આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. - Alviramir

આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં શારીરિક રીતે સશક્ત વિદ્યાર્થીઓને પછડાટ આપી છે. તેમણે આજે 99.97 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામથી પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી. સ્મિત ચાંગેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાને IAS ઓફિસર બની પોતાની જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવાનું સપનું હોવાનું જણાવ્યું હતું.

હાલ હું ચાલી કે લખી શકતો નથીઃ સ્મિત
સ્મિત ચાંગેલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારે 700માંથી 662 માર્ક આવ્યા છે. એટલે કે 95 ટકા અને 99.97 PR થાય છે. આ પરિણામથી હું ખૂબ જ ખુશ છું. આ ખુશી મારા માતા-પિતાને લીધે મળી છે. તેમના સપોર્ટથી જ આગળ આવ્યો છું. મેં ધો.12 કોમર્સનો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાં કર્યો છે અને અહીં મારૂ ડેવલોપ થતા આ પરિણામ આવ્યું છે. આગ મારે GPSC અને UPSC પરીક્ષા આપી IAS ઓફિસર બનવું છે અને મારા જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે. મારે અત્યારે ન્યૂરોપેથી નામની બિમારી છે, આ પરિસ્થિતિમાં હું ચાલી કે લખી શકતો નથી. પરીક્ષામાં મેં રાઇટર રાખ્યો હતો. તેણે પણ મને ખૂબ મદદ કરી છે. કોરોનામાં મેં ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો હતો જેમાં પણ હું સફળ રહ્યો છું

માતા હિનાબેન ચાંગેલા.
માતા હિનાબેન ચાંગેલા.

શિક્ષકો ઘરે આવીને સ્મિતને તેડી જતાઃ માતા
સ્મિતની માતા હિનાબેન ચાંગેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો દીકરો સ્મિત દિવ્યાંગ છે. એટલે મેં સ્મિત દિવ્યાંગ છે એવું કોઈ દિવસ મારા મનમાં રાખ્યું જ નથી. સ્મિત સ્કૂલે સવારે 7 વાગ્યે જતો રહેતો અને સાંજના 8 વાગ્યા સુધી રહેતો. શિક્ષકો પણ ઘરે આવીને સ્મિતને તેડી જતા હતા. આથી સ્મિતને કોઈ દિવસ એક પણ પ્રકારની તકલીફ પડી નથી. હું અન્ય લોકોને પણ કહેવા માગીશ કે દિવ્યાંગ દીકરો હોય તો કોઈ મા-બાપે પાછું પડવાનું જ નહીં અને તેને હિંમત આપો તો સરસ મજાનું પરિણામ લાવી શકે છે. સ્મિતને મેં ક્યારેય હાર મનાવી નથી. સ્મિતને GPSC-UPSCની પરીક્ષા આપી કલેક્ટર થવું છે અને દિવ્યાંગોની સેવા કરવી છે. સ્મિતને ન્યૂરોપેથીનો રોગ છે અટેલે તેને હાથ કે પગ કામ કરતા નથી.

સ્મિત રોજની 11 કલાક મહેનત કરતો.
સ્મિત રોજની 11 કલાક મહેનત કરતો.

સ્મિતને ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા
સ્મિત ચાંગેલા નાનપણથી જ ન્યૂરોપેથી નામના રોગથી પીડાય છે, પરંતુ પોતાને બીજાના ઓશિયાળા હેઠળ જીવવું પસંદ ન હોય અને મનમાં તેણે એક નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર બનવું છે. બસ, આ જ નિર્ધારથી તેણે કોરોનાકાળમાં ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો. નાકના ટેરવાથી ટાઇપિંગ કરી ઓર્ડર મેળવતો ગયો અને ડિલિવરી પણ કરવા લાગ્યો. તેણે 5 મહિનામાં 30 હજારની કમાણી કરી છે. સ્મિતને ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા. વિકલાંગોની કેટેગરીમાં તે ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો. સ્મિતે જણાવ્યું હતું કે, હું અન્ય નોર્મલ બાળકોની જેમ હરી-ફરી શકતો નથી, પરંતુ હું મારી જાતને હતાશ થવા દેતો નથી તેમજ પરિવારના સભ્યો અને મિત્રવર્તુળના પ્રોત્સાહનથી લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગકરી એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો છે.

સ્મિત નાકના ટેરવે લેપટોપ અને મોબાઇલમાં ટાઇપિંગ કરે છે.
સ્મિત નાકના ટેરવે લેપટોપ અને મોબાઇલમાં ટાઇપિંગ કરે છે.

કેવી રીતે સ્મિતને ઓનલાઇન બિઝનેસનો વિચાર આવ્યો
લોકડાઉનમાં ઘરે બેઠા સ્મિતને ઓનલાઇન બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. બસ, આ વિચાર તેને તેની માતા સમક્ષ વ્યક્ત કર્યો હતો અને માતાએ પ્રોત્સાહન આપી તેને સાથ આપ્યો હતો. તેની માતાનું માનવું છે કે તેઓ હરહંમેશ તેના દીકરાને બીજાં બાળકોની જેમ જ ટ્રીટ કરી બધાની સાથે રાખે છે. એ માટે તમામ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવે છે. સ્મિત 5 મહિનાથી ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ ચલાવી રહ્યો છે, જેમાં અંદાજિત 30,000 રૂપિયા જેવી આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે સ્મિત પોતે પોતાની જાતે સામાન્ય વ્યક્તિની જેમ ચાલી પણ શકતો નથી. તેના હાથ પણ યોગ્ય કામ કરતા નથી, એમ છતાં આ યુવાન નાકના ટેરવાની મદદથી ટાઇપિંગ કરી લોકોના ઓર્ડર લેવા અને વસ્તુ ડિલિવરી કરવા સહિતના કામ કરી રહ્યો છે, જે અન્ય લોકોને માટે એક પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.

ન્યૂરોપેથી રોગને કારણે સ્મિત ચાલી શકતો નથી.
ન્યૂરોપેથી રોગને કારણે સ્મિત ચાલી શકતો નથી.

ન્યૂરોપેથી રોગ કેવી રીતે થાય છે
ન્યૂરોપેથી રોગ શરીરના સ્નાયુઓમાં યોગ્ય લોહીનું પરિભ્રમણ ન થવાને કારણે થાય છે. આ રોગ શરીરના કોઈપણ ભાગમાં થાય છે. સ્મિત 3 માસનો હતો ત્યારથી તેને આ રોગ હોવાનું પરિવારને માલૂમ થયું હતું અને ત્યાર બાદ સર્જરી પણ મુંબઇ ખાતે કરવામાં આવી હતી. જોકે એમાં કોઇ યોગ્ય પરિણામ મળ્યું ન હતું અને કસરત કરવા તબીબોએ સૂચના આપી હતી. રાજકોટના સ્મિતને શરીરના હાથ અને કમરના નીચેના ભાગના સ્નાયુમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થતું ન હોવાથી મુશ્કેલી સર્જાય છે.

Leave a Comment