વતનમાં આવી ગૃહમંત્રીએ બાળપણ યાદ કર્યું:અમિત શાહે બાળપણમાં વિદુરનીતિ વાંચી એ માણસાની લાયબ્રેરીનાં ત્રણ માળના બિલ્ડીંગને આજે ખુલ્લું મૂક્યું - Alviramir

વતનમાં આવી ગૃહમંત્રીએ બાળપણ યાદ કર્યું:અમિત શાહે બાળપણમાં વિદુરનીતિ વાંચી એ માણસાની લાયબ્રેરીનાં ત્રણ માળના બિલ્ડીંગને આજે ખુલ્લું મૂક્યું

ગાંધીનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માણસામાં અત્યાધુનિક સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે: અમિત શાહ
  • મહાત્મા ગાંધી પુસ્તકાલય અને સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ
  • અમિત શાહે ત્રણ વર્ષમાં 9 હજાર કરોડના વિકાસ કામોની ભેટ મતવિસ્તારને આપી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અને માણસાના વતની અમિત શાહે આજે માણસાને અનેક વિકાસકામોની ભેટ આપી હતી. મલાવ તળાવ પરિસરમાં માણસા-મકાખાડ રોડ પર માણસા નગરપાલિકા નિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે તેમણે મુખ્ય બજારમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, જે લાઈબ્રેરીમાં વિદુરનીતિ વાંચવાનો મોકો મળ્યો એજ લાઈબ્રેરીના ત્રણ માળના બિલ્ડીંગને ખુલ્લું મુકતા મને આનંદ અને સંતોષની લાગણી થઈ છે. આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હું છ મહિનાનો હતો ત્યારથી અહીં આવ્યો હતો: અમિત શાહ
આ પ્રસંગે ગૃહ મંત્રીએ અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે માણસા શિક્ષણ અને વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, આપણે એને જાળવી રાખવાનો છે. માણસાના સર્વાંગી વિકાસ માટે યુવાનોને આગળ આવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. વતનમાં આવીને પ્રસન્નતા વ્યક્ત કરતાં અમિતભાઈ શાહે કહ્યું હતું કે, 900 વર્ષથી હું આ ગામનો વતની છું. હું છ મહિનાનો હતો ત્યારે અહીં આવ્યો હતો અને અહીંની માટીમાં જ રમીને મોટો થયો છું. જે લાયબ્રેરીમાં નાનપણમાં હું ભારતનો ઇતિહાસ ભણ્યો છું, પંચતંત્રની વાર્તાઓ વાંચી છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શીખ્યો છું અને વિદુરનીતિ વાંચવાનો મોકો મળ્યો છે એ લાયબ્રેરીનું ત્રણ માળનું બિલ્ડીંગ આજે ખુલ્લું મુકતા મને આનંદ અને સંતોષની લાગણી થઈ છે.

ડૉ. મોહીલેના પ્રયત્નો અને ચંદુભાઈ મફાભાઈ શાહની સખાવતથી આ લાયબ્રેરી શરૂ થઈ હતી
આ તબક્કે તેમણે મહારાષ્ટ્રીયન ડૉ. મોહીલેને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, ડૉ. મોહીલેના પ્રયત્નો અને ચંદુભાઈ મફાભાઈ શાહની સખાવતથી આ લાયબ્રેરી શરૂ થઈ હતી. મારા દાદાજી આ લાયબ્રેરી ઘરે ચલાવતા હતા, ત્યારબાદ એ બજારમાં સ્થાપિત થઈ હતી. માણસાની આ લાયબ્રેરી આજે વિશ્વની 30 લાયબ્રેરીઓ સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાઈ છે. માણસાના યુવાનો બ્રિટિશ લાયબ્રેરી, અમદાવાદની એમ.જે. લાયબ્રેરી કે ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી સાથે અહીં બેઠા જોડાઈ શકશે. તા. 31 ઓગસ્ટથી માણસાની લાયબ્રેરી ઓનલાઈન થશે. આ પ્રકારે માણસાના યુવાનો લાખો પુસ્તકોનો લાભ લઈ શકશે.

માણસામાં અતિ આધુનિક સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ શરૂ થશે
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય દેશમાં કારખાના કેટલા છે, દેશની સેના કેટલી મોટી છે કે, દેશ કેટલો ટેક્સ વસૂલ કરે છે તેના પર આધારિત નથી, પરંતુ દેશમાં લાયબ્રેરીનો લાભ કેટલા યુવાનો લે છે તેના પરથી નક્કી થાય છે. પૂર્વજોના આશીર્વાદથી માણસાની લાયબ્રેરીની ક્ષિતિજો વિસ્તરી છે, માણસાની લાયબ્રેરીમાં આજે 10 કોમ્પ્યુટર છે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા થાય એટલે તરત જ 40 કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવશે. માણસાના યુવાનોને આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા તેમને અનુરોધ કર્યો હતો. માણસામાં નજીકના ભવિષ્યમાં જ અતિ આધુનિક સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે. આ માટે માણસાના નાગરિકોને જવાબદારી ઉઠાવી લેવા તેમને આહવાન કર્યું હતું.

આગામી બે વર્ષમાં માણસામાં કોઈ જ સુવિધા બાકી નહીં રહે
માણસાની દૈનિક દસ લાખ લિટર પાણીની જરૂરિયાતને પૂરી કરવા પાણી પુરવઠા યોજનાને આકાર અપાઈ રહ્યો છે. એટલું જ નહીં માણસા-બાલવા માર્ગ 40 કરોડના ખર્ચે ફોર લેન થઈ રહ્યો છે. માણસાની ગટર યોજનાનો રુ. 50 કરોડના ખર્ચે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અંદાજે 5 હજાર ટન ઘન કચરાના નિકાલની વ્યવસ્થા પણ માણસા નગરપાલિકાએ કરી છે. તેમણે કહ્યું હતું કે, આવનારા સમયમાં ખૂબ જ નજીકના ભવિષ્યમાં 13 પ્રકારની સહકારી યોજનાઓના લાભો માણસામાં સાકાર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં માણસામાં કોઈ જ સુવિધા બાકી ન રહે એવી વ્યવસ્થા કરવા માટે તેમણે સૌને આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment