સાહેબ મિટિંગમાં છે:સરકાર આખી 'ખાડા-પાણી'માં, જનતાનો ટેક્સ અને તંત્રને લીલા લહેર, AAPની મફત ફોર્મ્યુલા ગુજરાતમાં ચાલશે? - Alviramir

સાહેબ મિટિંગમાં છે:સરકાર આખી 'ખાડા-પાણી'માં, જનતાનો ટેક્સ અને તંત્રને લીલા લહેર, AAPની મફત ફોર્મ્યુલા ગુજરાતમાં ચાલશે?

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું તો સારું જામ્યું છે, ખેડૂતો પણ ખુશખુશાલ છે, પરંતુ ભૂપેન્દ્રભાઈની સરકાર ચિંતામાં છે, શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાની સાથે સાથે ખાડાની બબાલ પણ દર વર્ષની જેમ શરૂ થઈ ગઈ છે. શહેરીજનો તંત્ર સામે રોષ વ્યકત કરી રહ્યા છે, તો બીજું બાજુ ગામડાઓમાં અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.

ગામડાના લોકો બિચારા બાપડા બનીને સરકારની સહાય સામે મીટ માંડી રહ્યા છે. શહેરોમાં તો કોર્પોરેશન કરોડ રૂપિયાનું બજેટ હોય છે. તેમાં વોકળા સફાઈ, નદી સફાઈ, પાણીના નિકાલ માટે જોગવાઈ હોય છે. લોકો આ જ બધી બાબતો માટે કરોડોનો ટેક્સ ભરે છે. હોનારત ભલે કોઈના નિયંત્રણમાં ન હોય પરંતુ આગોતરાં પગલાં તો લઈ શકાય. દરિયામાં સર્જાતાં વાવાઝોડાં પર કાબૂ ન હોય પરંતુ વાવાઝોડાની અસરરૂપે વરસાદ પડે તેની અસરોથી બચવાના ઉપાયો તો વધારે સઘન રીતે કરી શકાવા જોઈએ.

આમા વાંક કોનો?
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ ત્યારે ભાજપના નેતાઓ કે સોશિયલ મીડિયાના તેમના પ્રતિનિધીઓ પ્રજાને ગટરમાં વોટર બોટલ હોવાથી જામ થાય છે, તેવા ફોટો મૂકીને વાંક કોનો તેવા પ્રશ્નો પૂછવા માંડ્યા હતા. પરંતુ પ્રજાનો વિરોધ એટલો હતો કે, દર વર્ષે એકના એક પ્રશ્નો ઉભા થતાં હોય તો નેતાઓ કે મગજ ચલાવનાર અધિકારીઓ દર વર્ષે કયાં ઉંઘી જાય છે. કેટલાક બેઝમેન્ટમાં થયેલા નુકશાન સાથે હવે પ્રજા કોરોનામાં માર પડ્યા બાદ વરસાદે માર માર્યાની લાગણી અનુભવી રહ્યા હતા. ત્યારે વાંક કોનો કેમ્પેઇન ચલાવીને પ્રજાને દોષી ઠેરવવાનું ચાલુ કરાયું હતું. તે જોતાં હવે ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે પ્રજા ખરેખર કહી રહી છે કે ખરેખર વાંક અમારો જ છે. કારણ કે અમે પ્રતિનિધીઓ ચૂંટીએ છીએ જે પ્રજાને માથે ચડીને પ્રજાને દોષી ઠેરવે છે. તેથી નાગરિકો પણ કહેવા લાગ્યા છે કે વાંક કોનો અધિકારીઓની કાર્યપધ્ધતિ કે નેતાઓના DNAનો.

આપની મફત ફોર્મ્યુલાથી જનતાને જલસા…જલસા…જ થઈ જશે
ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તેમાં આ ચૂંટણીમાં જનતાને બહુ મજા પડી જશે, એવું લાગી રહ્યું છે. કેમકે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડવા આવી છે. આપની દિલ્હી અને પંજાબમાં સરકાર ચાલી રહી છે. આ બંને રાજ્યોમાં આપે જનતાને મફત આપવાની અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકી છે. હવે, ગુજરાતમાં પણ સરકાર બનાવવા આમ આદમી પાર્ટી મફત આપવાના વચનો આપવા લાગી છે. આપ મજબૂત બની જાય અને દિલ્હી, પંજાબની જેમ ગુજરાતમાં પણ ઘૂસી જાય તો ભાજપ માટે પડકાર બની શકે છે. જેથી હવે ગુજરાતમાં પણ ભાજપ સરકારે ચૂંટણી જીતવા માટે જનતાને આપની જેમ સસ્તું અને મફત આપવાની ફોર્મ્યુલા બનાવી લીધી છે. તેથી એવું કહી શકાય કે, ચૂંટણીમાં જનતાને જલસા…જલસા…જ થઈ જશે.

કોંગ્રેસની સ્થિતિ, એક સાંધે ત્યાં તેર તૂટે જેવી
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે, એકબાજુ કોંગ્રેસમાં અંદરો અંદર બબાલ થઈ રહી છે. બીજી બાજુ નારાજ નેતાઓ કાર્યકરોના ટોળે ટોળા લઈને ભાજપ ભેગા થઈ રહ્યા છે, ત્યાં વળી પાછું તિસ્તા સેતલવાડના કેસમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલનું નામ આવ્યું છે. હવે એવું કહી શકાય કે ગુજરાત કોંગ્રેસના ગોડફાધર એવા એહમદ પટેલના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસ વેરવેખર થઈ ગઈ હતી. માંડ માંડ હાઈકમાન્ડે પક્ષને પાટે લાવવાના પ્રયાસ શરૂ કર્યા, ત્યાં એહમદ પટેલનું નામ ઉછળ્યું. હવે કોંગ્રેસના હાઇકમાન્ડને પણ ચિંતા પેઠી છે કે આ રેલો ક્યાંથી ક્યાં જશે.

ગુજરાતમાં વીજળી અને ગેસ એક જ ‘ઘર’માંથી આવે છે
રાજ્યમાં ઉર્જા વિભાગના વડા તરીકે IAS અધિકારી મમતા વર્મા જવાબદારી સંભાળી રહ્યા છે. તો તેઓ રાજ્યના વીજ ઉત્પાદનથી લઇને વીજ વપરાશને લઇને તમામ કામગીરી પર નિયંત્રણ અને એક્શન લઇ રહ્યા છે. એટલે સુધી કોઇ નવી વાત નથી. પરંતુ અધિકારી લોબીમાં એવી ચર્ચા છે કે ગુજરાતના વીજળી અને ગેસ એક જ ઘરમાંથી આવે છે. ઉર્જા વિભાગના વડા તરીકે મમતા વર્માના પતિ સંજીવ કુમાર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન(GSPC)ના મેનેજીંગ ડિરેકટર છે. અને ગુજરાત ગેસ લિમિટેડ એમ આ બંને મોટી કંપની રાજ્યમાં ગેસ પૂરો પાડે છે. તેના વડા હોવાને નાતે ગેસ કોમોડિટી પર સંજીવ કુમારનો કંટ્રોલ છે. આમ વીજળી અને ગેસ બંને ઉર્જાના સ્ત્રોત્ર છે. અન્ય સ્ત્રોત પણ ભલે હોય પરંતુ ગુજરાતમાં તો ઉર્જા સ્ત્રોત એક જ ઘર છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment