સાવધાન:સરકારી કચેરીઓમાં તમારા જોખમે જ જજો, ફાયર સેફ્ટીની સુવિધા નથી - Alviramir

સાવધાન:સરકારી કચેરીઓમાં તમારા જોખમે જ જજો, ફાયર સેફ્ટીની સુવિધા નથી

ભાવનગરએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, કોર્ટ સહિતની બિલ્ડીંગો રમે છે આગ સાથે રમત, ફાયર સેફ્ટી માટે R&B અને પંચાયતની ગંભીર બેદરકારી

ફાયર સેફટી બાબતે હાઇકોર્ટ સરકારને વારંવાર ગંભીર તાકીદ કરવા છતાં ભાવનગરની કલેક્ટર કચેરી સહિતની સરકારી બિલ્ડિંગોમાં જ ફાયર સેફટીની સુવિધા નથી. જે સરકારી બિલ્ડિંગોમાં રોજના હજારો અરજદારો- પ્રજાજનોની અવરજવર હોય અને અનેક કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેમાં ફાયરસેફ્ટી નહીં હોવાથી સરકારી તંત્રને પણ તેની ગંભીરતા નથી. જ્યારે બીજી તરફ ફાયર બ્રિગેડ સરકારી બિલ્ડીંગ હોવા સાથે સરકારી કામકાજ અટકાવી ન શકે તે માટે માત્ર નોટિસો આપવા સિવાય કશું કરી શકતા નથી. અને ખાનગી બિલ્ડીંગોને સીલ મારી નિયમ દેખાડે છે.

રાજ્યમાં આગના બનાવોને કારણે થતી મોટી જાનહાનિને અટકાવવા હાઈકોર્ટ પણ એટલી જ ગંભીર છે અને છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટી સંદર્ભે સરકાર અને મહાનગરો સામે કડકાઈ દાખવે છે. પરંતુ સરકાર અને તંત્રને જાણે તેની ગંભીરતા ન હોય તેવી રીતે દેખાવ પૂરતી કામગીરી કરે છે. જ્યારે જ્યારે સૂચના મળે ત્યારે એકાદ-બે બિલ્ડિંગોને સીલ મારવામાં આવે છે. પરંતુ આજે પણ શહેરમાં 300 જેટલી બિલ્ડિંગો ફાયર એન.ઓ.સી. વગરની ઉભી છે. છતાં રાજકીય કટપુતલી બનેલા મજબૂર તંત્ર વાહકોને સત્તાવાર રીતે જો કામ કરવું હોય તો પણ કરી શકતા નથી. અને બીજી તરફ કોર્ટ પણ કામગીરી નહીં કરવા માટે ચાબખા મારે છે.

ફાયર સેફટી બાબતે ખુદ સરકાર જ બેદરકાર હોય તે રીતે ભાવનગરની મુખ્ય સરકારી કચેરીઓની બિલ્ડિંગો નિયમ અનુસારના ફાયર સેફટી વિહોણી છે. જેઓએ સરકારી કચેરીમાં નિયમ મુજબની ફાયર સેફ્ટીની સુવિધા નહિ વસાવતા ફાયર એન.ઓ.સી. પણ મેળવેલું નથી. ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી, જીલ્લા પંચાયત, બહુમાળી ભવન, કોર્ટ બિલ્ડિંગ, પંચાયતની અન્ય કચેરીઓમાં ફાયર સેફ્ટીના નિયમ અનુસાર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરી એનઓસી મેળવવું જરૂરી છે. પરંતુ તે બાબતે કદાપિ ગંભીરતા નહીં દાખવી હજારો લોકો પર ખતરા માટે જવાબદાર બન્યા છે.

સરકારી કચેરીઓને નિયમ મુજબ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા નોટિસ આપી છે
ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારની સરકારી કચેરીની બિલ્ડિંગોને નિયમ મુજબ આવશ્યક હોય તે રીતે ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે નોટિસો આપવામાં આવી છે. કોર્પોરેશનની બિલ્ડીંગ તેમજ ઝોનલ કચેરીઓમાં ફાયર સેફટી ઉપલબ્ધ કરી એન.ઓ.સી. મેળવેલ છે. અન્ય એનઓસી નહીં મેળવેલી બિલ્ડીંગોમાં કાર્યવાહી શરૂ છે.
> એમ.એમ. હીરપરા, ચિફ ફાયર ઓફિસર

બોન્ડની રમત, સીલ ખોલ્યા પરંતુ મુદત પૂર્ણ થવા છતાં હજુ ફાયર સેફ્ટી નહીં
જે બિલ્ડીંગમાં નિયમોનુસાર ફાયર સેફટી અને એનઓસી નહીં હોવાથી ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા પરંતુ પંદર દિવસથી વધુમાં વધુ બે મહિના સુધીમાં નિયમોનુસાર ફાયરસેફ્ટી લગાવવાના બોન્ડ આપી સીલ ખોલવામાં આવ્યા હતા. જેઓની મુદત પણ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં હજુ હજુ સુધી ફાયર સેફટી લગાવી નથી કે એન.ઓ.સી મેળવ્યા નથી. જે મિલકત ધારકો નિયમો સાથે રમત રમી રહ્યા છે.

શું છે નિયમ ?
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રૂલ્સ મુજબ 15 મીટરથી નીચેની હાઈટ વાળા બિઝનેસ બિલ્ડિંગને જરૂરી મુજબ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવી પડે જેમાં એન.ઓ.સી. ની જરૂર ન રહે. પરંતુ જો તે બિલ્ડીંમાં બેઝમેન્ટ કે કોઈ ફલોરમાં 500 મીટર કે તેથી વધુ એરિયાનું બાંધકામ હોય તો ફાયર એનઓસી મેળવવું ફરજિયાત હોય છે.

ફાયર સેફ્ટીના નિયમો મુજબ સિસ્ટમ લગાવાશે
સરકારી બિલ્ડિંગોમાં હાલમાં ફાયર એક્સટિંગ્વિશર લાગેલા છે. અને નિયમો તપાસી આવશ્યકતા મુજબ નિયમસર ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉભી કરાશે. > આર.યુ. પટેલ, કાર્યપાલક ઈજનેર આરએન્ડબી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment