શહેરમાં 9 જૂન પછી પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સુરત શહેર સાથે જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા વરસાદ કે ઝાપટા પડવાની આગાહી કરી છે. સુરત જિલ્લામાં આગામી 5 દિવસ દરમ્યાન હવામાનને લઇ જિલ્લા કૃષિ હવામાન વિભાગે ફોરકાસ્ટ જાહેર કર્યું છે.
ફોરકાસ્ટ મુજબ આગામી 5દિવસ આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. જો કે 10થી 12ના રોજ કેટલાક વિસ્તારોમાં અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં આંશિક અંશે ઘટાડાની શક્યતા છે. હવામાં ભેજનું વધુ પ્રમાણ જળવાય રહેશે. દક્ષિણ-પશ્ચિમી પવનો સરેરાશ 16થી 18 કિ.મી કલાક રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 77 ટકા અને સાંજે 65 ટકા રહ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 11 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા.