યુવાધનને ટાર્ગેટ કરતા ડ્રગ્સ માફિયા:અમદાવાદના આશ્રમ રોડ પર સિટી ગોલ્ડની ગલીમાં એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો - Alviramir

યુવાધનને ટાર્ગેટ કરતા ડ્રગ્સ માફિયા:અમદાવાદના આશ્રમ રોડ પર સિટી ગોલ્ડની ગલીમાં એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો

અમદાવાદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં નશાકારક પદાર્થનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ આજનું યુવાધન પણ નશાના રવાડે ચડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શહેરમાં એક પેડલરને 31 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે SOGએ દબોચી લીધો છે. પેડલર આશ્રમ રોડ પર આવેલી મલ્ટીપ્લેક્સની ગલીમાં MD ડ્રગ્સનું વેચાણ કરતો હતો.

સિટી ગોલ્ડની ગલીમાં ડ્રગ્સનું વેચાણ
શહેરમાં SOG ક્રાઈમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી બાતમીદારોથી માહિતી મળી હતી કે આશ્રમ રોડ પર આવેલી સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સની ગલીમાં એક યુવક ખાનગી ગલીમાં MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જેથી SOG ક્રાઈમે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતા એક યુવક ડ્રગ્સની પડીકીઓ સાથે મળી આવ્યો હતો. આરોપીનું નામ રઈશ ઉર્ફે પટવા નાસીરખાન પઠાણ અને તે દાણીલીમડા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

ઝીપલોક થેલીમાં 3 લાખનું એમ.ડી ડ્રગ્સ મળ્યું
આરોપીની તપાસ કરવામાં આવતા તેની પાસેથી ઝીપલોક થેલીમાંથી 3 લાખથી વધુની કિંમતનું 31 ગ્રામથી વધુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપી યુવક આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે અંગે પુછપરછ કરતા તેણે આ ડ્રગ્સ તેના ભાઈ સોહેલ નાસીરખાન પઠાણ પાસેથી લાવી અમદાવાદમાં છુટક વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું. જેથી એસઓજી ક્રાઈમે આરોપી યુવકના ભાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સરખેજ પોલીસે અંબર ટાવર પાસેથી 31 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરી હતી.

પેડલર 2 વર્ષથી એમ.ડી ડ્રગનો બંધાણી
પેડલરની તપાસ કરતા તે છેલ્લા બે વર્ષથી એમ.ડી ડ્રગ્સનો બંધાણી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તે ડ્રગ્સનું વેચાણ પણ કરતો હોવાનું સામે આવ્યુ છે. સાથે જ તે હત્યા અને લૂંટ સહિત છ ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યુ છે. ઉપરાંત જેલવાસ દરમિયાન તેણે જેલ સિપાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. પેડલર પાસા પણ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, પેડલરનો સપ્લાયર ભાઈ સોહેલ પણ ગંભીર ગુનામાં સંડોવાયેલ છે. સોહેલ લાંબા સમયથી એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment