પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં “જન સંવાદ” કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ, વિજળી, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ જાણવા તેમજ લોકોની પડતી મુશ્કેલીઓને સમજવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં લોકો સાથે સીધો સંવાદ કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો
પ્રદેશના નેતાઓ વિવિધ જિલ્લાઓમાં આ કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા શનિવારના રોજ આવી રહ્યા છે, તેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે. એવું પણ જણાવ્યું છે કે, આવતીકાલના કાર્યક્રમ માટે સંપૂર્ણ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. ગોધરા શહેરમાં ડોળપા વિસ્તારમાં સુથાર લુહાર સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ બપોરના 2 કલાકે યોજાનાર છે.
પાંચ હજારની જનમેદની ઉપસ્થિત રહે તેવો લક્ષ્યાંક
આખા જિલ્લામાંથી લગભગ પાંચ હજાર જેટલી જનમેદની ઉપસ્થિત રહેશે એ પ્રકારનું આયોજન પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે જિલ્લામાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. જિલ્લામાં અગાઉ પણ ‘જન સંવેદના’ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ આજે ફરીથી પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા આવવાના હોય તેથી સૌ ઉત્સાહ અને ઉમંગથી આ કાર્યક્રમની તૈયારીમાં કાર્યકરો લાગી ગયા છે અને ગામે ગામથી લોકોને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવા જોર લગાવી રહ્યા છે. ભાજપ અને કોગ્રેસના પણ ઘણા કાર્યકરો આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. તેમ પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.