ભાસ્કર એક્સપોઝ:B.Edનો બિઝનેસ - 95 હજાર ફી આપો; કોલેજ ન આવતા, પરીક્ષા આપી ડિગ્રી મેળવો; સૌરાષ્ટ્રની 20 કોલેજમાં શિક્ષણના વેપારનો પર્દાફાશ - Alviramir

ભાસ્કર એક્સપોઝ:B.Edનો બિઝનેસ – 95 હજાર ફી આપો; કોલેજ ન આવતા, પરીક્ષા આપી ડિગ્રી મેળવો; સૌરાષ્ટ્રની 20 કોલેજમાં શિક્ષણના વેપારનો પર્દાફાશ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Business Of B.Ed Pay 95 Thousand Fee; Don’t Come To College, Take The Exam And Get A Degree; Trade In Education Exposed In 20 Colleges Of Saurashtra

રાજકોટ2 કલાક પહેલાલેખક: નિહિર પટેલ

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • ભણ્યા વિના જ ભણાવવાની ડિગ્રી? બી.એડ.નો અભ્યાસ એક્સટર્નલ નહીં હોવા છતાં વિવિધ કોલેજો બેરોકટોક એક્સટર્નલ કોર્સ ચલાવે છે
  • 20થી વધુ કોલેજોએ કહ્યું, ફી ભરી દો, બી.એડ ઘરેબેઠાં થઈ જશે
  • અમુક કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓના ભોળપણનો લાભ લઈ એકસટર્નલના નામે કોર્સ થતો હોવાની બાંહેધરી આપે છે

જે શિક્ષકોએ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને ભણાવવાના છે, માર્ગદર્શન આપવાનું છે, બદલાતા પ્રવાહ અને પરિસ્થિતિ પ્રમાણેના શિક્ષણથી અવગત કરાવવાના છે તેવા ભાવિ શિક્ષકો જ ઘેરબેઠાં બી.એડ. કરી અને શિક્ષક બની જશે તો તેઓ વિદ્યાર્થીઓને શું ભણાવશે? તેવો ગંભીર પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે, કારણ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 20 કોલેજો બી.એડ. ઘેરબેઠાં કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે, કોલેજે નહીં આવવાના બદલામાં તેઓ ઊંચી ફી પણ વસૂલી રહ્યા છે.

ખરેખર બી.એડ. એ રેગ્યુલર કોર્સ છે જેમાં દરેક વિદ્યાર્થીઓએ કોલેજે જઈને અને 80% ફરજિયાત હાજરી સાથે કરવાનો હોય છે. પરંતુ ધંધાદારી કોલેજો વિદ્યાર્થીઓને કોલેજે નહીં આવવાની છૂટ આપી માત્ર પરીક્ષા આપીને બીએડની ડિગ્રી મેળવવાનો વિકલ્પ આપી રહી છે. કોલેજોના સંચાલકોએ ઊંચી ફી વસૂલવા આ ચીલો ચીતર્યો છે.

‘દિવ્ય ભાસ્કર’ ના રિપોર્ટરે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 45થી વધુ કોલેજોમાં વિદ્યાર્થી બનીને રૂબરૂ અને ફોન કરીને જ્યારે તપાસ કરી તો 20થી વધુ કોલેજ સંચાલકોએ કહ્યું, ફોર્મ અને ફી ભરી દો, બી.એડ. એક્સટર્નલ એટલે કે ઘેરબેઠાં થઇ જશે. ધંધાદારી કોલેજો ઘેરબેઠાં બી.એડ. કરવાની રૂપિયા 37,000 હજારથી લઈને 95,000 ફી વસૂલી રહી છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે 4000 જેટલા વિદ્યાર્થી બી.એડ. ભણીને બહાર નીકળે છે અને શિક્ષક બનવાની લાયકાત ધરાવે છે પરંતુ ખરેખર પોતે ઘેરબેઠાં ભણેલા છે, કોઈ દિવસ કોલેજ ગયા નથી તેઓ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને કેમ ભણાવશે તે પણ ગંભીર પ્રશ્ન છે.

1) મિરામ્બિકા મહિલા બી.એડ. કોલેજ, રાજકોટ
‘એક્સટર્નલમાં અમારે 60 એડમિશન ફુલ થઇ ગયા છે, હવે રેગ્યુલર કરવાવાળાની જરૂર છે. 8થી 12નો કોલેજનો સમય છે. રેગ્યુલરની વર્ષની ફી રૂ. 45 હજાર છે, એક્સટર્નલની 55 હજાર છે. તમારા ઘરથી નજીક જામનગર રોડ પર સંસ્કારધામ કોલેજ છે એ મારા ભાઈની છે એમાં પણ એડમિશન મળી જશે.

2) એ.વી.ઓઝા બી.એડ. કોલેજ, લખતર
‘પહેલા રેગ્યુલર વિદ્યાર્થીઓને પ્રાધાન્ય, જગ્યા ખાલી પડશે તો એક્સટર્નલમાં આપીશું.’

3) એપેક્ષ બી.એડ. કોલેજ, મોરબી
‘બી.એડ.નો રાઉન્ડ બહાર પડ્યા પછી જગ્યા હશે તો એક્સટર્નલ આપીશું.’

4) નવયુગ બી.એડ. કોલેજ, મોરબી
‘એક્સટર્નલ થઇ જશે, વર્ષની ફી રૂ.50,000 છે’

5) આર્યતેજ બી.એડ. કોલેજ, મોરબી
‘એક્સટર્નલમાં એડમિશન મળી જશે, બે વર્ષની ફી 1,10,000 છે, તમારે 27,500ના ચાર હપ્તામાં ભરવી પડશે.’

6) એસ.આર.હેરમા બી.એડ. કોલેજ, સતાપર
‘એક્સટર્નલમાં એડમિશન થઇ જશે, વર્ષની ફી 1,00,000 છે’

7) સરસ્વતી શિક્ષણ બી.એડ. કોલેજ, ભૂતવડ
‘એક્સટર્નલ થઇ જશે તમારે વર્ષની રૂ.50 હજાર ફી ભરવાની રહેશે.’

8) મહાવીર બી.એડ. કોલેજ, ધ્રાંગધ્રા
‘એક્સટર્નલ થઇ જશે, ફી ફોન ઉપર ન કહી શકીએ, તમે મને વોટ્સએપ કરો હું બીજો નંબર આપું તે જણાવશે.’

9) તક્ષશિલા બી.એડ. કોલેજ, હળવદ
‘બી.એડના રાઉન્ડ પૂરા થાય પછી પણ સીટ ખાલી હશે તો ડાયરેક્ટ એડમિશન આપી દઇશું, વર્ષની રેગ્યુલરની ફી રૂ. 35 હજાર અને એક્સટર્નલની રૂ.50 હજાર છે.’

10) તેજેન્દ્રપ્રસાદજી બી.એડ. કોલેજ, ચરડવા
‘એક્સટર્નલ ન થાય રેગ્યુલર જ થાય, પણ ફોન ઉપર એક્સટર્નલની વિગતો ન આપી શકીએ, કાલે કોલેજે રૂબરૂ આવી જાવ.’

11) એસ.ડી. મહેતા મહિલા બી.એડ. કોલેજ
‘ઓનલાઈન ફોર્મ ભર્યું છે? તો કાલે રૂબરૂ કોલેજે આવી જાવ, ફોનમાં એક્સટર્નલનું ન કહી શકું.’

12) અર્પિત બી.એડ. કોલેજ, રાજકોટ
‘એક્સટર્નલમાં બી.એડ.માં એડમિશન મળી જશે. 37,500 ફી છે સેમેસ્ટરની, કોલેજે રૂબરૂ મળી જજો.’

જે કોલેજ એક્સટર્નલ બી.એડ. કરાવતી હશે તેની સામે NCTEને જાણ કરીશું
બી.એડ. એક્સટર્નલ કોર્સ છે જ નહીં અને કરી પણ શકાતો નથી. આવી કોઈ કોલેજ યુનિવર્સિટીને ધ્યાનમાં આવશે તો તે કોલેજની ફરિયાદ અમે NCTEને લેખિતમાં કરીશું. બી.એડ. કોલેજોને જોડાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપે છે પરંતુ તેના કોર્સ સહિતની માન્યતા NCTE દ્વારા આપવામાં આવતી હોય છે. – ડૉ. ગિરીશ ભીમાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

બી.એડ. એક્સટર્નલ કરવાની કોઈ જોગવાઈ જ નથી, 80% હાજરી ફરજિયાત
બી.એડ.નો અભ્યાસક્રમ ફુલટાઈમ અભ્યાસક્રમ છે, વિદ્યાર્થીઓએ 80% દિવસો કોલેજમાં હાજરી આપવી ફરજિયાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકપણ કોલેજમાં એક્સટર્નલ (ઘેરબેઠાં) બી.એડ. કરવાની કોઈ જોગવાઈ નથી. ભૂતકાળમાં યુનિવર્સિટીએ કોલેજો ઉપર તપાસ કરાવીને હાજરી પૂરવા સહિતની કામગીરી કરી હતી. કોઈ કોલેજમાં બી.એડ.નો અભ્યાસક્રમ એક્સટર્નલ ન ચાલે તેના માટે પ્રયાસ કરાશે. – ડૉ. નિદત બારોટ, ડીન, શિક્ષણ વિદ્યાશાખા

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment