રેડ સિગ્નલ:4 વર્ષથી થર્ડ પાર્ટી વીમો ન લેવાતાં કમાટીબાગની જોય ટ્રેન બંધ કરાઈ - Alviramir

રેડ સિગ્નલ:4 વર્ષથી થર્ડ પાર્ટી વીમો ન લેવાતાં કમાટીબાગની જોય ટ્રેન બંધ કરાઈ

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

કમાટીબાગની જોય ટ્રેન સહિતની રાઇડ પાલિકા દ્વારા બંધ કરાવાઈ હતી.

  • કરાર મુજબ 70 લાખ ન ભરતાં ઇજારદારને નોટિસ
  • ફાયર એનઓસી ન હોવાનો પણ આક્ષેપ, ઇજારો રદ કરવા માગ

શહેરીજનોને કમાટીબાગના દર્શન કરાવતી જોય ટ્રેનના ઇજારદારે 4 વર્ષથી અકસ્માત વીમા પોલિસી ભરી ન હોવાની વિગતો સપાટી પર આવતાં પાલિકા અને ઇજારદારની ગંભીર બેદરકારી છતી થઈ છે. ભૂલ સમજાતાં ભાનમાં આવેલા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ઇજારદારને નોટિસ ફટકારીને જોય ટ્રેન સહિતની બધી રાઈડ્સ બંધ કરાવી હતી.

કમાટીબાગમાં 2012માં જોય ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે જોય ટ્રેનના ઇજારદારે એમઓયુની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જોય ટ્રેનના ઇજારદારે નિયમો મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. જોકે ઇજારદારે 2019થી ઇન્સ્યોરન્સ લીધો ન હોવાનું સપાટી પર આવ્યું છે.

આ અંગે જાગૃત નાગરિક અમિત રાજે જણાવ્યું હતું કે, ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધી નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નથી. તદુપરાંત પાલિકા સાથે થયેલા કરાર મુજબ શેરિંગની 70 લાખથી વધુની રકમ પણ ઇજારદારે ભરી નથી. જેથી તાત્કાલિક ધોરણે ખોડલ કોર્પોરેશનનો ઇજારો રદ કરી કાર્યવાહી કરવામાં આવે.

ગાર્ડન વિભાગે શનિવારે ઇજારદાર ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી. જેમાં જોય ટ્રેન, રાઇડ્સ અને રિક્રિયેશનની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરી લાઇસન્સ, વીમા પોલિસી અને બાકી નીકળતી રેવન્યુ શેરિંગ રકમ જમા કરાવવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, જોય ટ્રેનના ઇજારદારે વીમા પોલિસી લીધી છે કે નહીં તે જોવાનું કામ પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગનું છે, જેમાં વિભાગની બેદરકારી અને બેજવાબદારી છતી થઈ છે. ત્યારે વિભાગના બેજવાબદાર અધિકારીઓ સામે પણ યોગ્ય પગલાં ભરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment