રૂબરૂ કાર્યક્રમ:રૂબરૂનો પડઘો, અંતે સફાઈ ઠેકેદાર બ્લેકલિસ્ટમાં - Alviramir

રૂબરૂ કાર્યક્રમ:રૂબરૂનો પડઘો, અંતે સફાઈ ઠેકેદાર બ્લેકલિસ્ટમાં

ભુજ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે વોર્ડ વાઈઝ ગોઠવેલા કાર્યક્રમમાં મોટાભાગના લોકોની બહુધા સફાઈની ફરિયાદો હતી

દિવ્ય ભાસ્કર દ્વારા લોકોની સમસ્યાને વાચા અાપવા માટે લોકોને સીધા ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોથી રૂબરૂ કરાવી દેવાના હેતુથી રવિવારે રૂબરૂ કાર્યક્રમનું અાયોજન કર્યું હતું, જેમાં 26મી જૂને વોર્ડ નંબર 1, 2, 3, 4, 5માં, 10મી જુલાઈના વોર્ડ નંબર 6, 7, 8 અને છેલ્લે 17મી જુલાઈના વોર્ડ નંબર 9, 10, 11ના લોકોને મંચ પૂરો પાડ્યો હતો.

દરેક કાર્યક્રમમાં અેકસૂરે સફાઈની ફરિયાદોનો ધોધ વહ્યો હતો, જેથી ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે રવિવારે અોદિચ્ય બ્રહ્મ સમાજની વાડીમાં યોજાયેલા રૂબરૂ કાર્યક્રમ દરમિયાન બંને સફાઈ કામદારોને બ્લેકલીસ્ટમાં મૂકી દેવાશે અેવું જણાવ્યું હતું.

રવિવારે સવારે 10.30 વાગે વરસતા વરસાદ વચ્ચે પણ લોકો ધીરેધીરે રૂબરૂ કાર્યક્રમમાં અાવવા લાગ્યા હતા અને થોડા સમયમાં હોલ ખિચોખિચ ભરાઈ પણ ગયો હતો. કેટલાક લોકોને બેસવાની જગ્યા નહોતી મળી તો ઊભા રહીને પણ પોતાની સમસ્યા રજુ કરી હતી. રૂબરૂ કાર્યક્રમમાં મોટાભાગે સફાઈ, ગટર, રોડ, રોડ લાઈટ, રખડતા ઢોરોની સમસ્યા રહી હતી.

ચર્ચામાં વોર્ડ નંબર 9ના નગરસેવકો દિપ્તીબેન રૂપારેલ વતી મયંકભાઈ, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, દિવ્યરાજસિંહ જાડેજા, સાત્વિક ગઢવી, વોર્ડ નંબર 10ના નગરસેવકોમાં રસીલાબેન પંડ્યા, ફાલ્ગુનીબેન ગોર, કશ્યપ ગોર, ખુદ નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, વોર્ડ નંબર 11ના નગરસેવકોમાં ક્રિષ્નાબા જાડેજા, બિંદીયાબેન ઠક્કર, અશોક પટેલ, ધર્મેશ જોષી હાજર રહ્યા હતા અને જાગૃત નાગરિકો જોડે સમસ્યાનો ઉકેલ લાવવા સંવાદ કર્યો હતો.

સોસાયટીના ડેવલોપર્સના વાંકે રોડ વિના હાલાકી
ભક્તિપાર્ક, નીલકંઠનગરના રહીશે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા 14 વર્ષથી રોડ બનાવી શકી નથી. તેમણે સફાઈ મુદ્દે પણ સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. જેના જવાબમાં નગરપતિ અને નગરસેવકે જણાવ્યું હતું કે, કેટલાક ડેવલોપર્સ ચાર પાંચ પ્લોટ ખરીદે છે. નગરપાલિકાના ચોપડે ચડાવી દે છે. ત્યારબાદ મકાન બનાવી વેચી નાખે છે. હકીકતમાં અેવા રહેણાક મકાનોમાં રોડ રસ્તા સહિતની વ્યવસ્થા કરવાની જવાબદારી ડેવલોપર્સની હોય છે.

પરંતુ, નગરપાલિકાની જવાબદારી છે અેમ કહીને હાથ અધ્ધર કરી દે છે. ભાડા ધારે તો મંજુરી વખતે જ નિકાલ લાવી શકે. અે માટે નગરપાલિકા જોડે સંકલન સાધી શકે. જેના જવાબમાં રહેવાસીઅે જણાવ્યું હતું કે, નગરસેવકો સંકલન કરી અાપે. લોકોને તો દાદ મળતી નથી.

ઉકેલ અાવતો નથી, જેથી દિવ્ય ભાસ્કરે અે મુદ્દે હરકતમાં અાવવાની ખાતરી અાપી હતી અને અહેવાલો દ્વારા તંત્રને જાગૃત કરવા જણાવ્યું હતું. અેવો જ અેક પ્રશ્ન શ્રહરિપાર્કની ડ્રેનેજ અને પાણીની સમસ્યાનો અાવ્યો હતો, જેમાં ડેવલોપર્સે નાના સિંગલ જોડાણ લીધા હતા અને ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર બનતા ગટરની ચેમ્બર ઉભરાવવાની સમસ્યા વકરી હતી. જેનો કાયમી ઉકેલ માંગવામાં અાવ્યો હતો.

મહાનગરથી ગટરની સમસ્યા ઉકેલવા અેજન્સી બોલાવાઈ
નગરપતિઅે ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહાનગરથી અેજન્સી બોલાવાઈ હોવાની માહિતી અાપી હતી. જેના જોડે સોમવારે ચર્ચા વિચારણા
કરવામાં અાવશે.

મતદાનમાં ભાજપ સિવાય નોટા પણ વિકલ્પ
શિવકૃપાનગરના જાગૃત નાગરિકે મંડળ વતી જણાવ્યું હતું કે, રજુઅાતોની ફાઈલોનો નિકાલ નથી અાવ્યો. ફાઈલો સડવા લાગી છે. પરંતુ, ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી અેવું ન સમજતા. ઉકેલ નહીં અાવે તો મતદાન વખતે નોટાનો વિકલ્પ પસંદ કરશું. અા વાતને હળવાશથી ન લેતા. અેવું કરી બતાવશું. અમે વેરા ભરવા તૈયાર છીઅે. પરંતુ, કામ તો માંગશું.

માર્ગો ઉપર ઘાસચારો ન નાખો
રખડતા ઢોરોના પ્રશ્ન વખતે નગરપતિઅે જણાવ્યું હતું કે, માર્ગો ઉપર ઘાસચારો ન નાખો. પાંજરાપોળમાં દાન કરી અાવો. અે માટે કૈલાશનગર પાસે મંદિરમાં દાન પેટી રાખી ઘાસચારા માટે દાનની વ્યવસ્થા કરાઈ છે. અેવી વ્યવસ્થા દરેક શેરી મહોલ્લા, કોલોની અને સોસાયટી વિસ્તારના લોકો કરે.

વોર્ડ નંબર 9નો અેકેય પ્રશ્ન ન અાવ્યો
વોર્ડ નંબર 10 અને 11માં જાગૃત નાગરિકો અને સોસાયટીના મંડળો પણ પોતપોતાના વિસ્તારની સમસ્યા લઈને અાવ્યા હતા. પરંતુ, વોર્ડ નંબર 9નો અેકેય પ્રશ્ન અાવ્યો ન હતો. જે બાબતે અે વોર્ડના નગરસેવકોઅે હાશકારા સાથે ગાૈરવની લાગણી અનુભવી હતી કે, પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સફળ થયા છીઅે.

ચારે રિલોકેશન સાઈટમાં 9 કરોડના ખર્ચે રોડ બનશે
નગરપતિઅે જણાવ્યું હતું કે, ચોમાસા પછી ચારે રિલોકેશન સાઈટમાં 9 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવામાં અાવશે, જેથી રિલોકેશન સાઈટમાં રસ્તાના પેચવર્કનો પ્રશ્ન ઉકેલાઈ જશે. નવા રસ્તા બનતા થોડો સમય લાગશે. રાહ જોવી પડશે. કેમ કે, અે લાંબી પ્રક્રિયા છે. માત્ર નગરપાલિકા સ્તરેથી નથી થતી.

શિવકૃપાનગરના મંડળ-અાઈયાનગરના જાગૃત નાગરિકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો
સાૈથી વધુ શિવકૃપાનગરના પ્રશ્નો રહ્યા હતા, જેમાં મહિલા મંડળ અને મિત્ર મંડળના સદસ્યો અાવ્યા હતા અને પદાધિકારીઅોને અાડે હાથ લીધા હતા. તેમણે રોડ, પાણી, ગટર, સફાઈ સહિતના મુદ્દે ઉકેલ માંગ્યા હતા. નગરપતિઅે તેમની જાગૃતિને બિરદાવ્યા હતા અને સોસાયટીમાં મંડળ રચાય તો નગરસેવકો પણ જાગૃત રહે અેવું જણાવ્યું હતું. નગરપતિ મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ લાવવા પ્રયાસ કર્યો હતો. મંડળના સભ્યોની રજુઅાત વખતે અને નગરપતિના જવાબો વખતે અવારનવાર તાળીઅોના ગડગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો હતો. મતલબ, સમસ્યાના ઉકેલ માટે બંને પક્ષે હકારાત્મક વાર્તાલાપ રહ્યો હતો.

પાણીના ટાંકામાં બોલવાલ્વ લગાડો
શિવકૃપાનગરના જાગૃત નાગરિક અનિલ વૈદ્યે જણાવ્યું હતું કે, પાણીની સમસ્યાનો નિવેડો અાવી ગયો છે. પરંતુ, હવે લોકોના ઘરના ટાંકા છલકાઈ રહ્યા છે અને પાણી માર્ગો ઉપર વહી રહ્યા છે, જેથી જેમના પાણીના ટાંકા છલકાતા હોય અેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવા અનુરોધ છે. જેમના પાણીના ટાંકા છલકાતા હોય અેમના વીડિયો ઉતારવાની જવાબદારી નગરસેવકોને સોંપો. જે બાદ નગરપતિઅે તેમને હકારાત્મક પ્રતિસાદ અાપતા જણાવ્યું હતું કે, લોકો બોલવાલ્વ લગાડે. હવે મોટરથી પાણી ખેંચવાની જરૂર નથી. નગરપાલિકા અેકાંતરે પૂરતા દબાણ અને પૂરતા સમય સુધી પાણી પૂરું પાડે છે. નહીંતર ન છૂટકે દંડાત્મક કાર્યવાહી તરફ અાગળ વધવું જ પડશે.

નિવેડો ન અાવે તો દિવ્ય ભાસ્કરને વાકેફ કરવા ઈજન
દિવ્ય ભાસ્કરે વોર્ડ નંબર 1થી 11ના લોકોની સમસ્યાને વાચા અાપવા વોર્ડ વાઈઝ તબક્કાવાર રવિવારે કાર્યક્રમનું અાયોજન કર્યું હતું, જેમાં જેમણે જે સમસ્યા રજુ કરી હોય અને નગરપતિના વાયદા બાદ પણ લાંબા સમય સુધી ઉકેલ ન અાવ્યો હોય તો દિવ્ય ભાસ્કરને લેખિતમાં જાણ કરવા ઈજન છે, જેથી જવાબદારોના કાન અામળી શકાય.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment