પશુપાલન વિભાગ દોડતું થયું:રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ, પશુપાલકો ચિંતામાં, 20 હજાર પશુમાં વેક્સિનેશન શરૂ - Alviramir

પશુપાલન વિભાગ દોડતું થયું:રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ, પશુપાલકો ચિંતામાં, 20 હજાર પશુમાં વેક્સિનેશન શરૂ

રાજકોટ38 મિનિટ પહેલા

રાજકોટમાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી.

ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસે પગપેસારો કર્યો છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ દોડતું થયું છે અને રાજકોટ શહેરમાં પશુઓને આજથી જ વેક્સિન આપવાની શરૂઆત કરી છે. રાજકોટ શહેરમાં અંદાજે 20 હજાર પશુને વેક્સિન આપવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. લમ્પી વાયરસને લઇને પશુપાલકો પણ જાગૃત બની રહ્યા છે.

શહેરમાં વેક્સિનેશનની કામગીરી શરૂ
રાજકોટના માલધારી સમાજના આગેવાન રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા બાદ શહેરમાં પણ પાંચ જેટલા લમ્પી વાયરસ કેસ સામે આવતા જિલ્લા પંચાયત સતર્ક બન્યું છે અને શહેરમાં પણ વેક્સિનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમને લઈ આજે જિલ્લા પંચાયતના પશુ આરોગ્ય કેન્દ્ર દ્વારા પશુઓને લક્ષ્મીવાડી અને કેવડાવાડી વિસ્તારોમાં પશુઓને વેક્સિન મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં પશુપાલકોમાં ફફડાટ.

રાજકોટમાં પશુપાલકોમાં ફફડાટ.

રાજકોટ જિલ્લામાં 100થી વધુ લમ્પી વાયરસના કેસ
રાજકોટ જિલ્લા પશુ આરોગ્ય અધિકારી ઓમકાર ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસના 100થી વધુ કેસ જોવા મળ્યા છે, જ્યારે શહેરમાં પાંચ જેટલા લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અત્યારસુધીના જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાના એરિયામાં વેક્સિનેશન કરાયું ન હોવાના કારણે આજથી જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા પશુપાલકોને સમજાવીને વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

બે પહેલા ગોંડલમાં 4 ગાયમાં આ વાયરસ જોવા મળ્યો હતો
બે દિવસ પહેલા ગોંડલ નગરપાલિકા અને ભગવત ગૌમંડળ સંચાલિત સ્મશાન રોડ ઉપર આવેલી ગૌશાળાની 4 ગાયમાં લમ્પી વાયરસ દેખાયો હતો. આથી ગૌશાળામાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગૌશાળાનાં સંચાલક ગોરધનભાઈ પરડવાએ જણાવ્યું હતું કે, અમારી ગૌશાળામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ અનેક ગાય અને પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. જેમાંની ચાર ગાયમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે અમને હાલ ચિંતા થાય છે. આ અંગે સરકારે તાકીદે યોગ્ય પગલા લેવાની જરૂર છે, અન્યથા જો આ રોગ વકરે તો ગૌશાળા ઉપરાંત શહેરમાં રહેતા અનેક પશુઓને લમ્પી વાયરસ પ્રસરી શકે છે.

આ વાયરસમાં પશુના શરીર પર ગઠ્ઠા થઈ જાય છે.

આ વાયરસમાં પશુના શરીર પર ગઠ્ઠા થઈ જાય છે.

લમ્પી વાયરસ કેવી રીતે થાય
આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

લમ્પી વાયરસના લક્ષણો
આ વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમાં પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ઠ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે. આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

લમ્પી વાયરસને કાબૂમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment