સુરેન્દ્રનગર2 કલાક પહેલા
- કૉપી લિંક

- પાણીજન્ય સહિતના રોગચાળાથી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ: છેલ્લા 6 મહિનામાં ડેન્ગ્યૂના 6 કેસ
સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છર સહિતના રોગોએ માથું ઊંચક્યું છે. જેના કારણે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. છેલ્લા 1 સપ્તાહમાં સરકારી દવાખાનાઓમાં 19000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં 113 ઝાડા ઊલટીના કેસો ધ્યાને આવ્યા હતા. આ ઉપરાંત 6 માસને 10 દિવસમાં 13 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. જિલ્લામાં રોગચાળાને લઇને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની જામી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. જિલ્લામાં થોડા વરસાદના કારણે પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સાથે મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. પરિણામે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા સહિતની સારવાર માટે છેલ્લા 7 દિવસમાં જ 19000 લોકો ધસી ગયા હતાં. અને શરદી, ઉધરસ, તાવ સહિતના રોગોચાળાના ઝપટે લોકો લચડી ગયા હતાં.
જિલ્લામાં 11 થી 16 જુલાઇ-2022 સુધીમાં 113 લોકોના ઝાડા ઊલટી થયા હતા. જ્યારે મલેરિયા વિભાગની વાત કરીએ તો જાન્યુઆરી-2022થી 10 જુલાઈ-2022 દરમિયાન 1,91,003 લોકોના લોહીના નમૂના લેવામાં આવતા 1 ઝેરી તેમજ 62 સાદા મેલેરીયાના કેસ ધ્યાને આવ્યા હતા.
આ સમયગાળામાં 40 લોકોના લોહીના નમૂના લેતા 1 ચિકનગુનીયા તેમજ 87 લોકોના લોહીના નમૂના લેતા 13 લોકો ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યા હતા. જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ, ડો. જયેશભાઈ આર.રાઠોડ સહિતના માર્ગદર્શન નીચે સરકારના આદેશ -ગાઇડલાઈન મુજબ રોગચાળા સામે આરોગ્ય તંત્ર દ્વારા ઘેર ઘેર સરવે કરીને દવાઓનાં વિતરણ સાથેની ટીમો દ્વારા કાર્યવાહી કરાવવામાં આવી રહી છે.
1,98,558 ઘરનાં પાણીનાં પાત્રોનું ચેકિંગ કરવામાં આવ્યું
રોગચાળાને લઇને અત્યાર સુધીમાં જિલ્લાની 60 ટકા વસ્તીને આવરી લેવાઇ હતી. જેમાં 1,98,558 ઘર તપાસવામાં આવ્યા હતા. તેમાંથી 6,65,809 પાત્રોચેક કરતા 8500 પાત્ર પોરા સહિત મચ્છરોના પોઝિટીવ મળ્યા હતા. જેના કારણે 12,117 પાણીજન્ય પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. અને 42,828 પાત્રોમાં દવાઓ નાંખવામાં આવી હતી. આ ઉપરાંત તા. 1 ઓગસ્ટથી જિલ્લાના 12 ગામો કે જે મેલેરીયા હાઇરીસ્કમાં આવે છે ત્યાં બીજા રાઉન્ડમાં દવાના છંટકાવનો શરૂ કરાશે.
રોગચાળા સામે લોકોએ આ સાવચેતી રાખવી
વધતા મચ્છરજન્ય રોગો સામે સાવચેતી માટે લોકોએ ઘરની અંદર કુલર, ફુલદાની સહિત જ્યાં પાણી ભરાતું હોય ત્યાં નિયમિત સાફસફાઇ કરવી જોઇએ. વરસાદી વાતાવરણ તેમજ રહેણાક સહિતના વિસ્તારના ખાડા-ખાબોચીયામાં વરસાદી પાણી ભરાયા હોય તો તેને દૂર કરી તેનું પૂરાણ કરવું. સામાન્ય તાવ કે તેના લક્ષણો જણાય તો તુરંત સારવાર લેવી. ઘરે આરોગ્યની ટીમ દવા છંટકાવ કે સારવારની દવા આપવા આવે તો સહકાર આપવો.
સર્વેલન્સની કામગીરીમાં 600 ટીમ, 100 સુપરવાઇઝર સહિતનો સ્ટાફ જોડાયો
જિલ્લામાં વિવિધ રોગોને લઇને આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે, તા. 11થી 20 જુલાઈ-2022 દરમિયાન જિલ્લાની 100 ટકા વસ્તીને હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની કામગીરી ચાલુ કરી છે. જેમાં 600 ટીમ તેમજ 100 સુપરવાઇઝર સહિતનો સ્ટાફ કાર્યવાહી કરી રહ્યો છે.