ફેક ફોન કોલથી સાવધાન:રાજકોટમાં ‘તમે અમારા લક્કી કસ્ટમર, 23 હજારનું ઇનામ લાગ્યું છે’ કહી યુવકના ખાતામાંથી ભેજાબાજે રૂ. 3500 ઉપાડી લીધા - Alviramir

ફેક ફોન કોલથી સાવધાન:રાજકોટમાં ‘તમે અમારા લક્કી કસ્ટમર, 23 હજારનું ઇનામ લાગ્યું છે’ કહી યુવકના ખાતામાંથી ભેજાબાજે રૂ. 3500 ઉપાડી લીધા

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

રાજકોટના પારડીમાં 100 વારીયા મકાનમાં રહેતા મૂળ કેશોદના જીગર મહેન્દ્રભાઇ બાવનજી સાથે ફોન પેના કર્મચારીની ઓળખ આપી તમે અમારા લક્કી કસ્ટમર છો. 23 હજારનું ઇનામ લાગ્યું છે તેમ કહી ભેજાબાજે રૂ.3500 ઉપાડી લીધા હતા. આ અંગે જીગરે પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાતામાંથી રૂપિયા ઉપાડી લેનાર શખસ ઝારખંડ રાજ્યમાં પકડાયો હતો. તેનું નામ બામનીદાસ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.

જીગરે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
જીગરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી મારા પરિવાર સાથે રહું છું અને શાપર ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જોની કીચનવેર કારખાનામાં મજૂરી કામ કરું છું. હું અપરિણીત છું અને હું અભણ છું. પરંતુ મને મારી સહી કરતા આવડે છે. મારો અકસ્માત થયો હોય મારે સારવાર કરાવવા માટે રાજકોટ એસ્ટ્રોન ચોક પાસે હોસ્પિટલમાં જવાનું અને મારે સારવાર માટે રૂપિયાની જરૂર હોય જેથી 10 માર્ચના રોજ મેં મારા શેઠ વિલાસભાઇને ફોન કરી મારા બેંક ઓફ બરોડા પારડી શાખાના ખાતામાં રૂ.4000 નાખવાનું કહ્યું હતું. આથી તેઓએ મારા બેંક ઓફ બરોડા શાખાના બેંક ખાતામાં રૂ.4000 જમા કરાવ્યા હતા.

મને વોટ્સએપમાં લિંક મોકલી ફોન હેક કર્યો
બીજા દિવસે 11 માર્ચના રોજ હું મારા ઘરે હતો તે વખતે સવારના મારા મોબાઈલ નંબરમાં એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો અને તેમા કોઇ માણસ હિન્દીમાં વાત કરતો હતો. તેણે મને કહ્યું કે, હું ફોનપેમાંથી વાત કરું છું, તમે અમારી કંપનીની ફોન-પે એપ્લિકેશન વાપરો છો? તો મેં કહ્યું કે, હા હું ફોન-પે એપ્લિકેશન વાપરું છું તો તેણે મને કહ્યું કે, તમે અમારા લક્કી કસ્ટમર છો, તમને ફોન-પે તરફથી રૂ.23,000નું ઇનામ લાગ્યું છે. આથી મેં કહ્યું કે મારે ઇનામ નથી જોઇતુ અને તેનો ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર પછી તેનો ફરીથી ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે, તમારા ફોનમાં વોટ્સએપમાં એક લીંક મોકલી છે તે ડાઉનલોડ કરો જેથી મેં મારા વોટસએપમાં આવેલી લીંક ખોલતા તેમા ISL લાઇટ નામની એપ્લfકેશન ઇન્સ્ટોલ થઈ હતી.

મારા ભાઈને ATMમાંથી રૂપિયા ઉપાડવા મોકલ્યો તો ખાતું ખાલી નીકળ્યું
થોડીવારમાં મારો ફોન હેક થઇ ગયો હતો અને બે કલાક સુધી મારા ફોનમાં માત્ર ફોન જ આવતા હતા તે સિવાય બીજું કાંઈ થતું નહોતું. બાદ હું અને મારો ભાઇ અંકિત એમ બન્ને રાજકોટ દવાખાને ગયા હતા અને મેં મારા ભાઇ અંકિતને ATMમાંથી પૈસા ઉપાડવા માટે મોકલ્યો તો તેણે પરત આવી મને કહ્યું કે, તારા ખાતામાં રૂપિયા નથી તેવું કહ્યું હતું. આથી મેં મારા ફોનમાં જોતા મારા ફોનમાં મારા ખાતામાંથી રૂ.3500 ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. મેં ગાંધીનગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફોન કરી મારી સાથે છેતરપિંડી થયાની જાણ કરી હતી. જે અરજી અહીં શાપર પોલીસ સ્ટેશનમાં તપાસમાં આવી હતી અને મારા રૂ.3500 મળી ગયા હતા. ખાતામાંથી રૂપિયા ઉપાડી લેનાર શખસ ઝારખંડ રાજ્યમાં પકડાયો હતો. તેનું નામ બામનીદાસ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment