રાજકોટ6 કલાક પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
અત્યાર સુધી આપણે A,B,O અને AB એમ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યુ છે, પરંતુ દેશમાં એક એવા બ્લડ ગ્રુપની ઓળખ થઈ છે જે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રુપનું નામ છે EMM નેગેટિવ ગ્રુપ. ચોંકાવનારી હકિકત તો એ છે કે આ બ્લડ ગ્રુપવાળી વ્યક્તિ ગુજરાતની છે. 65 વર્ષીય રાજકોટવાસીના શરીરમાં ‘EMM નેગેટિવ’ બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. રાજકોટની આ વ્યક્તિને હાર્ટ સર્જરી કરાવવાની હતી. પરંતુ કોઈનું બ્લડ મેચ ન થતાં સર્જરી થઈ શકી નહોતી. ત્યાર બાદ તેમનું મૃત્યું થઈ ગયું હતું. આ બ્લડ ગ્રુપ ધરાવતી દુનિયાની 10મી વ્યક્તિ છે. વિશ્વભરમાં ડોક્ટરો અને મેડિકલના નિયમોને આધિન આ વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી છે. દુર્લભ EMM નેગેટિવ બ્લડ ગ્રુપનો ભારતનો આ પહેલો કિસ્સો છે. તેમજ નવી બ્લડ ગ્રુપ સિસ્ટમનું રિસર્ચ ત્રણ ગુજરાતી સહિત ચાર ડૉક્ટરોએ કર્યું છે. ડૉ. રિપલ શાહ, ડૉ. સ્નેહલ સેંજલિયા, ડૉ.સન્મુખ જોશી અને ડૉ.હરિમૂર્તિનો સમાવેશ થાય છે.
આ ચાર ડૉક્ટરોએ એશિયન જર્નલ ઓફ ટ્રાન્સફ્યુઝન સાયન્સમાં એન્ટી EMM, નવી રક્ત જૂથ સિસ્ટમ EMM (ISBT042)ને વ્યાખ્યાયિત કરતા ભારતીય દર્દીમાં ઉચ્ચ ઘટના એન્ટિજન EMM માટે એક દુર્લભ વિશિષ્ટતા પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. પેપરમાં જણાવ્યું હતું કે, ‘EMM નવી બ્લડ ગ્રુપ સિસ્ટમ તરીકે ઓળખવામાં આ કેસ મહત્ત્વનો હતો, જેને ISBT042 નામ આપવામાં આવ્યું હતું.’
રાજકોટના 65 વર્ષીય વ્યક્તિને હાર્ટ-એટેક આવ્યો હતો
રાજકોટની 65 વર્ષીય વ્યક્તિના આ બ્લડ ગ્રુપની ઓળખ સુરતમાં થઈ હતી. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડૉક્ટર સન્મુખ જોશીએ જણાવ્યું હતું કે, 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેઓ દેશના પ્રથમ એવા વ્યક્તિ છે જેઓ EMM નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવે છે. તેમને લોહીની જરૂર હતી અને જો બ્લડ મળે તો જ હાર્ટ સર્જરી કરાવી શકાય તેમ હતી. પરંતુ સર્જરી કરવા માટે નવું EMM નેગેટિવ લોહી અમારી પાસે નહોતું. આથી તેમની સર્જરી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે બાદમાં આ વ્યક્તિનું અવસાન થઈ ગયું હતું.

EMM એટલે કે લાલ રક્ત કોશિકાઓમાં એન્ટિજન મળી આવતું નથી
ડૉ.સન્મુખ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્લડ દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ટાઈપ ગોલ્ડન બ્લડ છે. આની પાછળ ઇન્વેસ્ટિગેશન કર્યું તો બ્લડની નવી સિસ્ટમ બની ગઈ છે. કુલ મળીને 43 બ્લડ સિસ્ટમ છે તેમાં આ 42મી બ્લડ સિસ્ટમ છે. વિશ્વમાં 10 લોકોના શરીરમાં જ આ ગ્રુપનું લોહી છે. રાજકોટના દર્દી બહુ કો-ઓપરેટિવ હતા. આ પ્રકારના લોકોને જો ક્યારેય રક્તની જરૂર પડે તો તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝને આ બ્લડ ગ્રુપને EMM નેગેટિવ એટલા માટે ગણાવ્યું છે કે, તે બ્લડમાં EMM એટલે કે લાલ રક્ત કોશિકાઓમાં એન્ટિજન મળી આવતું નથી. આ રક્તને ગોલ્ડન બ્લડ પણ કહેવાય છે.
દર્દીના ભાઈના શરીરમાં પણ આ ગ્રુપનું બ્લડ છે
ડૉ.સન્મુખ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના જે વ્યક્તિમાં આ ગ્રુપનું બ્લડ મળી આવ્યું છે તેના ભાઈના શરીરમાં પણ આ ગ્રુપનું બ્લડ છે. આ વારસાગત પણ કહી શકાય. મારે તેમની કાસ્ટના લોકોના બ્લડનું ટેસ્ટિંગ કરી જો તેમાંથી આ ગ્રુપનું લોહી મળી જાય તો તેમને બચાવવા મદદ કરવી હતી. પરંતુ તેમના દીકરાએ સમાચાર આપ્યા કે મારા પિતા તો ગુજરી ગયા છે. હવે ભવિષ્યમાં આવું ન થાય તે માટે તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓના ટેસ્ટ કરવા હું તૈયાર છું. ભારતની અંદર ઘણા બધા રેર બ્લડ છે તેનું લિસ્ટ પણ મારી પાસે છે.

અમદાવાદની પ્રથમા બ્લડ બેંકમાં દર્દીનું સેમ્પલ ગયું
અમદાવાદની પ્રથમા બ્લડ બેંકના ડાયરેક્ટર ડો.રિપલ શાહે જણાવ્યું હતું કે, આપણા બ્લડ ગ્રુપના એક જેનેટિક લેવલે થોડા ઘણા માઇનોર ચેન્જ થાય છે. આપણને બ્લડ જોઇતું હોય તો પહેલા તેને મેચ કરવું પડતું હોય છે. રાજકોટના દર્દીએ રાજકોટમાં જ ત્રણ બ્લડ બેંકમાં બ્લડ સેમ્પલ મોકલ્યું પણ ક્યાય મેચ થયું નહીં. આથી તેઓ અમદાવાદ રિફર થયા હતા. અમદાવાદ શિફ્ટ થયા પછી દર્દીના બ્લડનું સેમ્પલ ત્રણ-ચાર બ્લડ બેંકમાં મોકલ્યું ત્યાં પણ બ્લડ મેચ થયું નહીં. ત્યારબાદ દર્દી અમારી પાસે આવ્યા, અહીં પણ શરૂઆતમાં એવું જ થયું કે બ્લડ મેચ થતું નથી. પરંતુ અમે તેને ના પાડવાને બદલે એવું વિચાર્યું કે આની આગળ તપાસ કરીએ.

ભાઈના બ્લડ ગ્રુપમાં નાનકડા ફેરફારથી બ્લડ મેચ ન થયું
ડૉ.રિપલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, બાદમાં તેના પરિવારજનોના બ્લડ ટેસ્ટ કર્યા તો તેના બન્ને સંતાનોનું બ્લડ પણ મેચ થયું નહીં. પરંતુ તેમના ભાઈના બ્લડનો ટેસ્ટ કર્યો તો તેનું બ્લડ મેચ થઈ ગયું. પરંતુ તેમના ભાઈના શરીરમાં બ્લડ ઊંધું હતું જે બીજા બધાયની સાથે ગ્રુપ વહેચાય ગયા છે. દાખલા તરીકે મારામાં B ગ્રુપ હોય તો તેની સામેના એન્ટિબોડી ન હોય. સામાન્ય રીતે આપણા બધામાં EMMનું પ્રોટિન હોય પરંતુ તેમના ભાઈમાં EMM પ્રોટિન નહોતું. એટલે તેમનામાં કુદરતી રીતે EMMના એન્ટિબોડી બન્યા. એના લીધે તેમના ભાઈનું બ્લડ મેચ ન થયું. કારણ માત્ર એટલું કે, નાનકડા પ્રોટીનમાં ફરક પડી ગયો હતો. આથી અમારી રીતે પ્રયાસો કર્યા પણ શક્ય ન બન્યું એટલે અમે સુરતના ડો.સન્મુખ જોશી સાહેબનો સંપર્ક કર્યો. પરંતુ જોશી સાહેબથી પણ ન થતા સેમ્પલ ન્યૂયોર્ક મોકલ્યું હતું. ન્યૂયોર્કમાંથી રિપોર્ટ આવ્યો કે, આ વ્યક્તિ EMM નેગેટિવ વ્યક્તિ છે.
2020માં કાર્ડિયાક સર્જરી માટે બ્લડની જરૂર પડી હતી
રાજકોટના આ 65 વર્ષીય વ્યક્તિ જ્યારે 2020માં કાર્ડિયાક સર્જરી માટે તેના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું લોહી ન શોધી શક્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનું જાણીતું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ હતું, જે સાર્વત્રિક સ્વીકાર્ય હતું. તેમના લાંબા સંઘર્ષને કારણે આખરે ભારતનો પ્રથમ ‘EMM નેગેટિવ’ બ્લડ કેસની શોધ થઈ, સમગ્ર વિશ્વમાં આવો 10મો કેસ છે. રિપલ શાહ, સ્નેહલ સેંજલિયા અને સન્મુખ જોશી સહિત અન્ય લોકો દ્વારા એશિયન જર્નલ ઓફ ટ્રાન્સફ્યુઝન સાયન્સમાં એન્ટી EMM, નવી રક્ત જૂથ સિસ્ટમ EMM (ISBT042)ને વ્યાખ્યાયિત કરતા ભારતીય દર્દીમાં ઉચ્ચ ઘટના એન્ટિજન EMM માટે એક દુર્લભ વિશિષ્ટતા પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. પેપરમાં જણાવ્યું હતું કે, ‘EMM નવી બ્લડ ગ્રુપ સિસ્ટમ તરીકે ઓળખવામાં આ કેસ મહત્ત્વનો હતો, જેને ISBT042 નામ આપવામાં આવ્યું હતું.’

વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકારની અલગ અલગ બ્લડ સિસ્ટમ
દુનિયામાં આ ગ્રુપનું બ્લડ ધરાવતા 10 લોકો જ છે. વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકારના અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર હોય છે. પરંતુ અત્યારસુધીમાં સામાન્ય રીતે ચાર બ્લડ ગ્રુપ જ ગણવામાં આવે છે. રાજકોટની આ વ્યક્તિમાં EMM નેગેટિવ બ્લડ ગ્રુપ મળ્યું છે તે દુનિયાનું 42મું બ્લડ ગ્રુપ માનવામાં આવે છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ બ્લડ ગ્રુપ એ લોકોમાં જોવા મળે છે જેમાં EMM હાઈ ફ્રિકવન્સી એન્ટિજનની અછત મળી આવે છે. EMM બ્લડ ગ્રુપવાળા વ્યક્તિ ન તો કોઈને રક્તદાન કરી શકે છે, ન તો કોઈનું રક્ત લઈ શકે છે.
આ ગ્રુપનું બ્લડ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની મહિલામાં મળ્યું હતું
ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી હતી ત્યારે તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યું હતું. ડોક્ટરને લાગ્યુ હતું કે, RH-NULLને કારણે તેનુ બાળક પેટમાં જ મરી જશે. સૌથી પહેલા 1901માં ઓસ્ટ્રેલિયન ફિઝિશિયન કોર્લ લૈન્ડસ્ટીનરે રક્તના પ્રકાર વિશે રિસર્ચ શરૂ કર્યુ હતું. 1909માં તેમણે બ્લડના 4 ભાગોમાં ડિવાઈડ કર્યા હતા. જેને આપણે સામાન્ય રીતે A,B,AB અને O નામથી ઓળખીએ છીએ. તેની તપાસ માટે 1930માં તેમને નોબલ પુરસ્કાર મળ્યું હતું.