પાડાના વાંકે પખાલીને ડામ:ગોધરાની આધ્ય મહેશ્વરી સોસાયટીમાં ચેમ્બરના ખુલ્લા ઢાંકણ માથી અસહ્ય દુર્ગંધયુક્ત વાસ આવતા સ્થાનિક લોકો પરેશાન - Alviramir

પાડાના વાંકે પખાલીને ડામ:ગોધરાની આધ્ય મહેશ્વરી સોસાયટીમાં ચેમ્બરના ખુલ્લા ઢાંકણ માથી અસહ્ય દુર્ગંધયુક્ત વાસ આવતા સ્થાનિક લોકો પરેશાન

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • ગટરના ખુલ્લાં ઢાંકણમાંથી દુર્ગંધનો મારો
  • વધુ વરસાદના પગલે JCB વડે ઢાંકણ તોડી દેવાયા હતા

ગોધરા શહેરમાં પાછલા દિવસોમાં પડેલા ભારે વરસાદને લીધે શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં પાણીથી છલોછલ ભરાયા હતા. તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્ર સાબદું બન્યું હતું અને જેસીબી મશીન માધ્યમથી સોસાયટી અને મેન રસ્તાઓ ઉપર ચેમ્બરના ઢાંકણ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. પાણીનો નિકાલ કર્યો હતો. પરંતુ હાલ વરસાદ ઓછો થઈ જતાં પાણી ઓસરી ગયા છે પણ નગરપાલિકા દ્વારા જે ચેમ્બરના ઢાંકણ તોડી નાખવામાં આવ્યા છે, તેનું સમારકામ કરવામાં ન આવતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. બીજી તરફ આધ્ય મહેશ્વરી સોસાયટીમાં ચેમ્બરના ઢાંકણ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને અહીંયાંથી રોજે-રોજ રાહદારીઓ અને વાહનચાલકો પસાર થાય છે. ત્યારે કોઈ જાનહાની થઈ તો તેની જવાબદારી કોની તે પણ એક સવાલ છે.

વધુ વરસાદના પગલે JCB વડે ઢાંકણ તોડી દેવાયા હતા
ગોધરાના આધ્ય મહેશ્વરી સોસાયટીમાં થોડા દિવસ પહેલાં વરસાદ પડવાના કારણે ચેમ્બરના ઢાંકણ જેસીબી મશીન દ્વારા ખુલ્લા કરી તોડી નાખ્યા હતા અને પાણીનો નિકાલ કર્યો હતો. પરંતુ હવે વરસાદ ઓછો થઈ જવા છતાં પણ નગરપાલિકા દ્વારા ચેમ્બરના ઢાંકણ નું સમારકામ કરવામાં ન આવતા આ ગટર લાઈન માથી અસહ્ય દુર્ગંધયુક્ત વાસ આવતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી તરફ આધ્ય મહેશ્વરી સોસાયટીથી નજીક ડૉ આંબેડકર પ્રાથમિક શાળા આવેલી છે અને કેટલાક વિદ્યાર્થીઓ આ જોખમી ગટર લાઈન પાસે થી અવર-જવર કરતા હોય છે. ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની તેવું સ્થાનિક લોકો કરી રહ્યા છે.

આધ્ય મહેશ્વરી સોસાયટી

આધ્ય મહેશ્વરી સોસાયટી

ગોધરાની આધ્ય મહેશ્વરી સોસાયટીની મહિલાઓ બની રણચંડી
ગોધરાના આધ્ય મહેશ્વરી સોસાયટીમાં રહેતા સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે અવાર-નવાર રજુઆતો કરવા છતાં પણ આ વોર્ડના સભ્યો અને નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી ચેમ્બરના ગટર લાઈન ઢાંકણ નાખવા માટે ઢીલાશ રાખી રહ્યા છે. આથી આ સોસાયટીની મહિલાઓ રણચંડી બની કહ્યું હતું કે, જો અમારા સોસાયટીમાં ઢાંકણ સમયસર નાખવામાં નહીં આવે તો અમે જિલ્લા કલેકટર સહિત ચીફ ઓફિસર રજૂઆત કરીશું. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં ખુલ્લી ચેમ્બરના ઢાંકણ કારણે ઝેરી મચ્છરનો ઉપદ્રવ અને બીમારીએ માથું ઊંચકયુ છે. જેથી વહેલી તકે આધ્ય મહેશ્વરી સોસાયટીના ચેમ્બરના ઢાંકણ નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment