મુન્દ્રા 376 કરોડ હેરોઇન કેસ:પંજાબની જેલમાં બેઠેલા બુટાખાને UAEના તારીક પાસેથી મંગાવ્યો હતો માલ - Alviramir

મુન્દ્રા 376 કરોડ હેરોઇન કેસ:પંજાબની જેલમાં બેઠેલા બુટાખાને UAEના તારીક પાસેથી મંગાવ્યો હતો માલ

ભુજ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાત ATS તપાસ માટે ફરીદકોટ જેલમાં ગઈ ત્યારે બુટાખાને નેટવર્ક છુપાવવા સિમકાર્ડ તોડી નાખ્યું
  • ભારત કાપડની નિકાસ કરે છે ત્યારે દુબઈથી કાપડ આવતા શંકા ગઈ : દોઢ મહિના સુધી કોઈ કન્ટેઇનર લેવા ન આવ્યું જેથી દરોડો પાડ્યો

મુન્દ્રા પોર્ટ પર તાજેતરમાં ગુજરાત એટીએસની ટીમે કાર્યવાહી કરીને રૂ. 376 કરોડની કિંમતનું 75 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું.જે કેસમાં ગુજરાત એટીએસની ટીમે પંજાબમાં ધામા નાખીને તપાસનો દોર શરૂ કર્યો છે જેમાં પંજાબની ફરીદકોટ જેલમાં બેઠેલા બુટાખાને UAEના તારીક પાસેથી આ માલ મંગાવ્યો હોવાનું સામે આવતા એટીએસ તપાસ માટે જેલમાં ગઈ ત્યારે આરોપીને ભનક આવી જતા તેણે પોતાનું સીમકાર્ડ તોડી નાખ્યું હતું.

મહત્વની વાત એ છે કે,ભારત કાપડની નિકાસ કરે છે ત્યારે દુબઈથી કાપડ આવતા શંકા ગઈ હતી જેથી ત્યારથી જ એજન્સીઓ આ માલ લેવા કોણ આવે છે તેની ફિરાકમાં હતી પણ દોઢ મહિના સુધી કોઈ કન્ટેઇનર લેવા ન આવ્યું જેથી દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપેન ભદ્રનને પંજાબ પોલીસ તરફથી બાતમી મળી હતી કે મુન્દ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડ્યું છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે અને આ કન્ટેનર મુંદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે.

જે બાતમીના આધારે શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વિગેરેની માહિતી મેળવી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.મુન્દ્રા ખાતે સંદિગ્ધ કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસ (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે લોકેટ કરવામાં આવ્યું જે કન્ટેઇનરની ઝડતી લેતા તેમાં લગભગ 4 હજાર કિલો કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.

જે કાપડ 540 રોલમાં વીંટાળેલ હતું. જે કાપડના રોલ્સની ઝીણવટભરી તપાસ કરતા 540 કાપડના રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલ કુલ 75.300 કિલો શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો.જેને સ્થળ ઉપર હાજર F.S.L. મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલ માદક પદાર્થ હાઈ પ્યોરીટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતું.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં.રૂ.376.5 કરોડની થાય છે.

જે અંગે ગુજરાત એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ જથ્થો યુએઇના અજમાન ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને પંજાબ મોકલવાનો હતો.એટીએસની ટીમે મૂળ સુધી પહોંચવા માટે પંજાબમાં ધામા નાખ્યા છે.

દરમ્યાન પંજાબના જાલંધરથી પ્રતિનિધિના અહેવાલ પ્રમાણે,હેરોઇન પંજાબની ફરીદકોટ જેલમાં કેદ અને માલેરકોટલાના કુખ્યાત દાણચોર એવા બુટા ખાન ઉર્ફે બગ્ગા ખાન દ્વારા મંગાવવામાં આવ્યું હતું.તેણે ફેબ્રિકની આયાત કરવાના બહાને મિત્ર દીપક કિંગરા મારફતે ડીલાઈટ ઈમ્પેક્સ પેઢીના એક્સપોર્ટ લાયસન્સનો ઉપયોગ આ માલ મંગાવવા માટે કર્યો હતો. હેરોઈનનો સોદો દુબઈમાં બેઠેલા તારિક અહેમદ મારફતે થયો હતો તેણે આ માલ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSની ટીમ માલેરકોટલા પહોંચી અને ત્યાં ડીલાઈટ ઈમ્પેક્સ પેઢીના માલિક દીપક કિંગરા અને તેના પરિચિતની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ ખુલાસો થયો હતો. બુટા ખાન એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે,બુટા ખાને હેરોઈનના રૂપિયા કેવી રીતે આપ્યા,આ સિન્ડિકેટમાં કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.આગામી સમયમાં વધુ નવા ખુલાસાઓ થાય તેવી વકી સેવાઇ છે.

પંજાબ માટે હેરોઇન મંગાવવા માફિયાઓની પહેલી પસંદગી મુન્દ્રા પોર્ટ
ડ્રગ્સની બદી માટે પંજાબ કુખ્યાત બની ચૂક્યું છે પણ આ સ્થળે ડ્રગ્સ પહોંચતો કરવા માટે મુન્દ્રા પોર્ટ પહેલી પસંદગી બની ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કારણકે 2019માં અમૃતસરની પેઢીએ મીઠાની આડમાં અહીં 532 કિલો હેરોઇન મંગાવ્યું હતુ.આ જ વર્ષે સર્ચ દરમિયાન અમૃતસરની કંપનીમાંથી 200 કિલો હેરોઇન મળ્યું હતું.

જે ઇટલીથી સીમરન સંધુએ મુન્દ્રા પોર્ટ મારફતે મોકલ્યું હતું તો સપ્ટેમ્બર 2021માં ઈરાનથી ટેલકમ પાવડરની આડમાં 3 હજાર કિલો હેરોઇન આવ્યું હતું જે પંજાબમાં વિતરણ થવાનું હતું.4 માસ પહેલા મુન્દ્રામાંથી મળેલા હેરોઇનકેસમાં અમૃતસરના સની દયાલનું નામ સામે આવ્યું હતું,તેના બે સાગરીતે એજન્સીઓને જણાવ્યું હતું કે,અગાઉ તેઓ 1 કવીંટલ હેરોઇન પોર્ટ મારફતે મંગાવી ચૂકયા છે.

સ્કેનિંગથી બચવા માટે આવી રીતે છુપાવાયું હતું હેરોઇન
આ હેરોઇન નો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વિંટાડેલ હતો તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારાપેક કરેલ હતો અને પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.

માલ મંગાવનાર દિપકને ભુજ કોર્ટમાં રજૂ કરાયો,10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
દરમ્યાન યુએઈથી માલ મંગાવનારા દિપક અશોક કિંગરા (રહે.સંગરુલ,પંજાબ)ની ગુજરાત એટીએસની ટીમે અટકાયત કરી છે.જેને રવિવારે સાંજે ભુજ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે ગુનાની ગંભીરતા સમજી આરોપીના 10 દિવસના 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

આરોપીએ અગાઉ કેટલીવખત માલ મંગાવ્યો છે,આંતરરાષ્ટ્રીય ડ્રગમાફિયાઓ સાથે સંડોવણી સહિતના મુદ્દે એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે.ગુજરાત એટીએસ તરફથી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ આ કેસમાં દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment