લીધો
એસઓજીની ટીમે બાતમીને આધારે આશ્રમરોડ સિટીગોલ્ડની ગલીમાંથી 31 ગ્રામ 200 મિલી એમડી ડ્રગ્સ સાથે રઈશ ઉર્ફે પટવા નાસિર પઠાણ (ઉં.30)ને ઝડપી તેની પાસેથી રૂ.3.12 લાખના એમડી ડ્રગ્સ સહિત રૂ.3.18 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે, તેને આ ડ્રગ્સ ઘર પાસે રહેતા સોહેલે વેચવા માટે આપ્યું હતું. નાસિરને આશ્રમરોડ, સિટી ગોલ્ડ સિનેમાની ગલીના ગ્રાહકનો મોબાઈલ નંબર મોકલ્યો હતો. જોકે રઈશ પાસેથી ગ્રાહક ડ્રગ્સની ડિલિવરી લેવા આવે તે પહેલાં જ એસઓજીની ટીમે રઈશને ઝડપી લીધો હતો. રઈશ મૂળ દાણીલીમડાનો રહેવાસી છે અને હાલ શાહપુરમાં અંબાલાલની પોળમાં રહેતો હતો.

એમડીના 12 સહિત નાર્કોટિક્સના 20 કેસ
એસઓજી, ક્રાઈમ બ્રાંચ તેમજ શહેર પોલીસે છેલ્લા 3 મહિનામાં એમડી ડ્રગ્સ, ગાંજો, કફ સીરપ સહિતના નશીલા પદાર્થના 20 કેસ કર્યા છે. જેમાંથી 12 કેસ તો એમડી ડ્રગ્સના જ છે. જો કે એમડી ડ્રગ્સના આ તમામ કન્સાઈન્મેન્ટ 30 થી 60 ગ્રામના જ હોવાનું પોલીસનું કહેવું છે.

પેડલરને રૂ. 10થી 15 હજાર કમિશન
1 ગ્રામ એમડી ડ્રગ્સની કિ.રૂ.10 હજાર થાય છે. જોકે સપ્લાયર પેડલરને રાજસ્થાનથી બસ-ટ્રેન કે અન્ય વાહનમાં અમદાવાદ ડ્રગ્સ વેચવા મોકલી, લોકેશન આપી આવનાર માણસને ડિલિવરી કરવાનું કહે છે. 30 ગ્રામનું એક કન્સાઈન્મેન્ટ રાજસ્થાનથી અમદાવાદ લાવનારને એક ફેરાના 10-15 હજાર અપાય છે.

MDના સપ્લાયની ચેઇન પકડાઈ
છેલ્લાં 3 મહિનામાં એસઓજીએ એમડી ડ્રગ્સના 6 કેસ, 50 કિલો ગાંજાનો એક કેસ, કફ સીરપના 3 કેસ મળી નશીલા પદાર્થના 10 કેસ કર્યાં છે, જેમાંથી એમડી ડ્રગ્સના સપ્લાયની ચેઈન પકડાઈ છે. રાજસ્થાન પ્રતાપગઢના ડ્રગ્સના મુખ્ય 2 સપ્લાયરના નામ, સરનામાંને આધારે પોલીસ બંનેની ધરપકડ કરશે.

મુખ્ય સપ્લાયર સુધી પહોંચવાનો પ્રયાસ
ગુજરાતમાં અને તેમાંય અમદાવાદમાંથી છેલ્લાં કેટલાક સમયથી એમડી ડ્રગ્સ, ગાંજો, કફ સીરપ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી-વેચાણ અને વપરાશ વધી ગયો છે, તેમાં એમડી ડ્રગ્સનું વેચાણ વધારે થતું હોવાથી પોલીસ મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. જોકે દેશભરમાં એમડી ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ-સાંચોરમાંથી સપ્લાય થતુ હોવાની માહિતી પોલીસને મળી છે.> જયરાજસિંહ વાળા, ડીસીપી એસઓજી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment