હાલોલએક કલાક પહેલા
- વિકેન્ડમાં લાખો માઈભક્તોએ માતાજીના દર્શન કર્યાં
- મંદિરની કાયાપલટ બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીનું એક મહાકાળી ધામ પાવાગઢનો વિસ્તાર અત્યારે તેના સોળે કળાએ ખીલેલા કુદરતી સૌંદર્યને કારણે માઇભક્તો સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્રે દર વિકેન્ડની રજાઓમાં લાખો ભક્તો અને પ્રવાસીઓ અહીંના સૌંદર્યનું રસપાન કરવા આવી રહ્યા છે.

કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ પાવાગઢ ઉમટી રહ્યા છે
કાયાપલટ બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં ઉછાળો
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરની કાયાપલટ કરવામાં આવ્યા બાદ અહીં આવનારા માઈ ભક્તો અને પ્રવાસીઓ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં વરસાદ બાદ સોળે કળાએ ખીલેલી વનરાજી અનેક લોકોને અહીં આવવા માટે આકર્ષી રહી છે. ડુંગર ઉપર વહેતા ઝરણાના ખળ-ખળ વહેતા નીર ડુંગરની ચટ્ટાનોને ચિરતા જંગલમાં ધોધ સ્વરૂપે ધરા ઉપર પ્રસરી રહ્યા છે, એ દ્રશ્ય જ મનમોહક અને આકર્ષિત લાગે છે, અહીં ના પ્રાકૃતિક સૌંદર્યને માણવા આવતું યુવાધન જંગલ ટ્રેકિંગ કરી આ ધોધ માં ન્હાવાની મજા લેવાનું ચુકતા નથી.

વરસાદ બાદ પાવાગઢમાં મનોરમ્ય દ્રશ્યો સર્જાયા છે
સેલ્ફી પોઈન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર
કુદરતે મન મુકીને વેરેલા અફાટ સૌંદર્ય ને કેમેરા માં કેદ કરવા માટે બનાવવામાં આવેલ સેલ્ફી પોઇન્ટ ઉપર ઘડી બે ઘડી પ્રવાસીઓ ઉભા રહી સેલ્ફી લેવાનું ચુકતા નથી, પરિવાર સાથે આવેલા કુટુંબ પણ પારિવારિક ગ્રુપ સેલ્ફી અને સામુહિક તસ્વીર લઈ પોતાની સાથે કુદરત ને કેમેરામાં કેદ કર્યા ની અનુભૂતિ કરી રહ્યા હોય છે. માતાજી ના મંદિર સુધી પહોચવા માચી સુધીના માર્ગને ફોરલેન કરવામાં આવ્યો છે, ત્યારે પછી વાહનોની અવર-જવર સુલભ અને સરળ બની છે. છતાં રજાઓના દિવસે પોલિસ તંત્ર દ્વારા માચીમાં પાર્કિંગ સુવિધા મર્યાદિત હોવાથી વાહનોને ઉપર જતા અટકાવી દેવામાં આવી રહ્યા છે.

જોખમી સ્થળે સેલ્ફી લેતા દેખાયા પ્રવાસીઓ
શક્તિપીઠ મહાકાળી ધામ ધાર્મિક સ્થળ અત્યારે ધાર્મિક ન રહેતા મોજ શોખનું પર્યટન સ્થળ વધુ બની રહ્યું છે, અહીં આવનારા કેટલાક પ્રવાસીઓ જાહેર માર્ગ ઉપર ઉભા રહી રીલ બનાવતા અને સેલ્ફી લેવાના સ્થળે જોખમી સેલ્ફી લેતા નજરે પડતા હોય છે.