ગાંધીનગર37 મિનિટ પહેલા
- કૉપી લિંક

દ્રૌપદી મૂર્મુ – ફાઇલ તસવીર
- 178 મત પડતાં ગુજરાતમાંથી 100 ટકા મતદાન પૂર્ણ થયું
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેનાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આમ તો 61 ટકા મત મેળવે તેવી શક્યતા છે, પરંતુ ભાજપે એક પણ તક જવા ન દેવાના ઇરાદે પોતાના ધારાસભ્યોને મતદાન પૂરું ન થાય ત્યાં સુધી વિધાનસભા સંકુલ ન છોડવા આદેશ કર્યો હતો. બીજી તરફ એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખૂલીને ક્રોસ વોટિંગ કર્યું હતું.
મતદાન માટે ધારાસભ્યોને ચૂંટણી પંચે આપેલી કલમ દ્વારા જ પોતાના પસંદગીના ઉમેદવાર સામે નિશાન કરવાનો નિયમ છે. ભૂલથી પણ કોઈ ધારાસભ્યે તે કલમ સિવાય અન્ય પેનથી વોટ ન આપ્યો હોય તેની કાળજી પણ પાર્ટીના ત્રણ મતદાન એજન્ટ એવા મુખ્ય દંડક પંકજ દેસાઈ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કુબેર ડિંડોરે રાખી હતી.
ભાજપે આ પ્રક્રિયા માટે ખાસ સંગઠનમાંથી પણ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાને આ પ્રક્રિયામાં વોચ રાખવા નિયુક્ત કર્યા હતા. તે ઉપરાંત મુખ્ય દંડકની ઓફિસમાંથી વહેલી સવારથી ભાજપ ધારાસભ્યોને મતદાન શરૂ થયાના એક કલાક પહેલા વિધાનસભા સંકુલે પહોંચી જવાની સૂચના ફોનથી અપાઈ હતી. ભાજપના એક નેતાએ કહ્યું કે, સાવચેતી રાખવી જરૂરી હતી, કારણ કે ઘણા ધારાસભ્યો નવા હોવાથી તેઓ કોઈ ભૂલ કરી બેસે તેવી વકી હતી. ઉપરાંત ક્રોસ વોટિંગ કરી શકે તેવા ધારાસભ્યો પર પણ દેખરેખ રખાઈ હતી.
મારા કામ કરે તેવી પાર્ટી માટે વોટ આપ્યો: જાડેજા
એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાની પાર્ટીએ યુપીએના ઉમેદવાર યશવંત સિંહાને જાહેર કરેલું સમર્થન અવગણ્યું હતું. તેમણે એનડીએનાં દ્રૌપદી મુર્મૂને મત આપ્યો અને પછી કહ્યું કે, મારા કામ થાય તેવી પાર્ટીની તરફેણમાં મેં મત આપ્યો છે. જોકે તેમણે ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
BTPના ધારાસભ્યે પાનાં ન ખોલ્યાં
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ સીધી રીતે પાના ન ખોલ્યાં. તેમણે કહ્યું, ગરીબોનું કામ થાય તેવી પાર્ટીમાં મત આપ્યો છે. જોકે વસાવા અને તેમના ધારાસભ્ય પુત્ર મહેશ વસાવાએ દ્રોપદી મુર્મુને વોટ આપ્યો હોવાનું ભાજપના સૂત્રોએ કહ્યું હતું.
કોંગ્રેસના મોહન વાળાનો છેલ્લો મત
કોંગ્રેસના કોડિનારના ધારાસભ્ય મોહન વાળાએ છેલ્લો મત નાખ્યો અને 178 મત પડતાં ગુજરાતમાંથી 100 ટકા મતદાન પૂર્ણ થયું. પિતાનું અવસાન થયું હોવાથી તેઓ મોડા પહોંચ્યા હતા. ઊંઝા, દ્વારકા, ભિલોડા, ખેડબ્રહ્મા બેઠક ખાલી હોવાથી હાલ 178 ધારાસભ્ય છે.
નથવાણીએ ગુજરાતમાંથી મતદાન કર્યું
આંધ્રપ્રદેશની રાજ્યસભાની બેઠક પરથી ચૂંટાયેલા પરિમલ નથવાણીએ ખાસ કિસ્સામાં અનુમતિ માગીને ગુજરાતમાંથી મતદાન કર્યું હતું. તેમને આ ચૂંટણી માટે અલગથી લીલું બેલટ પેપર અપાયું હતું, જ્યારે બાકીના તમામ મતદાતા એવા ગુજરાતના ધારાસભ્યોએ ગુલાબી મતપત્રમાં મતદાન કર્યું હતું.