પાલનપુરના કલાકારની કારીગરી:જોઇને જાણે એવું લાગે કે આ બનાવટો લાકડાંની છે, પણ જલોત્રાનો કારીગર શ્રીફળમાંથી બનાવે છે વિશ્વકપથી લઇને ખિસકોલી સુધીની વસ્તુઓ - Alviramir

પાલનપુરના કલાકારની કારીગરી:જોઇને જાણે એવું લાગે કે આ બનાવટો લાકડાંની છે, પણ જલોત્રાનો કારીગર શ્રીફળમાંથી બનાવે છે વિશ્વકપથી લઇને ખિસકોલી સુધીની વસ્તુઓ

બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા

  • મનમોહક વેરાઇટીઓ જોવા અને ખરીદવા દૂર દૂરથી લોકો આવે છે

વડગામના જલોત્રા ગામે એક વ્યક્તિએ શ્રીફળમાંથી અલગ અલગ પ્રકારની અઢીસોથી વધુ ચીજવસ્તુઓ બનાવી છે. જલોત્રા ગામના શંકરભાઈ સાતેક વર્ષ પહેલાં કલર કામ કરતા હતા, એ સમયે તેમના હાથમાં એક શ્રીફળ આવ્યું. ત્યારે શ્રીફળને ઘસીને તેમણે પેઇન્ટ કરી એમાંથી ટી કપ બનાવ્યો હતો. ત્યાર બાદ શંકરભાઈ શ્રીફળમાંથી અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ બનાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.

મનમોહક વેરાઇટીઓ જોવા દૂર દૂરથી લોકો આવે છે
બનાસકાંઠા જિલ્લાના જલોત્રા શંકરભાઈએ શ્રીફળમાંથી અલગ-અલગ પ્રકારની અઢીસોથી વધારે ચીજવસ્તુઓ બનાવી છે. કોઈપણ ટેકનોલોજીના ઉપયોગ વગર માત્ર પોતાના ટેલન્ટથી હાથથી બનાવેલી વેરાઇટીઓ જોઇને તમે પણ ચોંકી ઊઠશો. શંકરભાઇએ બનાવેલી મનમોહક વેરાઇટીઓ જોવા અને ખરીદવા દૂર દૂરથી લોકો તેમના સ્ટોલ પર આવે છે. એક વેરાઇટી બનાવવામાં શંકરભાઈને એક દિવસનો સમય લાગે છે, જ્યારે ઘણીબધી વેરાઇટીમાં બે-ત્રણ દિવસ પણ લાગતા હોય છે. શંકરભાઈ પોતાના સ્ટોલ ઉપરાંત આજુબાજુમાં લાગતા મેળાઓમાં પ્રદર્શન કરીને પણ પોતાની વેરાઇટીઓ વેચે છે.

અમુક વસ્તુ બનાવવામાં બે-ત્રણ દિવસ લાગે છે
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શંકરભાઇએ જણાવ્યું હતું કે હું છેલ્લાં સાત એક વર્ષથી શ્રીફળમાંથી અલગ અલગ વેરાઇટીઓ બનાવવાનું કામ કરું છું. અત્યારસુધી અઢીસો જાતની અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવી છે, જેમાં ફૂલદાની, ફૂલ, નારિયેળી, અલગ અલગ જાતના બાઉલ, કપ અને જગ જેવી ઘણી જાતની ડિઝાઇનો બનાવી છે. હું કોઇપણ ટેકનોલોજીના ઉપયોગ વગર આ વસ્તુઓ બનાવું છું, જેથી અમુક વસ્તુ બનાવવામાં બે-ત્રણ દિવસ પણ થાય છે. અમુક બનાવટ રૂ. 400થી 500માં સેલ થઇ જાય છે, જ્યારે કપ જેવી વસ્તુ હું 100 રૂપિયામાં વેચું છું.

મોટા ભાગે વેચાણ મેળામાં થાય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું પહેલા કલરનું કામ કરતો હતો, એક દિવસ એક શ્રીફળ મારા હાથમાં આવ્યું તો મેં એને ઘસતાં એ ચમકતું થયું. એટલે મેં વચ્ચેથી કાપીને બાઉલ બનાવ્યું અને એમાંથી કપ બનાવ્યો. કપ બનાવ્યા પછી મેં વિચાર્યું કે અલગ અલગ વસ્તુઓ બનાવું તો સારી લાગશે. ત્યાર બાદ નવા નવા વિચારો આવતા ગયા અને હું નવી નવી વેરાઇટીઓ બનાવતો ગયો. મોટા ભાગે વેચાણ મેળામાં જ થાય છે, જ્યારે અમુક લોકો સુરતથી પણ લેવા આવે છે.
તસવીરોમાં જોઈએ શંકરભાઇની કળા

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment