શહેરના પૂરનું પોસ્ટમોર્ટમ:નવસારીમાં પુરની તારાજી માટે કુદરતી કોપ સાથે તંત્રની લાપરવાહી પણ જવાબદાર - Alviramir

શહેરના પૂરનું પોસ્ટમોર્ટમ:નવસારીમાં પુરની તારાજી માટે કુદરતી કોપ સાથે તંત્રની લાપરવાહી પણ જવાબદાર

નવસારી2 કલાક પહેલાલેખક: ભદ્રેશ નાયક

  • કૉપી લિંક

હાલમાં આવેલ પૂર, ભારે વરસાદથી નવસારીના 50 ટકાથી વધુ વિસ્તારોમાં પાણીના ભરાવાની બોલતી તસવીર.

  • પાલિકાની સ્લૂઇસ ગેટ- પાળા બનાવવાની વાત વર્ષો સુધી માત્ર બજેટમાં, નદીના ડ્રેજીગ મુદ્દે રજૂઆત થઇ પણ આગળ કઈ નહીં

પૂર્ણાં નદીમાં પૂરના કારણે નવસારી શહેરમાં થતા પાણીના ભરાવાને રોકવા પાલિકાએ 15 -20 વર્ષ અગાઉ નદી કાંઠે સ્લૂઇસ ગેટ (પાળા) સહિત બનાવવાનું નક્કી કર્યું છતાં કોઈજ કામગીરી નહીં થતા શહેરીજનોના માથે આવતી પૂરની ભયાનકતા ઓછી થવાની જગ્યાએ વધતી જ રહી છે. નવસારી શહેર પૂર્ણાં નદીના કાંઠે આવેલ હોય ડાંગ ઉપરાંત સ્થાનિક પણ વધુ વરસાદ પડતાં પૂર આવવાની સ્થિતિ પેદા થાય છે. પૂરમાં હજારો લોકોને અસર થાય છે. 3થી 4 હજાર લોકોને સ્થળાંતર થવું પડે છે. મોટી નુકસાની થવા સાથે જાનહાનિ પણ થાય છે.

આ પૂરના પ્રકોપને ન્યૂનતમ કરવા અહીંની પાલિકાએ 15-20 વર્ષ અગાઉ નદી કાંઠે સ્લૂઇસ ગેટ (પાળા સાથે) બનાવવા નિર્ધાર કર્યો હતો.જે પ્રોજેકટ સરકાર સમક્ષ પણ મુકવામાં આવ્યો હતો. સ્લૂઇસ ગેટ બનાવવાની ખાતરી તો વર્ષો સુધી પાલિકાએ બજેટમાં પણ આપી હતી, જોકે આજદિન સુધી એક યા બીજા કારણે સ્લૂઇસ ગેટ, પાળા બનાવી શકાયા નથી.

વધુમાં નદીમાં કાપ પણ હજારો ટન ઠરી ગયો હોય ડ્રેજીંગ કરવાની પણ તાતી જરૂર હોય 8-10 વર્ષ અગાઉ સંધ્યા ભૂલ્લર કલેકટર હતી ત્યારે પણ રજૂઆત થઈ હોવાનું પાલિકાના એક નિવૃત અધિકારીએ જણાવ્યું છે. જોકે ઉક્ત તમામ મુદ્દે કઈક જ નહીં થતા પૂરનો પ્રકોપ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે,જે હાલમાં જ શહેરે અનુભવ્યું. શું પૂરમાં થયેલ તારાજી માટે તંત્રની લાપરવાહીને પણ જવાબદાર ન કહી શકાય ????

સ્લૂઈસ ગેટ, પાળા, ડ્રેજીંગ કેમ જરૂરી ?

  • ડ્રેજીંગ : વરસાદ યા અન્ય પાણી (ગટર સહિત) નદીમાં ઠલવાતા મોટો કાંપ લાવે છે, જે આખરે નદીમાં જ ઠરી જાય છે. કપને લઈ નદીનું લેવલ ઉપર આવતું જાય છે, પાણીની વહનક્ષમતા ઘટી જાય છે અને પૂર જલદી આવે છે. ઠરી ગયેલ કાંપનુ ડ્રેજીંગ કરવામાં આવે તો નદીની વહન ક્ષમતા વધે છે.
  • સ્લૂઈસ ગેટ -પાળા : નદીકાંઠે પાળા તથા સાથે સ્લૂઈસ ગેટ બનાવવાથી વરસાદી યા અન્ય પાણીની જે નદીમાં આવ-જા થાય છે તેને કંટ્રોલ કરી શકાય છે. સ્થાનિક તજજ્ઞ કહે છ કે હાલ પૂર્ણા નદીનું પાણી જે 21-22 ફૂટમાં શહેરમાં આવી જાય છે, તે 25-26 ફૂટ સુધી આવત રોકી શકાય.

વર્ષોવર્ષના ડામરના ઠપ્પાથી રોડની ઉંચાઇ વધતા પાણી ઘરોમાં ભરાય છે
નવસારીમાં પણ અહીંની પાલિકા દર વર્ષે કરોડોના ખર્ચે ડામર રોડ બનાવે છે. સપાટીનું ખોદાણ કરી રોડ નહીં બનાવાતા વર્ષોવર્ષ રોડનું લેવલ ઉંચુ થતું ગયું અને મહત્તમ વિસ્તારોમાં 40-45 વર્ષ અગાઉ જે ઘરોથી રોડ 1 ફૂટ નીચે હતા, તે હાલ સમાંતર યા ઉંચા થઈ ગયા છે, જેથી વરસાદી પાણી ઘર, દુકાનમાં તુરંત ભરાઇ જાય છે.

વોટર હાર્વેસ્ટીંગ પણ મદદરૂપ થાય
હાલ જે વરસાદ પડે છે તેમાંનું મહત્તમ પાણી વહી જઈ નદી, સમુદ્રમાં જાય છે, કારણ કે ‘વોટર હાર્વેસ્ટીંગ’ ખુબ જ ઓછુ છે. જો બોર યા અન્ય રીતે વધુ માત્રામાં વરસાદી પાણી જમીનમાં ઉતારાય તો ભૂગર્ભ જળની સપાટી વધુ ઉંચી આવતા પાણીનો પ્રશ્ન તો હલ થાય, સાથે ભૂગર્ભમાં જેટલી માત્રામાં પાણી જાય તેટલો વરસદી પાણીનો ભરાવો પણ ઓછો થાય. કેન્દ્ર સરકારે આ જળસંચયને ટોચ ઉપર મૂક્યું છે. પાલિકાએ પણ 25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જોકે ચાલુ સાલ કોઇએ તેનો લાભ લીધો નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment