- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- People Living On The Banks Of The Vishwamitri River Live Under The Spell Of Fear, Saying: ‘Whenever A Crocodile Comes, One Has To Stay Up All Night’.
વડોદરા16 મિનિટ પહેલા
- જલારામનગરના લોકોને રખડતા કૂતરાઓ પણ મગરથી બચાવી રહ્યા છે
- નદી, કોતર, કાંસમાંથી રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચતા મગરોથી ડરનો માહોલ
- છેલ્લા એક સપ્તાહમાં વડોદરા શહેર-જિલ્લામાંથી 17 મગર પકડાયા
વડોદરા-શહેર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે નદી-નાળામાં આવેલા પાણીની સાથે મગરો પણ આવી ગયા છે. જેમાં ખાસ કરીને શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બારેમાસ વસવાટ કરતા મગરો વરસાદી પાણીની આવક શરૂ થતાં પોતાના કિનારાની મર્યાદાઓ ઓળંગી કિનારના રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. પરિણામે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો ભયના ઓથાર નીચે દિવસ-રાત પસાર કરી રહ્યા છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, અમે ભગવાન ભરોસે રાત પસાર કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ વડોદરા શહેર-જિલ્લામાંથી 17 જેટલા મગર પકડવામાં આવ્યા છે.

વિશ્વામિત્રી નદીમાં 280 જેટલા મગરોનો વસવાટ.
મગરોને પકડીને ફરી નદીમાં છોડી દેવામાં આવે છે
છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરના કારેલીબાગ હિરાવંતી ચેમ્બર, વાઘોડિયા રોડ પૂજા પાર્ક સહિત વિવિધ વિસ્તારોમાં તેમજ વડોદરા નજીક આવેલા ચાપડ, ચાણસદ જેવા ગામોમાં મગરો આવી ગયા હતા. જોકે, મગર રેસ્ક્યૂ કરતી સામાજિક સંસ્થાઓ દ્વારા મગરોને પકડી વન વિભાગમાં સોંપી દેવામાં આવ્યા હતા. વન વિભાગની મગર રેસ્ક્યૂ ટીમ દ્વારા પણ મગરોનો કોલ મળતા વિસ્તારમાં પહોંચી જાય છે અને મગરોનું રેસ્ક્યૂ કરી રહી છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી કાંસમાંથી પણ મગરો આવવાની શરૂઆત થતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

વિશ્વામિત્રી નદીના કોતરમાંથી આવી પહોંચતા મગર.
મગરોથી બચવા માટે સતત જાગૃત રહેવું પડે છે વડોદરાના ન્યુ વી.આઇ. પી. રોડ ઉપર આવેલા જલારામનગરમાં રહેતા હિતેશભાઈએ જણાવ્યું હતું કે, અમારા જલારામનગરની પાછળથી વિશ્વામિત્રી નદીનું કોતર પસાર થાય છે. આ કોતરમાંથી ગમે ત્યારે મગર ધસી આવે છે. ખાસ કરીને વર્તમાન ચોમાસાની ઋતુમાં મગરો ગમે ત્યારે ધસી આવે છે. અમારે સતત જાગૃત રહેવું પડે છે. ક્યારેક અમારા જલારામનગરમાં રખડતા કૂતરાઓ પણ મગરથી સાવચેત કરી દેતા હોય છે. હવે તો અમે જ મગરને પકડીને પાછો વિશ્વામિત્રીના કોતરમાં છોડતા થઇ ગયા છીએ.

મગરોથી ભયના ઓથાર નીચે જીવતા જલારામ નગરના રહીશો.
મગરોથી રક્ષણ આપવા પિંજરા મુકવા જરૂરી
જલારામનગર વિભાગ-1માં રહેતા કમલેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, જલારામનગરમાં મગરોનો અસહ્ય ત્રાસ છે. વિશ્વામિત્રીના કોતરના કિનારે આવેલા જલારામ નગરમાં કેટલાક વિભાગમાં લાઇટો પણ નથી, ત્યારે મગરના ડરથી રાત પસાર કરવી પડે છે. ગત સપ્તાહ દરમિયાન એક મગર ધસી આવ્યો હતો. આ મગરને સ્થાનિક યુવાનોએ પકડી પુનઃ કોતરમાં છોડી દીધો હતો. અમારી માંગણી છે કે, કિનારાના વિસ્તારોમાં પિંજારા મૂકવામાં આવે. જેથી કરીને કોઇ વ્યક્તિ મગરનો શિકાર બનતા અટકી જાય. અગાઉ મગરો દ્વારા કૂતરાઓનો પણ શિકાર કરવામાં આવ્યો છે. ત્યારે જલારામ નગરના લોકો મગરના ડરથી દિવસ-રાત પસાર કરી રહ્યા છે.

મગરના કારણે લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવે છે.
વહેલી સવારે આવેલા મગરે ગભરાટ ફેલાવી દીધો
બે દિવસ પહેલાં કારેલીબાગ હિરાવંતી ચેમ્બર્સમાં વહેલી સવારે મગર ધસી આવ્યો હતો. આ વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, જો વહેલી સવારે કૂતરાઓ ભસ્યા ન હોત તો મગર રહેણાંક વિસ્તારની અંદર પહોંચી ગયો હતો. કૂતરાઓ જોર જોરથી ભસતા હોવાથી સ્થાનિક લોકો જાગી ગયા હતા અને ભસી રહેલા કૂતરાઓ પાસે જતાં, તેઓએ મગરને જોયો હતો. આ મગર વરસાદી કાંસમાંથી આવી પહોંચ્યો હતો. અમારે હવે સતત સાવચેત રહેવું પડે છે. બાળકોને એકલા રમવા મોકલતા પણ ડર લાગી રહ્યો છે.

મગરનું રેસ્ક્યૂ કરતી ટીમ.
વરસાદી કાંસની ચેમ્બરમાંથી મગર આવી ગયો
વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે રહેતા કેતન પટેલે જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલાં પૂજા પાર્ક પાસેની વરસાદી કાંસમાંથી આવી પહોંચ્યો હતો. નાનો મગર હોવાથી તેનું મોંઢુ વરસાદી કાંસની ચેમ્બર ઉપર લગાવવામાં આવેલી લોખંડની જાળીમાં ફસાઇ ગયું હતું. લોખંડની જાળીમાં ફસાયેલા મગરને સ્થાનિક લોકોએ જોતા ગભરાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા રેસ્ક્યૂ ટીમ આવી પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદ લઇ મગરને પકડી ગયા હતા. મગરો હવે ગમે ત્યાંથી આવી પહોંચતા હોવાથી લોકોમાં ડર ઘૂસી ગયો છે.

પાણીના પ્રવાહમાં તણાઇ આવતા મગરો.
પાણીના પ્રવાહમાં મગરો તણાઇને રહેણાંક વિસ્તારમાં આવી જાય છે
પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છેલ્લી ગણતરી મુજબ 280 જેટલા મગરો વસવાટ કરી રહ્યા છે. ચોમાસામાં પાણીની આવક વધતા મગરો પાણીના પ્રવાહ સાથે રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને જ્યારે પાણી ઉતરી જાય ત્યારે મગરો સલામત સ્થળે બેસી જાય છે. મગરોને ખબર હોતી નથી કે, રસ્તાઓ ઉપર પાણી છે. જ્યારે નદીનું, કોતર, કાંસનું લેવલ એક સરખું થઇ જાય, ત્યારે મગરો પ્રવાહમાં રોડ ઉપર આવી જતા હોય છે અને જ્યારે પાણી ઓસરી જાય ત્યારે રોડ ઉપર ફરતા થઇ જાય છે અને તે મગરોને પકડી પુનઃ નદીમાં છોડી દેવામાં આવે છે.