રૂબરૂ કાર્યક્રમ:બિસ્માર રસ્તા, ઊભરાતી ગટરો, પાણીના ભરાવાથી ત્રાસેલા લોકોએ કહ્યું, સ્માર્ટ સિટી નથી જોઇતું, જૂનું વડોદરા પાછું આપો - Alviramir

રૂબરૂ કાર્યક્રમ:બિસ્માર રસ્તા, ઊભરાતી ગટરો, પાણીના ભરાવાથી ત્રાસેલા લોકોએ કહ્યું, સ્માર્ટ સિટી નથી જોઇતું, જૂનું વડોદરા પાછું આપો

વડોદરા19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘રૂબરૂ’માં વિપક્ષનાં નેતા અમી રાવત, કોર્પોરેટર બાળુ સુર્વે અને પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ હાજર રહ્યાં હતાં.

  • શહેરમાં સમસ્યાઓના એપી સેન્ટર ગણાતા વોર્ડ નં.6, 7 અને વોર્ડ નં. 13, 14, 15ના લોકોએ પોતાના પ્રાણપ્રશ્નોને ‘રૂબરૂ’માં વાચા આપી
  • લોકોએ રોષ ઠાલવતાં કહ્યું વિકાસ મતદાનલક્ષી છે, સર્વાંગી વિકાસ નથી

લોકોની સમસ્યાઓથી ચૂંટાયેલા કોર્પોરેટરો રૂબરૂ થાય તે માટે સમસ્યાઓના એપી સેન્ટર ગણાતા વોર્ડ નં.6-7 અને વોર્ડ નં.13,14,15ના નાગરિકો માટેના રૂબરૂ કાર્યક્રમનું આયોજન દિવ્ય ભાસ્કર દ્વારા પોલોગ્રાઉન્ડ નજીકના લાડભવન ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કર દ્વારા આમંત્રણ આપવા છતાં જનસમસ્યાઓને જાણવા પાંચેય વોર્ડમાંથી એકેય ભાજપી કોર્પોરેટર ફરક્યા ન હતા. જેનાથી રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે તેઓ કયા મોંઢે આવશે. કોર્પોરેટરોએ હજી સુધીના રૂબરૂ કાર્યક્રમોમાં આવતાં પાલિકાના અધિકારીઓને પણ અટકાવ્યા હતા. આ પાંચેય વોર્ડના લોકોએ પોતાના પ્રાણપ્રશ્નોને ‘રૂબરૂ’માં વાચા આપી હતી.

અન્ય અા પણ સવાલો હતા
1 વલ્લભ વાટિકાથી ડી માર્ટ- ગાજરાવાડી સુધીના રસ્તે નહીવત્ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જાય છે. > દેવાંગ ઘાસકડવી, વોર્ડ નં.6
2 સ્ટ્રીટલાઇટ માટે અરજી કરી હતી, પણ ફંડ નથી તેવો જવાબ મળ્યો. તાયફાઓ કરવા બજેટ છે પણ લોકો માટે નથી. > પિયુષ રામાણી, વોર્ડ નં. 13
3 લઘુમતી િવસ્તારોને અન્યાય થઇ રહ્યો છે. રોડ, ડ્રેનેજની સમસ્યા છે. સ્માર્ટ સિટી નથી જોઇતું, જૂનું વડોદરા પાછું આપો. > જુનેદ સૈયદ, વોર્ડ નં. 14
4 કહાર મહોલ્લા, ખારવાવાસમાં પીવાના-ગંદા પાણીની સમસ્યા છે. > દિનેશ કહાર, વોર્ડ નં. 13

પ્રતાપ વસાણી, વોર્ડ 6
શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા છે. રખડતા ઢોરો દોડતા વૃદ્ધો અને બાળકો ફફડી જાય છે. કોર્પોરેટરોની મહેરબાનીથી વારસિયા પોલીસ સ્ટેશનથી સિંધુસાગર સુુધી ઝુપડપટ્ટીઓ ઊભી થઇ રહી છે.

જાગૃતિ જોશી, વોર્ડ 12
નર્મદાભવન ખાતેના જનસેવાકેન્દ્રમાં આવકના દાખલા માટેની લાંબી લાઇનો લાગે છે. આ ઉપરાંત તે ઝડપથી નીકળતા પણ નથી. અમારા વિસ્તારામાં પાણી ભરાવાની પણ મોટી સમસ્યા છે.

ભરતસિંહ ચૌહાણ, વોર્ડ 13
અલકાપુરી ગરનાળા પાસે ગાયત્રી ચેમ્બર પાસેની 18 દુકાનો 2017માં તોડી પડાઇ હતી. 2018માં આ દુકાનદારોને માલિકીની દુકાનના બદલામાં નવી દુકાનોનો ઠરાવ થયો હતો પણ કાર્યવાહી થઇ નથી.

હેમાંગિની કોલેકર, વોર્ડ – 14
રામનાથ સ્મશાનનો રસ્તો બિસ્માર હાલતમાં છે તેને નવેસરથી બનાવવો. રૂપારેલ કાંસ પાસેના ગાજરાવાડીથી ડી માર્ટ સુધીના રસ્તા પર કાંસ પર આવેલા દબાણો દૂર કરવા અને સફાઇ અનિવાર્ય છે.

અમીત ઘોટીકર, વોર્ડ 6
વડોદરા અને શહેર બહારના હાઇવેના બંને પ્રકારના રસ્તાઓ એક જ ડામરમાંથી બનાવવામાં આવે છે. તો શહેરના રસ્તાઓ કેમ વહેલા તૂટી જાય છે. શહેરમાં ખાડાઓ એટલા છે કે સ્પીડબ્રેકરની જરૂર નથી.

હસમુખ પરમાર, વોર્ડ 13
બકરાવાડી અને આસપાસના વિસ્તારમાં ગેસના થતા આડેધડ ઉઘરાણા સામે આંદોલન ચલાવ્યું તો મારુ બિલ રૂ.10000 જેટલું આવ્યું. 10 વર્ષ બાદ હવે પોલીસને સાથે રાખીને લોકો પાસે પઠાણી ઉઘરાણી કરાય છે.

દેવાંગ ઠાકોર, વોર્ડ 13
બદામડી બાગ પાસેના ઇન્દુક્લાસ પાસે ટ્રાફિક જામ થાય છે. એજ રીતે શ્રેયસ સ્કૂલ પાસેનો રસ્તો વારંવાર તૂટી જાય છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા થાય છે અને અકસ્માત થવાનું અહીં જોખમ વધી જાય છે.

કલ્પનાબેન મિસ્ત્રી, વોર્ડ – 14
વડોદરામાં વિધવા મહિલાઓ માટે પેન્શનની યોજના ચાલે છે. પણ વિધવા પેન્શન માટે મહિલાઓને ખાસી મુશ્કેલી સહન કરવી પડે છે. આ અંગે વારંવાર અમે રજૂઆતો કરી છે. પણ ઉકેલ આવતો નથી.

સતીષ મોચી, વોર્ડ 10
વડોદરામાં અત્યાર સુધી કેટલી ટીપી પડી છે. એક ટીપીમાં કઇ કઇ સુવિધાઓ આપવામાં આવે છે. વડોદરામાં આવી ટીપી પડ્યા બાદ લોકોને આવી સુવિધાઓ આપવામાં આવી છે. આટલું જ મારે જાણવું છે.

ભરત રાજપૂત, વોર્ડ 13
પાલિકા દ્વારા નવા કોમર્શિયલ બાંધકામોને પાર્કિંગની સગવડ વિના મંજૂરી અપાતી નથી. પણ અહીં બેંક ઓફ બરોડાની ગલી જ માંડ આઠ ફૂટ પહોળી છે. પણ પાર્કિંગને લીધે ગલી સાંકડી થઇ જાય છે.

અશોક દાયગુડે, વોર્ડ 14
વોર્ડ નં.14માં પાણી ભરાવાની સમસ્યા છે. કાંસ સાફ કરવા માટે પાલિકાના કોઇ કર્મચારીઓ આવતા નથી. જેના લીધે આ વિસ્તારમાં પાણીનો ભરાવો થઇ જાય છે અને લોકોને પારાવાર હેરાનગતિ થાય છે.

આઇડી પટેલ, વોર્ડ 15
રૂપારેલ કાંસમાં 365 દિવસ ડ્રેનેજના ગંદાપાણી જાય છે. કલાદર્શન, સરદાર એસ્ટેટ અને કપૂરાઇમાં એસટીપી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પણ પાલિકા હજીય ગંદા પાણી રૂપારેલ કાંસમાં જ છોડી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment