રજૂઆત:બિલ્ડરોએ વોંકળા દબાવ્યા એટલે ઘરોમાં પાણી ઘુસે છે - Alviramir

રજૂઆત:બિલ્ડરોએ વોંકળા દબાવ્યા એટલે ઘરોમાં પાણી ઘુસે છે

જૂનાગઢ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળશે, વિવિધ મુદ્દે વિપક્ષના કોર્પોરેટર કરશે રજૂઆત
  • પ્રાથમિક સુવિધા મુદ્દે શાસક પક્ષના કોર્પોરેટરો બોલતા નથી તે જ ગામની મોટી સમસ્યા છે,તળાવ બ્યુટિફિકેશનના નામે માત્ર કન્સલ્ટન્ટ એજન્સી કમાય છે, એલઇડી ટેન્ડર શા માટે પેન્ડિંગ રખાયું?

મંગળવારે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે. આ બોર્ડમાં વિપક્ષના કોર્પોરેટરો પ્રજાના વિવિધ પ્રશ્નોને લઇ રજૂઆત કરી કરેલી કામગીરીનો જવાબ માંગશે. આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાનો ટેક્ષ ભરવા છત્તાં પ્રજાને પ્રાથિમક સુવિધા મળતી નથી. જોકે, આ માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓએ અવાજ ઉઠાવવો જોઇએ. પરંતુ જૂનાગઢની જનતાની કમનસીબી છે કે, શાસકપક્ષના કોર્પોરેટરો બોર્ડમાં કંઇ બોલી શકતા નથી. પરિણામે પ્રજાની સમસ્યા ઠેરની ઠેર રહી જાય છે.

વર્ષોથી શહેરના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની માત્ર વાતો થાય છે અને કન્સલ્ટન્ટ એજન્સી કમાઇ છે, પરંતુ કામ થતા નથી. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે કારણ કે, બિલ્ડરોએ વોકળા દબાવ્યા છે. આ ઉપરાંત રસ્તાની પણ સમસ્યા છે. ત્યારે શાસકપક્ષના કોર્પોરેટરો રજૂઆત કરી શકતા ન હોય વિપક્ષના કોર્પોરેટરો પ્રજાના વિવિધ પ્રશ્ને રજૂઆત કરી શાસકપક્ષે કરેલા કામોની વિગતો માંગશે. ઉપરાંત પેન્ડીંગ એલઇડી ટેન્ડરનો પણ જવાબ માંગશે. આમ, મંગળવારે મળનાર જનરલ બોર્ડમાં શાસકપક્ષને વિવિધ પ્રશ્ને વિપક્ષ બરોબરનો ભિડવશે તેમ લાગી રહ્યું છેે.

બિલ્ડરે 1 વર્ષથી વોકળો પૂરી દીધો, મનપાએ ખાલી નોટીસ આપી
જોષીપરાના ઓઘડનગરમાં વેસ્ટર્ન પાર્ટી પ્લોટની પૂર્વ દિશામાં બિલ્ડરે 1 વર્ષથી વોકળો દબાવી દીધો છે.મનપા દ્વારા 2021માં અને 2022માં બીજી વખત નોટીસ આપી 5 દિમાં દબાણ હટાવી લેવા તાકીદ કરાઇ છે. જોકે, માત્ર નોટીસો જ અપાતી હોય અને કોઇ કારણોસર કાર્યવાહી થતી ન હોય બિલ્ડરોને નોટીસનો ભય રહ્યો નથી. ઝાંઝરડા રોડમાં પણ વોકળા પરના દબાણના કારણે વરસાદી પાણી ભરાતા હોય કમિશ્નર જાણ કરાઇ હતી.જોકે, શું કાર્યવાહી કરાઇ તેની આજદિન સુધી જાણ કરાઇ નથી. ત્યારે બોર્ડમાં આ મામલે થયેલી કામગીરીનો પણ હિસાબ મંગાશે.

કન્સલ્ટન્ટ એજન્સીને 20 લાખથી વધુ રકમ ચૂકવાઇ
નરસિંહ મહેતા સરોવર માટે છેલ્લા 7 વર્ષથી બજેટમાં રકમ ફાળવાઇ છે અને બ્યુટિફિકેશનના ગાણાં ગવાય છે પરંતુ કામ શરૂ થતું નથી. અત્યાર સુધીમાં માત્ર કાગળ પર નકશા બનાવવામાં જ કન્સલ્ટન્ટ એજન્સીને અંદાજે 20 લાખ કરતા વધુ રકમ ચૂકવાઇ છે.ચૂંટણી આવે એટલે નરસિંહ તળાવ યાદ આવે છે પછી બ્યુટિફિકેશન- વિકાસની વાતો કરી મત મેળવી લે છે. બાદમાં આખો પ્રોજેક્ટ અભેરાઇ પર ચડાવી દેવાઇ છે. ત્યારે 2016-17થી બજેટમાં કેટલી રકમ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટે જોગવાઇ કરાઇ, કેટલાી વખત કન્સલ્ટન્ટ એજન્સી નિમાઇ અને તેને કેટલા રૂપિયાની ફિ ચૂકવાઇ તે તમામનો જવાબ મંગાશે. તેમ મંજુલાબેન પણસારાએ જણાવ્યુ છે.

રસ્તા રિપેરની કામગીરી ક્યારે કરાશે?
વોર્ડ નંબર 4 અને 6માં ભૂગર્ભ ગટર, ગેસની લાઇન માટે રસ્તા ખોદાયા હતા. આ અંગે કમિશ્નરને બે વખત પત્ર લખી જાણ કરેલ છે. ત્યારે રોડ રિપેરીંગની કામગીરીને લઇને સવાલ કરી જવાબ મંગાશે.

કોર્પોરેટરોની માત્ર પ્રેક્ષકના રૂપમાં હાજરી
પ્રજાના પ્રતિનિધીએ જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે. પરંતુ શાસકપક્ષના કોર્પોરેટરોમાંથી અમુકને બાદ કરતા મોટાભાગના કોર્પોરેટરો માત્ર મિટીંગ એલાઉન્સ મળે તે માટે જ પ્રેક્ષકના રૂપમાં હાજર રહે છે. ત્યારે તમામ પક્ષના કોર્પોરેટરો પોતાના વોર્ડની સમસ્યા માટે અધિકારી, પદાધિકારીઓ સાથે ચર્ચાકરી શકે તે માટે વિધાનસભાની જેમ ઝીરો અવર્સની ચર્ચા ગોઠવવી જોઇએ.

એલઇડી ટેન્ડર શા માટે પેન્ડિંગ રખાયું ?
શહેરની સ્ટ્રીટ લાઇટોમાંથી ટ્યુબલાઇટ કાઢી એલઇડી બલ્બ લગાવવાનું 57 લાખથી વધુનું ટેન્ડર પેન્ડીંગ શા માટે રખાયું તે મુદ્દે પણ જવાબ મંગાશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment