માનસિક ત્રાસની ફરિયાદ:‘તારા પપ્પાને કહી મિલકત નામે કરાવી લે એટલે મને ખબર પડે કે, કમાવું કે નહીં’ - Alviramir

માનસિક ત્રાસની ફરિયાદ:‘તારા પપ્પાને કહી મિલકત નામે કરાવી લે એટલે મને ખબર પડે કે, કમાવું કે નહીં’

રાજકોટ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના મહિલા કોલેજ પાસે જનતા સોસાયટી-1માં છેલ્લા દોઢ વર્ષથી માવતરે એક પુત્રી સાથે રહેતી હેતલબેન નામની પરિણીતાએ અમદાવાદ શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા પતિ રશેષ ભરતભાઇ શાહ, સાસુ કોકીલાબેન અને દિયર સાકેત સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 2010માં રશેષ સાથે લગ્ન કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં અમદાવાદ રહેતા હતા.

લગ્નના એક વર્ષ બાદ સાસુએ રસોઇ બાબતે મેણાં મારી ઝઘડા કરતા હતા. દિયર પણ તમે જ્યારથી અમારા ઘરે પરણીને આવ્યા છો ત્યારથી ઘરમાં કાંઇ સારું થતું નથી, મારી નોકરી પણ તમારા અશુભ પગલાંને કારણે જતી રહી તેમ કહી પોતાને રોવડાવતા હતા. આ બાબતે પતિને વાત કરતા તેઓ પણ પોતાની સાથે ઝઘડો કરતા હતા.

પતિ રશેષના આવા વર્તન વચ્ચે તેને કોઇ યુવતી સાથે વાતચીત કરતા હોવાનું મોબાઇલમાં જાણવા મળ્યું હતું. જેથી તે અંગે પૂછતા અમે પહેલા પ્રેમ કરતા હતા હાલ ફક્ત મિત્રો જ છીએ તેમ કહી વાતને ટાળી દેતા હતા. દરમિયાન પતિને બ્રેઇન ટ્યૂમર થતા ઓપરેશન કરાવવાનું હતું. જેથી સાસુ, દિયર માવતરેથી દવા સહિતનો ખર્ચ લઇ આવવા દબાણ કરતા હતા. પરંતુ પોતાના ઘરેણાં વેચીને પતિની સારવાર કરાવી હતી. સારવાર બાદ સાસુ પિયરથી સેવાચાકરી માટે પૈસા લઇ આવવા દબાણ શરૂ કર્યું હતું.

આ સમયે પતિએ બેંકની નોકરી છોડી પોતાના નામે શેરબજારમાં કામકાજ શરૂ કર્યું હતું, પરંતુ તેમા નવ મહિનામાં નુકસાની થતા લેણદારો ઘરે આવી પઠાણી ઉઘરાણી કરતા હતા. ત્યાર બાદ પતિએ સ્કૂલનો ધંધો ચાલુ કર્યો હતો. તેમાં પણ કોરોનાનો સમય ચાલુ થતા સ્કૂલ બંધ કરવી પડી હતી. તે પછી બેકાર બની ગયેલા પતિ રશેષે તારા મોટા પપ્પાને કહી તારા ભાગની મિલકત તારા નામે કરાવી લે, એટલે મને ખબર પડે કે મારે કમાવું કે નહિ તેમ કહી પોતાને 2020માં રાજકોટ મૂકી ગયા હતા અને જો તારા નામે મિલકત ન કરે તો તું મારા ઘરમાં પગ ન મૂકતી. પતિ, સાસુ, દિયરના માનસિક ત્રાસથી કંટાળી અંતે ફરિયાદ કરી છે.

છાનગપતિયા પકડવા સોશિયલ મીડિયામાં ખોટું આઇડી બનાવી પતિના કરતૂત પકડ્યાં
પરિણીતાની ફરિયાદમાં, પતિ રશેષ રંગીલા સ્વભાવનો હોય અન્ય મહિલાઓના સંબંધો અંગે પૂછતા તે દરેક વખતે વાતને ટાળી દેતા હતા. દરમિયાન પતિના છાનગપતિયા પકડવા પોતે સોશિયલ મીડિયામાં ખોટું આઇડી બનાવી પતિ સાથે વાતચીત શરૂ કરી હતી. તે વખતે પતિએ પંજાબી છોકરી સાથેના સંબંધોની વાત કરી હતી. એટલું જ નહિ પતિ પોતાને મળવા માટે અમદાવાદ બોલાવતા હતા. ત્યારે આપણા સંબંધોની તારા પત્નીને ખબર પડશે તો તું શું કરીશ તેવું પૂછતા તેને એવું કહ્યું કે, પોતે પત્નીને છોડી દેવા તૈયાર છે. આ વાત થયા બાદ પોતે ભાઇ સાથે અમદાવાદ જઇ પતિના કરતૂતનો ભાંડા ફોડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment