વિશ્વ સર્પ દિવસ:સુરેન્દ્રનગરના કોચાડાના દિવ્યાંગ યુવાને 3000થી વધુ સાપ-અજગર પકડી નિર્જન જંગલમાં મુક્ત કર્યા - Alviramir

વિશ્વ સર્પ દિવસ:સુરેન્દ્રનગરના કોચાડાના દિવ્યાંગ યુવાને 3000થી વધુ સાપ-અજગર પકડી નિર્જન જંગલમાં મુક્ત કર્યા

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રણકાંઠામાં સૌ પ્રથમ વખત પકડાયેલા અજગર બાબતે આ દિવ્યાંગ યુવાનનું બહુમાન કરાયું હતુ

આજે વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરાઇ રહી છે, ત્યારે સાપ અને અજગરની વાત નિકળતા જ શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોચાડા ગામનો યુવાન દિવ્યાંગ હોવા છતાં ગમે તેવા ફૂંફાડા મારતા સાપને ખૂબ આસાનીથી પકડી પાડે છે. અત્યાર સુધીમાં આ વિકલાંગ યુવાને 3000થી વધુ સાપ અને અજગરને પકડીને નિર્જન સ્થળે લઇ જઇ મુક્ત કર્યા છે.

બાબુભાઇ કટારીયા માત્ર લોકોને સુરક્ષા પુરી પાડવા સાહસિક કામ કરે છે
આજે “વિશ્વ સર્પ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોચાડા ગામનો વતની અને હાલ ધોળકામાં રીક્શા ચલાવી પોતાનું અને દિકરા શ્રીપાલનું પેટીયું રળતો બાબુભાઇ કટારીયા હાથ અને પગથી વિકલાંગ હોવા છતાં ભયંકર ઝેરી અને ફૂફાડા મારતા સાપ અને અજગરને પકડી પાડવાની સાહસિક પ્રવૃત્તિ કરી રહ્યોં છે. હાથમાં લોખંડની પ્લેટો અને પગમાં સળીયા નાખેલા હોવા છતાં બાબુભાઇ કટારીયા માત્ર લોકોને સુરક્ષા પુરી પાડવા અને મૂંગા પ્રાણીઓને જીવતા રાખવા આ સાહસિક કામ કરે છે. અને સાપ, અજગર કે અન્ય ઝેરી જાનવરને પકડ્યા બાદ કોચાડાના બાબુભાઇ એની સવિશેષ કાળજી સાથે દૂર નિર્જન સ્થળે છોડી દે છે.

ત્રણ કલાકની જહેમત બાદ વિરાટકાય અજગરને ઝબ્બે કર્યો હતો
આ અંગેના ખોફનાક અનુભવની વાત કરતા બાબુભાઈ કટારીયા જણાવે છે કે, આજથી અંદાજે દશેક વર્ષ અગાઉ રણકાંઠાના કોચાડા ગામે સૌ પ્રથમ વખત 12 થી 15 ફૂટ લાંબો વિરાટકાય અજગર નિકળતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. સાપ પકડવામાં માહેર એવા બાબુભાઇ કટારીયાને ખેતમજૂરી કામ કરતા કરતા આ ઘટનાની જાણ થતાં એ પોતાના તમામ કામો પડતા મુકીને અજગરને ઝબ્બે કરવા ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ વિરાટકાય અજગરને ઝબ્બે કરવામાં અંતે સફળતા મળી હતી.

બે દિ’અગાઉ જ ઝેરી કિંગ કોબ્રાને ઝબ્બે કરી નિર્જન જંગલમાં મુક્ત કર્યો
સીમમાંથી પકડીને આ વિરાટકાય અજગરને કોચાડા ગામે લવાતા એને જોવા લોકો ઊમટ્યા હતા. ત્યારે કોથળામાં પુરેલા વિરાટકાય અજગરને લોકોને બતાવવા બહાર કાઢવા જતાં રાત્રીના અંધારામાં આ અજગરે ઝડકો મારી હાથમાંથી છુટી જતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. એ સમયે મેં હિંમત સાથે બેટરીના અજવાળે જ આ વિરાટકાય અજગરને ફરી ઝબ્બે કરતા લોકોન‍ા જીવમાં જીવ આવ્યોં હતો. હાથ અને પગથી વિકલાંગ એવા બાબુભાઇ કટારીયાએ બે દિ’અગાઉ જ ઝેરી કિંગ કોબ્રાને ઝબ્બે કરી નિર્જન જંગલમાં મુક્ત કરી દીધો હતો.

વિકલાંગ બાબુભાઇ કટારીયા આ વિસ્તારના લોકોના જીભે ચર્ચાતુ નામ બન્યું
રણમાં સૌ પ્રથમ વખત દેખા દિધેલા વિરાટકાય અજગરને ઝબ્બે કરનાર કોચાડાના હાથ અને પગથી વિકલાંગ બાબુભાઇ કટારીયાનું પાટડી તાલુકા પંચાયત દ્વારા શિલ્ડ આપી બહુમાન પણ કરવામાં આવ્યું હતુ. હાલમાં કોઇ જગ્યાએ સાપ કે અજગર જોવા મળે એટલે લોકો તરત જ બાબુભાઇ કટારીયાને યાદ કરી સાદ કરે છે. અત્યાર સુધીમાં 3000 જેટલા સાપ, અજગર સહિતના ઝેરી જીવ જંતુને ઝબ્બે કરી લોકોનો ડર દૂર કરનારા કોચાડાના વિકલાંગ બાબુભાઇ કટારીયા આ વિસ્તારના લોકોના જીભે ચર્ચાતુ નામ બનવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment