આણંદ28 મિનિટ પહેલાલેખક: ચાર્મી મહેતા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- સ્નાતક કક્ષાએ કોર્સમાં ડિગ્રીના 180 ક્રેડિટ હોય છાત્રો માટે આર્શીવાદરૂપ
ઘરડાંઓ એમ કહેતાં કે ભણ્યો પણ ગણ્યો નહીં. કારણ એટલું જ કે, અનેક વખત બી. કોમ. થયેલા વિદ્યાર્થીને ચેક ભરતાં પણ આવડે નહીં. તો વળી ક્યારેક બેંક-વીમા કંપનીઓમાં કેવી રીતે કામ થાય તેની સમજ જ ન હોય. એટલે વિદ્યાર્થીને થિયરીની સાથો-સાથ પ્રેક્ટીકલ જ્ઞાન પણ મળી રહે તે હેતુસર વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજો દ્વારા છેલ્લાં 10 વર્ષથી બેચલર ઓફ વોકેશન કોર્સની શરૂઆત કરાઇ છે. આ કોર્સમાં પ્રવેશ બાદ રોજગારીની ઊજળી તક હોઈ, થિયરીની સાથો-સાથ વ્યવહારૂ જ્ઞાન પણ મળી રહે તે હેતુસર છેલ્લાં કેટલાંય સમયથી વિદ્યાર્થીઓનો પ્રવાહ વોકેશ્નલ કોર્સ તરફ વધી રહ્યો છે. અલબત્ત, ચાલુ વર્ષે તો વધુ એક કોલેજમાં આ કોર્સ શરૂ કરાયો છે.
બી. વોક કોર્સની વાત કરીએ તો બી. વોક એટલે બેચલર ઓફ વોકેશન. જે અન્ય સ્નાતક ડિગ્રી જેવી જ ડિગ્રી છે. પરંતુ તેના ક્રેડિટ વધારે હોય છે જે વિદેશ જવા ઈચ્છત્તા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બી.એ., બી.કોમ, બી.એસ.સી., બી.સી.એ. જેવા કોર્સના ક્રેડિટ 120 હોય છે તેની સામે બી. વોકની ડિગ્રીના 180 ક્રેડિટ હોય છે. તેના કારણે વિદ્યાર્થીને ડિપ્લોમા કે અન્ય કોઈ કોર્સ કરી ક્રેડિટ વધારો કરવો પડતો હોય છે.
નોંધનીય છે કે, અન્ય ડિગ્રી કોર્સની જેમ થિયરીના બદલે પ્રૅક્ટિકલ પર 60 થી 70 ટકા ભારણ આપવામાં આવ્યું છે. કોર્સમાં વિવિધ પ્રકારના સ્પેશિયલાઇઝેશન વિષય આપવામાં આવે છે. બૅન્કિંગ ઍન્ડ ફાયનાન્સિયલ સર્વિસ, એકાઉન્ટ ઍન્ડ ફાયનાન્સ, રીટેલ મેનેજમેન્ટ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, ટ્રાવેલ ટુરિઝમ ઍન્ડ હોસ્પિટાલિટી, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, રેફ્રિજરેશન-એર કન્ડિશનીંગ જેવા અલગ અલગ વિષયને મુખ્ય વિષય તરીકે પસંદ કરી શકાય છે.
કોર્સની અભ્યાસ પ્રણાલિની વાત કરવામાં આવે તો દરેક સેમેસ્ટરમાં વિદ્યાર્થીને 30 થી 45 દિવસની ઇન્ટર્નશીપ કરવાની રહે છે. વિષય પ્રમાણે જે તે ઇન્ડસ્ટ્રીમાંથી વિષય નિષ્ણાંતો દ્વારા પ્રૅક્ટિકલ ઉદાહરણ સહિત વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જેમ કે બેંકમાં ખાતું ખોલાવવું હોય, કેવાયસી કરવાની હોય, તે અંગે પ્રૅક્ટિકલ બતાવી વિદ્યાર્થીને તેમ કરવા સૂચન અપાય છે. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીને બેંકમાં નોકરીની તક મળે તો તે આસાનીથી કાર્ય કરી શકે. આમ આ કોર્સ વિદ્યાર્થીઓમાં કુશળ કર્મચારી બનવાની લાક્ષણિકતાને વિકસાવે છે. તેમજ બેંક, હોટેલ, ઓદ્યોગિક ક્ષેત્રે નોકરી મેળવવામાં સહાયરૂપ સાબિત થાય છે.
આ કોર્સમાં કોણ પ્રવેશ મેળવી શકે ?
કોઈ પણ ધોરણ 12 પાસ વિદ્યાર્થી આર્ટસ, કોમર્સ કે સાયન્સ અને આઇટીઆઇ કરેલું હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 10 પાસ કરેલાં વિદ્યાર્થીઓ માટે ડી.વોક પણ કોર્સ ભણવામાં આવે છે. આ કોર્સ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ 2013-14માં શરૂ કરવામાં આવ્યો હતો. નેશનલ સ્કિલ ડેવેલોપેમેન્ટ કાઉન્સિલ, નેશનલ ઓક્યુપેશનલ સ્ટાન્ડર્ડ, બીએફેએસઆઈ, નેશનલ સ્કિલ કોલિફિકેશન ફ્રેમવર્કના માર્ગદર્શન અંતર્ગત કોર્સનું સંચાલન કરવામાં આવે છે.
વર્ષ | C.P.પટેલ | N.S.પટેલ | આણંદ કોમર્સ |
2015 | 93 | 46 | |
2016 | 110 | 80 | |
2017 | 103 | 104 | |
2018 | 114 | 87 | |
2019 | 126 | 152 | 44 |
2020 | 127 | 104 | 52 |
2021 | 127 | 102 | 65 |
2022 | 133 | 96 | 107 |