36 જગ્યાઓ સત્વરે ભરવા નિર્ણય:તાલાલા ગીર તાલુકામાં મંજૂર 475 પૈકીના 252 વિકાસ કામો સ્ટાફના અભાવે ટલ્લે ચડયા, મળેલ બેઠકમાં મુદ્દો ઉઠયો - Alviramir

36 જગ્યાઓ સત્વરે ભરવા નિર્ણય:તાલાલા ગીર તાલુકામાં મંજૂર 475 પૈકીના 252 વિકાસ કામો સ્ટાફના અભાવે ટલ્લે ચડયા, મળેલ બેઠકમાં મુદ્દો ઉઠયો

ગીર સોમનાથ (વેરાવળ)18 મિનિટ પહેલા

  • લોકોની સુવિધાના વિકાસકામો ઝડપી કરવા ખાલી જગ્યા ભરવા અંગે સામાન્ય સભામાં ઠરાવ કરી ડીડીઓ સમક્ષ માંગણી કરાઈ

તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ રામશીભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની હાજરીમાં મળી હતી. જેમાં તાલુકા પંચાયતમાં સ્ટાફના અભાવે પંથકના ગામોમાં લોકોના હિતાર્થે મંજુર કરાયેલ સાર્વજનિક વિકાસના કામો અટકી પડ્યા હોવાનો મુદો ઉઠયો હતો. તાલાલા પંથકના 45 ગામના વિકાસ માટે તાલુકા પંચાયતના મંજુર સેટઅપમાં ખાલી પડેલ 36 જગ્યાઓ ઉપર સત્વરે પોસ્ટીંગ કરવા ઠરાવ કરી ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીને માંગણી કરી રજૂઆત કરવામાં આવી છે.

સ્ટાફના અભાવે કામો જ શરૂ થઈ શક્યા નથી
તા.પં.ની સામાન્ય સભામાં થયેલ ઠરાવમાં જણાવેલ વિગત પ્રમાણે તાલુકા પંચાયતમાં કુલ 73 કર્મચારીઓનું મંજુર થયેલ સેટઅપ છે. જે પૈકી 19 તલાટી કમ મંત્રીઓ સહિત કુલ 36 જગ્યાઓ ખાલી છે. જેના લીધે તાલુકા પંચાયતમાં પ્રજા ઉપયોગી વિકાસની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેની વિગતો સાથે ઠરાવમાં ઉમેર્યું છે કે, તાલાલા પંથકના વિવિધ ગામોમાં પીવાના પાણી, ગટર, રસ્તા, શૌચાલય અને પેવર બ્લોક સહિતની લોક ઉપયોગીના 475 વિકાસના કામો મંજુર થયા છે. જે પૈકી 153 કામો પૂર્ણ થયેલ છે અને 70 કામો પ્રગતિમાં છે. જ્યારે 252 કામો આજ સુધી શરૂ થઈ શક્યા નથી. આમ, તાલુકા પંચાયતમાં સ્ટાફના અભાવે સરકારે ગ્રાન્ટ ફાળવી હોવા છતાં છતે રૂપિયાએ લોક હિતાર્થના વિકાસની કામગીરી ઠપ્પ થઈ ગઈ હોવાથી તાલાલા પંથકની ગ્રામીણ પ્રજાને પુરો ન્યાય અને સુવિધા મળતી નથી.

સ્ટાફના અભાવે રોજીંદા કામોમાં પણ મુશ્કેલી
આ ઉપરાંત સ્ટાફના અભાવે ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની રોજિંદી વહીવટી કામગીરી પણ સમયસર થઈ શકતી ન હોવાથી હેરાનગતિનો સામનો કરવો પડી રહેલ છે. તાલાલા તાલુકા પંચાયતમાં અપૂરતા મહેકમના કારણે આખો પંથક વિકાસથી વંચિત હોય તાલાલા તાલુકા પંચાયતમાં ઘટતા સ્ટાફની ત્વરીત ભરતી કરી પોસ્ટિંગ કરવા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment