રાષ્ટ્રપતિપદની ચૂંટણી:ગુજરાતના પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 147, જાણો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કેવી રીતે નક્કી થાય છે મતનું મૂલ્ય? - Alviramir

રાષ્ટ્રપતિપદની ચૂંટણી:ગુજરાતના પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 147, જાણો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કેવી રીતે નક્કી થાય છે મતનું મૂલ્ય?

ગાંધીનગર3 કલાક પહેલા

રાષ્ટ્રપતિપદ માટે તારીખ 18 જુલાઈના રોજ મતદાનપ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે ગુજરાતમાં મતદાનની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. સંપૂર્ણ મતદાનની જવાબદારી મદદનીશ નિર્વાચન અધિકારી તરીકે સી.બી પંડ્યા અને રીટા મહેતા એમ બે અધિકારી સંભાળી રહ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાન કરવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ગુજરાતના પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 147
બંધારણ મુજબ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, સંસદનાં બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો મત આપવાને લાયક ઠરે છે. ગુજરાતના કુલ 182 ધારાસભ્ય છે, જે પૈકી પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય અંદાજિત 147 નક્કી કરવામાં આવ્યું છે.

કેવી રીતે ધારાસભ્યના મતનું મૂલ્ય મપાય છે
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે ત્યારે પ્રત્યેક રાજ્યના ચૂંટાયેલા પ્રત્યેક સભ્યના મતનું એક મૂલ્ય હોય છે. એક ધારાસભ્ય મતદાન કરે છે ત્યારે જે-તે સભ્યનું મૂલ્ય જે-તે ઉમેદવારમાં ઉમેરાય છે. આ મૂલ્ય નક્કી કરવા માટે બંધારણીય પદ્ધતિ એવી છે, જેમાં રાજ્યની કુલ વસતિ સંખ્યાને રાજ્યની કુલ વિધાનસભા સીટ વડે ભાગવામાં આવે છે. જે આંક આવે તેને ફરીથી એક વખત 1 હજાર વડે ભાગવામાં આવે છે ત્યારે મળતી પૂર્ણાંક કિંમત જ જે-તે ધારાસભ્યના મતનું મૂલ્ય દર્શાવે છે.

બંધારણની કલમ 55માં મતગણતરી નિર્દેશ
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વસતિના ધોરણે મતના મૂલ્યની એકરૂપતા જળવાય એ બાબતનો ઉદ્દેશ બંધારણની કલમ 55ની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. દરેક ધારાસભ્ય તેમજ સાંસદના મતનું મૂલ્ય આંકવા માટેની ગણતરી પણ આ કલમની અંદર જ નિર્દેશ કરવામાં આવી છે.

નવી વસતિ ગણતરી ભારત સરકારના રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયા બાદ ગણાશે
મતદાન માટે હાલ જે વસતિ ગણતરી કરવામાં આવે છે એ વર્ષ 1971 મુજબ કરવામાં આવે છે. વર્ષ 1971 મુજબ ગુજરાત રાજ્યની વસતિ 2.75 કરોડ છે, જ્યારે સભ્યના મતનું મૂલ્ય પણ 2.75 કરોડની વસતિને આધીન જ કરાયું છે. જોકે વર્ષ 2026 પછી જે વસતિ ગણતરી થાય અને નવી વસતિની સંખ્યા ભારત સરકારના રાજ્યપત્રમાં પ્રસિદ્ધ નહીં થાય ત્યાં સુધી જૂની વસતિ ગણતરી પ્રમાણે જ મતનું મૂલ્ય નક્કી કરવામાં આવશે.

ગુજરાતની મતપેટી માટે પ્લેનમાં વિશેષ સીટ બુક કરાવાશે
ચૂંટણીપંચની ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ મતપેટી વિમાનમાં વિશેષ સીટ પર લઈ જવી. આ નિયમ મુજબ ગુજરાતના મદદનીશ નિર્વાચન અધિકારી રાજ્યસભાના સેક્રેટરી જનરલને મતપેટી આપવા જશે. આ પ્રક્રિયા માટે મતપેટીને એક્ઝિક્યુટિવ અથવા તો ફ્રંટ રોમાં સીટ બુક કરાવી મતપેટી લઈ જવાશે. આ પ્રક્રિયા પાછળનો હેતુ એ છે કે મતપેટીને કોઈપણ રીતે નુકસાન ન થાય.

ગુજરાતના ધારાસભ્યો વિધાનસભા ખાતે મતદાન કરશે
શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે વિધાનસભાના ચોથા માળે તમામ ધારાસભ્યો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. લોકસભા તથા રાજ્યસભાના સભ્યો દિલ્હી ખાતે મતદાન કરશે.

કોણ છે NDA અને વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવારો?
દેશના આગામી રાષ્ટ્રપતિપદ માટે NDA દ્વારા ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામ પર પસંદગી કરવામાં આવી હતી. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યશવંત સિન્હાને વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરાયા હતા.

નોંધ: વિધાનસભાના બંધારણીય હોદ્દા પર બેઠેલા અધિકારીએ આપેલી માહિતી અનુસાર

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment