ભાવનગર28 મિનિટ પહેલા
- કૉપી લિંક
- તંત્રની રજીસ્ટ્રેશન સિસ્ટમ સામે જ ઉઠી રહેલા સવાલો
- GST નંબર હોય તે સ્થળે પેઢી હોતી જ નથી અથવા બોગસ રજીસ્ટ્રેશન હોય છે
સમગ્ર દેશમાં બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ સહિતની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની ચોરીના કિસ્સા પ્રકાશમાં આવે છે, ત્યારે તેના કનેકશન ભાવનગર સાથે જોડાયેલા નીકળે છે. ભાવનગરમાં મોટા પ્રમાણમાં ખોટા જીએસટી નંબર, બોગસ બિલિંગના ભેજાબાજોને દૂધ પાઇને ઉછેરનારા GSTના અધિકારીઓ સામે જ હવે સાપ ફેણ માંડવા લાગ્યા છે, અને તંત્ર સફાળુ જાગી ઉઠ્યુ છે.
આટલા મોટા પ્રમાણમાં જીએસટી ના બોગસ રજીસ્ટ્રેશન થયા છે ત્યારે સમગ્ર સિસ્ટમ ની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠ્યા છે. બોગસ દસ્તાવેજોના આધારે પેઢીઓના રજીસ્ટ્રેશન જીએસટી સમક્ષ કરાવી અને કરોડો રૂપિયાના સરકારી કરવેરાને ચૂનો ચોપડનારા ભેજાબાજોને મોટા કરનારા પણ અધિકારીઓ જ છે.
ગત સપ્તાહના મધ્યભાગમાં ભાવનગરના નવાપરા અને આતાભાઇ રોડ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન માથાભારે શખ્શોની ટોળકીએ સીજીએસટીના અધિકારીઓને બેફામ માર માર્યો હતો. દરોડામાં અધિકારીઓને હાથમાં આવેલા દસ્તાવેજોની થઇ રહેલી ચકાસણીમાં પેઢીઓના જે સરનામા બતાવવામા આવેલા છે, તેનું અસ્તિત્વ જ હોતુ નથી.
ઇમાનદારીથી વેપાર કરી રહેલા વ્યવસાયકારો જો નવો જીએસટી નંબર માટે એપ્લાય કરે છે તો અધિકારીઓ તમામ દસ્તાવેજોની બારીકાઇથી ચકાસણી કરે છે, દર્શાવવામાં આવેલા ધંધાના સ્થળની મુલાકાત લે છે, બેંક ખાતાના વેરિફિકેશન સહિતની તમામ બાબતો તપાસ્યા બાદ જ નંબર એલોટ કરવામાં આવે છે.
અહીં પ્રશ્ન જ એ ઉપસ્થિત થાય છે કે, જો આટલી જીણવટભરી ચીવટ રાખવામાં આવતી હોય તો હજારોની સંખ્યામાં બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન ભાવનગરમાં થયા કઇ રીતે? આવી પેઢીઓના રજીસ્ટ્રેશન મંજૂર કરનારા અધિકારીઓ કોણ છે?. આવા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માંગણી થઈ છે.
સરકારી કરવેરાની ચોરી કરનારા જીએસટી ચોર લોકો જેટલા પ્રમાણમાં દોષિત છે એટલા જ આવા ભેજાબાજોને પ્રોત્સાહિત કરનારા, ક્ષણિક આર્થિક લાભ માટે કૌભાંડોમાં આંખ આડા કાન કરી મૂક સંમતિ આપનારા અધિકારીઓ પણ એટલા જ પ્રમાણમાં જવાબદાર છે. આવા અધિકારીઓને પણ શોધી શોધીને પગલા ભરવા જોઇએ,
અધિકારીઓના રેકોર્ડિંગ ટાટાની પેનડ્રાઇવમાં
જીએસટી અસ્તિત્વમાં આવ્યુ તે પહેલા સર્વિસ ટેક્સ અને વેટ જેવા કર અમલમાં હતા ત્યારથી બોગસ બિલિંગ સાથે સંકળાયેલા મનાતા મહંમદ ટાટાને હજુસુધી કોઇ હાથ અડકાવી શક્યુ નથી. ફાર્મહાઉસમાં મહેમાનગતિ માણવાના આદતિ બનેલા અધિકારીઓના તમામ પ્રકારના વીડિયો રેકોર્ડિંગ પેનડ્રાઇવમાં હોવાથી આવા અમુક કરચોરો સામે પગલા ભરવામાં પણ જીએસટીના મોટાભાગના અધિકારીઓના હાથ પગ ધ્રૂજે છે. તેવી ચર્ચા થઈ રહી છે.