મગર પાંજરે પૂરાયો:વડોદરાના દુમાડ ગામના ખેડૂતના ખેતરમાંથી 125 કિલો વજનનો 11.5 ફૂટ લાંબો મગર રેસ્ક્યૂ કરાયો - Alviramir

મગર પાંજરે પૂરાયો:વડોદરાના દુમાડ ગામના ખેડૂતના ખેતરમાંથી 125 કિલો વજનનો 11.5 ફૂટ લાંબો મગર રેસ્ક્યૂ કરાયો

વડોદરાએક કલાક પહેલા

વડોદરા નજીક દુમાડ ગામના ખેતરમાંથી મહાકાય મગર પાંજરામાં પૂરાયો

ચોમાસાની શરૂઆત થતા પાણીના કારણે નદી-નાળમાં રહેતા મગરો પાણી ઓસરતાની સાથે જ દેખા દઇ રહ્યા છે. વડોદરા નજીક આવેલા દુમાડ ગામના ખેડૂતના ખેતરમાં મહાકાય મગર ફરી રહ્યો હતો. ખેડૂત મગરને જોતા જ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ તેમણે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને જાણ કરતા રેસ્ક્યૂ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. 125 કિલો વજનના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી પાંજરામાં પૂર્યો હતો.

ખેતરમાં ફરી રહેલો મહાકાય મગર

ખેતરમાં ફરી રહેલો મહાકાય મગર

મગરના રેસ્ક્યૂમાં વન વિભાગની ટીમ પણ જોડાઇ
મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના મંત્રી રાજ ભાવસારને દુમાડ ગામના ખેડૂત વિષ્ણુભાઇએ ફોન કર્યો હતો કે, ખેતરમાં એક મગર આવી ગયો છે. મેસેજ મળતા જ રાજ ભાવસાર પોતાની રેસ્ક્યૂ ટીમના રીનવ કદમ, મેહુલ પટેલ, કરણ પરમાર અને મિત પટેલ સાથે પહોંચી ગયા હતા. તેમજ વડોદરા વન વિભાગના શૈલેષશભાઈ રાવલ અને જેઠાભાઈ પણ દુમાડ ગામ પહોંચી સાવચેતી પૂર્વક 11.5 ફૂટ લાંબો મહાકાય મગર દોઢ કલાકની ભારે જહેમત બાદ પકડી વન વિભાગ દ્વારા લાવવામાં આવેલા પાંજરામાં પૂરી દીધો હતો.

મગરનું રેસ્ક્યુ કરી રહેલા ટીમના સભ્યો

મગરનું રેસ્ક્યુ કરી રહેલા ટીમના સભ્યો

પાણીના પ્રવાહમાં મગરો તણાઇને આવી જાય છે
મગરનું રેસ્ક્યૂ કરનાર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના મંત્રી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, નદી-નાળામાં આવતા વરસાદના ભારે પાણીના કારણે નદી-નાળામાં રહેતા મગરો પાણીના પ્રવાહમાં તણાઇને નદી-નાળાની બહાર નીકળી જતા હોય છે. જ્યારે પાણી ઓસરી જાય ત્યારે તણાઇને નદી-નાળા બહાર નીકળી જતા મગરો પરત નદી-નાળામાં જઇ શકતા નથી. જેથી મગરો જે સ્થળે તણાઇને ગયા હોય તેની આસપાસ ફર્યા કરતા હોય છે. દુમાડ ગામના ખેતરમાં પણ નદીના પાણીના પ્રવાહમાં તણાઇ આવેલો આશરે 125 ફૂટ વજનનો 11.5 ફૂટ લાંબો મગર ફરી રહ્યો હતો. જે મગરને રેસ્ક્યૂ કરી પીંજરામાં પૂરવામાં આવ્યો છે. આ મગરને પકડવા માટે પાંચથી છ માણસો કામે લગાવવામાં આવ્યા હતા. આ મગરને હાલ વન વિભાગમાં લઇ જવામાં આવશે., અને તેને યોગ્ય સ્થળે મુકત કરી દેવામાં આવશે.

ખેતરમાંથી અજગર રેસ્ક્યૂ કરાયો

ખેતરમાંથી અજગર રેસ્ક્યૂ કરાયો

સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યૂ
ડભોઇ તાલુકાના કાયાવરોહણ પાસે મેનપુરાના ખેડૂતના કપાસના ખેતરમાં અજગર આવી ગયો હતો. તેઓએ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. દરમિયાન સેવ વાઈડ લાઈફ ટ્રસ્ટની ટીમે વન વિભાગને જાણ કરી સેવ વાઇલ્ડ લાઇફના વોલેન્ટિયરની ટીમના સભ્યો પ્રિન્સ ઠાકોર, રાહુલ ત્રિવેદી, કરણ પટેલ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાવચેતી રાખી સહી સલામત 6 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યૂ કરી વન વિભાગને સુપ્રત કર્યો હતો.

સોસાયટીમાંથી પાટલા ઘો રેસ્ક્યૂ કરવામાં આવી

સોસાયટીમાંથી પાટલા ઘો રેસ્ક્યૂ કરવામાં આવી

બે પાટલા ઘો રેસ્ક્યૂ કરવામાં આવી
શહેરના સુભાનપુરા હાઇ ટેન્શન રોડ ઉપર આવેલ વલ્લભ પાર્ક સોસાયટીમાં પાટલા ઘો હોવાની માહિતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમના અરવિંદ પવારને મળી હતી. જે માહિતીના આધારે તેઓ ટીમના સભ્યો કિરણભાઇ શર્મા, ફનિલ શાહ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પાટલા ઘોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ઉપરાંત આ ટીમે સભ્ય રાકેશભાઇ જાદવે પાદરા તાલુકાના ડભાસા ગામમાં રહેતા અજયભાઇના ઘરમાંથી એક પાટલા ઘો રેસ્ક્યૂ કરી હતી. આ બન્ને પાટલા ઘોને વન વિભાગમાં સોંપી દેવામાં આવી છે. વન વિભાગ દ્વારા આ બંને પાટલા ઘોને સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment